પત્નીએ સ્ટુલ ઉઠાવવાનું કહ્યું અને પતિએ કર્યું કંઈક એવું કે…
ડોંબિવલીઃ સાફસફાઈ કરતી વખતે ઝાડું મારવાનું હોઈ પત્નીએ પતિને સ્ટુલ ઉઠાવીને બાજું પર મૂકવા જણાવતા ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીને ફેનના હૂક સાથે લટકાવીને ફાંસીએ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ જેમ તેમ પોતાની જાતને બચાવી લીધી હતી અને આ ઘટનાની જાણ કોઈને કરી નહોતી.
પરંતુ તે જ્યારે પોતાના મામાના ઘરે ગામ ગઈ હતી એ સમયે મામાને તેના ગળા પર નિશાન દેખાયું હતું અને એના વિશે પૂછવામાં આવતા તેણે બનેલી ઘટના જણાવી હતી. આ પ્રકરણે માનપાડા પોલીસ સ્ટેશનમાં ખુશાલ જાધવ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
કલ્યાણ ઈસ્ટમાં આવેલા મલંગરોડ પરિસરની એક સોસાયટીમાં ખુશાલ તેની પત્ની તનિષા સાથે રહે છે. આઠ મહિના પહેલાં જ બંનેના લગ્ન થયા હતા. લગ્ન બાદ ખુશાલ કંઈ કામ ન કરતો હોવાને કારણે બંને વચ્ચે ઝઘડા થતાં હતા. 22મી ઓક્ટોબરે જ્યારે પતિ-પત્ની ગામ ગયા હતા એ સમયે તનિષાના ગળા પર જોવા મળેલા નિશાન અંગે પૂછા કરતાં આખી ઘટના પ્રકાશમાં આવી હતી.
દરમિયાન ખુશાલે તનિષા વારંવાર તેને કંઈને કંઈ કામ કહેતી હોવાનો અને બોલતી હોવાનો ગુસ્સો મનમાં રાખી ખુશાલે તેને માર માર્યો હતો અને નાયલોનની રસ્સીથી ગળે ફાંસો આપીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સદ્ભાગ્યે તનિષા બચી ગઈ હતી.
તનિષા પાસેથી આખી ઘટના જાણીને મામા તેને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. ડોંબિવલીના માનપાડા પોલીસે પતિ ખુશાલ સામે હત્યા કરવાનો ગુનો નોંધીને આરોપીની શોધ ખોળ શરૂકરી છે. પરંતુ આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.