રાજકોટ

અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક, જયરાજસિંહના માણસો ખોટા નિવેદન આપવા દબાણ કર્યું હોવાનું સગીરાનું જજ સમક્ષ નિવેદન

રાજકોટ: રાજકોટના રીબડામાં અમિત દામજીભાઇ ખુંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે, જેમાં દુષ્કર્મનો ભોગ બનનારી 17 વર્ષીય સગીરાએ 9 જૂન સોમવારના રોજ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. આરોપી સગીરાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે, જયરાજસિંહ જાડેજાના માણસોએ ખોટા નિવેદન માટે દબાણ કર્યું હતું. સગીરાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, પોલીસે પણ જયરાજસિંહ કહે તેવું નિવેદન આપવા તેના પર દબાણ કર્યું હતું. સગીરાએ વધુમાં કહ્યું હતું કે, મારા પરિવારને પણ ધાકધમકી આપવામા આવી હતી.

અમિત ખૂંટ આપઘાત કેસમાં સગીરાનું નિવેદન મહત્ત્વની કડી સાબિત થઇ શકે છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ સામે સગીરાએ કહ્યુ હતુ કે, અનિરુદ્ધ સિંહ જાડેજા, રાજદીપ સિંહ જાડેજાને હું ક્યારેય પણ મળી નથી. બંને વકીલો દિનેશ પાતર અને સંજય પંડિતને પણ ખોટા ફસાવવામાં આવ્યા હોવાની વાત સગીરાએ તેના નિવેદનમાં કહીં હતી. તો રાજકોટ ગ્રામ્ય પોલીસ ઉપર પણ સગીરા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી નહીં ઝડપાય તો રીબડામાં આંદોલનની ચીમકી

અત્રે ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી મૃતકની સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું છે કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો.

2022ની વિધાનસભા ચૂંટણી સમયથી રીબડા(અનિરુદ્ધસિંહ જાડેજા) અને ગોંડલ જૂથ(જયરાજસિંહ જાડેજા) સામ સામે છે. આ બે બાહુબલીઓના વર્ચસ્વની લડાઈમાં એક યુવકને જીવ ગુમાવવો પડ્યો હતો. મૃતક અમિત ખૂંટ પર 2022ની ચૂંટણી બાદ હુમલો થયો હતો. ત્યારથી લઇ અત્યારસુધી આ વિવાદ ચાલતો હતો, જેમાં જમીન વિવાદ અને હનીટ્રેપનાં તત્ત્વો ઉમેરાયાં અને અમિત ખૂંટે જિંદગી ટૂંકાવવાનો વારો આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button