ઉત્સવ

ઊડતી વાત : માથા પર ભમતી અમેરિકી ‘ઘાત ’

  • ભરત વૈષ્ણવ

‘ગિધુ, સાતે કામ પડતા મેલીને આવો.’ રાધારાણીએ રસોડામાંથી બૂમ મારી. અમે સરકારની જેમ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. જોકે, સરકારની માફક અમારા કાન બહેરા નથી. અમારા વિરુધ્ધની કાનાફૂસી અમે સાંભળી લઇએ છીએ.

‘સાંભળો છો કે નહીં? હું અહીં ઘાંટા પાડું છું. કાનપુરમાં હડતાળ હોય તો સમેટી લો. અહીં કિચનમાં આવો.’ રાધારાણીએ અવાજનું વોલ્યુમ વધાર્યું. અમે અથડાતાં કૂટાતા રસોડામાં ગયા.

‘પ્રલય આવ્યો છે તે બૂમાબૂમ કરે છે?’ અમે પૂછયું.

અરે, તમને કહેવાનું રહી ગયું કે અમે દીકરા સાથે રહેવા કેલિફોર્નિયા-અમેરિકા આવ્યા છીએ. અમેરિકા આવ્યા પછી રાધારાણીના તોરતરીકા બદલાઇ ગયા છે.આખી જિંદગી રસોડું શબ્દ બોલનાર બાઇ હવે રસોડાને કિચન કહે છે. બપોરના જમવાને લંચ, સાંજના જમવાને ડિનર કહે છે. એની અમદાવાદી ડિકશનરી હવે વેબસ્ટરની બનવા લાગી છે.

રાધારાણીએ રસોડામાં પથારો પાથર્યો હતો. અહીં આપણા જેવો ગેસનો ચૂલો ન હોય. ઇલેકટ્રિક કોઇલ-ચૂલો છે. ચૂલા પર જલેબી આકારની સપાટ રીંગ છે. ચૂલા પર ચિમની પણ છે. રાધારાણી ઇન્ડિયાથી (અહીંના લોકો ભારતને ભારત ન કહેતાં ઇન્ડિયા કહે છે.)કપડાંમાં લપેટીને માટીની તાવડી લઇ આવેલ. એના પર રોટલી શેકતા હતા.

આપણા ગેસ સ્ટવ જેવું ન ફાવે. તાવડીને બરાબર સપોર્ટ મળતો ન હતો. અમને જોયા એટલે રાધારાણીને અમને ખખડાવવા, ખંજવાળ આવી. દરેક પત્નીને એના પતિને ખખડાવવાની ખુજલી આવતી હોય છે. અમારા સંસારમાં રાધારાણીને મને ફાયર કરવાની ખંજવાળ આવે તો કુછ બાત બની કહેવાય.

‘ઉંદરની જેમ દરમાં પેસીને શું કરતા હતા? ‘ફેસબુક’ કે મેસેન્જરમાં કોઇ સગલી ચાંપલી સાથે રોમાન્સના રાસડા લેતા હતા?’ પત્નીના નામ બદલાય, પરંતુ સવાલ શંકા- કુશંકા બદલાતા નથી.

‘રાધુ, અમે શું કરતા હોઇએ? કાં તો વર્તમાનપત્રના પ્રકાશક સહિતની વિગતો બેત્રણ વાર વાંચીને પાંચ રૂપિયાના વર્તમાનપત્રનો પૂરો કસ કાઢતા હોય. મગજ ન ચાલતું હોય તો શૂન્યમનસ્કપણે મોબાઇલ મચડતાં હોઇએ. જો મગજ ચાલતું હોય તો વાહિયાત લેખ લખતા હોઇએ. જો કે, બગાસા ખાવા, આળસ મરડવી, છીંકો ખાવા જેવી જીવનાવશ્યક અને જીવનવૃદ્ધિ પ્રવૃતિ કરતા હોઇએ. તું ધારે કે ન ધારે તેવી પત્ની વિરોધી કોઇ પ્રવૃતિ કરતા ન હતા.’ અમે આરોપોનું ખંડન કર્યું.
‘ઠીક છે, તમે પત્રકાર છો એટલે બહાના બનાવતા સારા આવડે છે.’ રાધારાણીએ વ્યાજસ્તુતિ (કોઇ રકમનું રોકાણ કર્યું હોય અને તેના પર વ્યાજ મળે તેની સ્તુતિ કે પ્રસંશા કરવી એવું હરગિજ માનવું નહીં. અહીં વખાણમાં ટીકા અને ટીકામાં વખાણ કરવા તેને વ્યાજસ્તુતિ અલંકાર કહે છે તેની વાત છે!) કરી.

