સુરત

સુરતમાં વૃદ્ધને’ડિજિટલ અરેસ્ટ’ કરી 16 લાખ પડાવ્યા: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી સહિત ત્રણ ઝડપાયા…

સુરત: સાયબર ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ગુનેગારો ડિજિટલ ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા સામાન્ય નાગરિકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં દિલ્હી પોલીસની ખોટી ઓળખ આપીને એક વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી, મની લોન્ડરિંગના કેસની ધમકી આપીને 16 લાખથી વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ભાવનગરના આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ પ્લેયર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

મળતી વિગતો અનુસાર, સુરતમાં રહેતા એક વૃદ્ધને વીડિયો કોલ દ્વારા દિલ્હી પોલીસના અધિકારી તરીકે ઓળખ આપીને 2.50 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં ફસાયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમને બે દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં તેમને સ્કાઈપ જેવા પ્લેટફોર્મ પર સતત હાજર રહેવા અને પોતાના ઘરમાં જ બંધ રહેવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ વૃદ્ધની બેંક એફ.ડી. તોડાવીને કુલ 16 લાખ 65 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ વૃદ્ધે પોતાની દીકરીને કરતા તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બેંક ડિટેલના આધારે તપાસ કરતા ભાવનગરમાં રહેતા 22 વર્ષીય આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી પરમવીરસિંહ, 38 વર્ષીય રાજુ પરમાર અને ક્રિષ્ના કુમારને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ કરતા સામે આવ્યું છે કે તેમની સામે 18 રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે.

આપણ વાંચો : સુરત સાયબર ફ્રોડ: લોનના બહાને ₹1445 કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપાયું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button