રાજકોટમાં બાળ મજૂરીનો પર્દાફાશ: 21 બંગાળીઓને બંધક બનાવી મજૂરી કરાવાતી, જાતીય શોષણનો પણ ઘટસ્ફોટ

રાજકોટ: રાજકોટમાંથી એક ચોંકાવનારો કીસ્સો સામે આવ્યો છે. શહેરના બેડી ચોકડી નજીક એક મકાનમાંથી મૂળ બંગાળના 21 લોકોને ગોંધી રાખીને તેમની પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો હતો. આ 21 લોકોમાં 16 સગીર હતા જ્યારે 5 યુવકનો સમાવેશ થાય છે. આમની પાસેથી 10 કલાકથી વધુ કલાક સુધી મજૂરી કરાવવામાં આવતી હતી. આ અંગે બાતમી મળતાની સાથે જ પોલીસે દરોડો પાડ્યો હતો.
આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો
મળતી વિગતો અનુસાર રાજકોટ શહેર SOG એ રાજકોટના મોરબી રોડ, બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાં એક મકાન પર દરોડો પાડી 21 બંગાળી લોકોને મુક્ત કરાવ્યા હતા, જેમને ગોંધી રાખીને મજૂરી કરાવવામાં આવતી હતી. આરોપીની ઓળખ મૂળ બંગાળનો અજમાત મૌલા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર આરોપી આ લોકોને બંગાળથી રાજકોટ “ઇમિટેશનના સારા કારીગર બનાવવાની લાલચ” આપીને લાવ્યો હતો.
આ પણ વાંચો: ‘ચૅટિંગ સ્કેમ’ માટે માનવ તસ્કરીનું રૅકેટ: સુરતના યુવાનની ધરપકડ…
જાતીય શોષણની પણ ઘટના
પોલીસના જણાવ્યા અનુસાર, આ બાળકોને ₹8 હજારના માસિક પગાર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે તેઓ આદેશ મુજબ કામ ન કરતા, ત્યારે અજિતમૌલા તેમને નિર્દયતાથી મારતો હતો. મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એક બાળક સાથે જાતીય શોષણની પણ ઘટના બની છે, જેમાં કોઈ વસ્તુને બળજબરીપૂર્વક તેના ગુપ્તાંગમાં દાખલ કરવામાં આવી હતી.
આરોપી સામે નોંધાયો ગુનો
આ ગંભીર મામલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 118 (હુમલો), 146 (અનૈચ્છિક મજૂરી), બાળ મજૂરી નિષેધ અધિનિયમ, કિશોર ન્યાય અધિનિયમ અને POCSO એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. ACP ભરત બાસિયાએ જણાવ્યું કે, હાલ તમામ સગીરો અને યુવાનોને શહેરના એક ચાઈલ્ડ કેર હોમમાં વહીવટીતંત્રની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.