‘રાધુ, ફાલતુ વાત તડકે મેલ. અરે કામ શું છે એ કહે? જેના માટે મને બોલાવ્યો છે. મેં અકળાઈને કહ્યું.
‘કયાંકથી પેપર કે પંખો લઇ આવો. હવા નાખો.’

બંદૂકની ગોળીની જેમ રાધારાણીનો ઓર્ડર છૂટ્યો. અહીં મકાનોમાં સેન્ટ્રલ એસી હોય. એટલે કાળઝાળ ગરમીનો સવાલ જ ન હોય. રાધારાણીના કોઠી જેવા શરીરમાં પરસેવો તો ઠીક પરસેવડું પણ દેખાય નહીં. અમેરિકામાં લગભગ કોઇ પેપર મંગાવે નહીં એટલે પંખાનો કોન્સેપ્ટ અહીં હોય નહીં. કયાંકથી પેકિંગના ખોખામાંથી પૂંઠું શોધ્યું. રાધારાણી પાસે જઇ હવા નાખવાનું શોભાસ્પદ કામ આદર્યું.

‘અરે, તમે તો સાવ ડોબા છો ડોબા.’ રાધારાણીએ અમારા કામનો શિરપાવ આપ્યો. અમે સ્તબ્ધ થઈ ગયા. આનું કામ ન કરીએ તો તકલીફ. કામ કરીએ તો વધારે તકલીફ. કરે તો કયાં કરે?
‘કેમ શું થયું?’ મેં ગુસ્સો કર્યો.
‘મને કયા ગરમી થાય છે?’

માથા પર હાથ પછાડી રાધારાણી બોલ્યાં. એવામાં પાટલી પરનું વેલણ ઊછળ્યું. વેલણે રાફેલ વિમાનની જેમ રાધારાણીના કપાળને આતંકી અડો સમજી પ્રહાર કર્યો. અમારા ઘરમાં ‘ઓપરેશન સિંદૂર’ની જગ્યાએ: ‘ઓપરેશન લાલ લોહી’ થઇ ગયું. અમે કયાંકથી ડેટોલ શોધ્યું. બોટલનું ઢાંકણું ખોલી રૂ પલાળી રાધારાણીના કપાળ પરના ઘા પર લગાડી. લોહી બંધ થઇ ગયું.
‘રાધુ, તને હવે કેવું લાગે છે?’ મેં સહાનુભૂતિથી પૂછયું.

‘ગિધુ, આ અમેરિકાવાળા ડરપોક છે. ઘરમાં ફાયર એલાર્મ લગાડે છે. આપણાં ઘરોમાં ફાયર એલાર્મ હોતું નથી. આપણી સરકાર સરકારી ઇમારતોમાં ફાયર એલાર્મ લગાવે છે. તેના બિલો ચૂકવાય છે, પરંતુ ખરેખર આગ લાગે ત્યારે ફાયર એલાર્મ વાગતા નથી. રોડ પર સીસીટીવી લગાડે છે, જે અણીના સમયે બંધ હોય છે. અહીં એવું હોતું નથી.’

આપણ વાંચો:  આકાશ મારી પાંખમાં : લવ યુ, બેટા, ફાધર્સ ડે ના રોજ પપ્પાના પ્રેમની વાત…

રાધારાણી ઢંગધડા વિનાનું બોલ્યા.
‘આ કથા કરવાનું શું પ્રયોજન છે?’ મેં મૂંઝાઈને પૂછયું.
‘બળ્યું , મુંઉં ફાયર એલાર્મ. મેં ગેસ પર પાપડ શેકવાનું શરૂ કર્યું કે પીટ્યું લાલ લાઇટ કરીને ‘ફાયર… ફાયર… ફાયર’ બોલવા માંડ્યું.

હવે અટકવાનું નામ લેતું નથી.’ રાધારાણીએ ફાયર એલાર્મ પારાયણ વાંચ્યું. હવે અમને લાઇટ થઇ કે રાધારાણી કોને હવા નાખવાનું કહેતા હતા. અહીં ફાયર એલાર્મ લાંબો સમય બોલતું રહે તો ઘડીના છઠા ભાગમાં ‘ફલેકસ’ તરીકે ઓળખાતી ફાયર બ્રિગેડ સાયરન વગાડતું ધસી આવે.

અમે ફડાક દઇને પૂંઠાથી ફાયર એલાર્મને હવા નાખવાનું શરૂ કર્યું. એક બે મિનિટ પછી ફાયર એલાર્મમાં લાલને બદલે લીલી લાઇટ થઇ. ફાયર એલાર્મ શાંત થયું બધા ચક્રવાત શમી ગયા.
આમ જુઓ તો અમારા માથા પરથી અમેરિકી ઘાત ગઈ!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button