છ ફૂટ, ચાર ઇંચ ઊંચા ટીનેજરે કેએલ રાહુલની વિકેટ લીધી એટલે ફાવી ગયો, જાણો કેવી રીતે…

લંડનઃ ઇંગ્લૅન્ડમાં હજી સુધી એક પણ કાઉન્ટી મૅચ ન રમનાર અને પ્રથમ કક્ષાની ફક્ત બે મૅચ રમનાર 19 વર્ષના ફાસ્ટ બોલર એડ્ડી જૅક (EDDIE JACKS)નું ભાગ્ય ગણતરીના દિવસોમાં જ ફરી ગયું. રવિવારે નૉર્ધમ્પ્ટનમાં તેણે ભારતના ભરોસાપાત્ર બૅટ્સમૅન કેએલ રાહુલ (KL RAHUL)ની વિકેટ લીધી એટલે બે જ દિવસમાં તેને ઇંગ્લૅન્ડના સિલેક્ટરોએ ભારત સામેની આગામી ટેસ્ટ સિરીઝ માટે પ્રૅક્ટિસ કરી રહેલા ઇંગ્લૅન્ડના ખેલાડીઓને નેટમાં મદદ કરવા બોલાવી લીધો.
પીટીઆઈના અહેવાલ મુજબ એડ્ડી જૅક છ ફૂટ ચાર ઇંચ ઊંચો છે. તે પ્રથમ કક્ષાની માંડ બે મૅચ રમ્યો છે અને એ બન્ને બિનસત્તાવાર ટેસ્ટ મૅચ આ મહિને ઇન્ડિયા એ' સામે રમાઈ હતી. કેએલ રાહુલે છઠ્ઠી જૂને નૉર્ધમ્પ્ટનમાં લાયન્સ (Lions) સામેની ચાર-દિવસીય મૅચના પહેલા દાવમાં સેન્ચુરી (168 બૉલમાં 118 રન) ફટકારી હતી. એ દાવમાં રાહુલની વિકેટ જ્યોર્જ હિલે લીધી હતી, પણ બીજા દાવમાં રાહુલ 51 રન પર હતો અને લાયન્સની ટીમ માટે ખતરો બની રહ્યો હતો ત્યારે જૅકે તેને કૅચઆઉટ કરાવ્યો હતો. ઇંગ્લૅન્ડ (England)ના કોચિંગ ગ્રૂપમાં ઍન્ડ્રયૂ ફ્લિન્ટૉફ, માર્ક વૂડ અને ગ્રેમ સ્વૉન જેવા જાણીતા ક્રિકેટરોનો સમાવેશ છે. તેમને એડ્ડી જૅકનો ઇન્ડિયા
એ’ સામેની મૅચનો પર્ફોર્મન્સ ખૂબ ગમી ગયો હતો. ખાસ કરીને તેણે રાહુલની વિકેટ લીધી એનાથી આ કોચિંગ સ્ટાફ ખૂબ પ્રભાવિત થયો હતો. જૅકે રાહુલ ઉપરાંત નીતિશ કુમાર રેડ્ડીને કાબૂમાં રાખ્યો હતો ધ્રુવ જુરેલને પણ આઉટ કર્યો હતો. 2022માં રાંચીમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં જુરેલ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.
ટીનેજર એડ્ડી જૅકે ગયા મહિને ઝિમ્બાબ્વે સામેની પ્રૅક્ટિસ મૅચમાં પાંચ વિકેટ લીધી હતી. ત્યારે તેણે ઝિમ્બાબ્વેના ઓપનર બ્રાયન બેનેટની બે વખતે તેમ જ કૅપ્ટન ક્રેગ ઇરવિન, શૉન વિલિયમ્સ અને બેન કરૅનની વિકેટ લીધી હતી.
જોફ્રા આર્ચર, ગસ ઍટક્નિસન અને માર્ક વૂડ ઈજાગ્રસ્ત હોવાથી ભારત સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં બ્રિટિશ ટીમનો પેસ પાવર નબળો રહેવાનો હોવાથી ટીમને એડ્ડી જૅક જેવા યુવાન ફાસ્ટ બોલરની ખાસ જરૂર છે.
આ પણ વાંચો…રોહિતના ફોર્મ પર BCCIને શંકા! સિલેક્ટર્સ શોધી રહ્યા છે વનડે માટે નવો કેપ્ટન