આપણું ગુજરાત

સુરતમાંથી અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો બંગલાદેશી ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા બંગલાદેશી ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટું નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે તે ભારતમાં રહેતો હતો. એનઆઈએની તપાસમાં ઝડપાયેલો બંગલાદેશી અલ કાયદાની સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વેસુ કેનાલ રોડ પાસેથી બંગલાદેશી અબુ બકર હજરતઅલી ઉર્ફે અલીમ હક બયજરઅલી ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ તેમજ ગર્વમેન્ટ ઓફ ધી પીપલ્સ રિપબ્લિક ઓફ બંગલાદેશનું નેશનલ આઈડી કાર્ડની નકલ, અંગ્રેજી તથા બંગલાદેશની ભાષાનું જન્મ પ્રમાણપત્રની નકલ તેમ જ બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલા બંગલાદેશી યુવકે અમદાવાદ ખાતે રહેતા ગૌતમ નામના ઇસમ પાસેથી ગેરકાયદેસર રીતે આધારકાર્ડ બનાવ્યું હતું. તેમ જ આધાર કાર્ડથી મોબાઈલ ફોન નંબર મેળવી વપરાશ કરતો હતો. તે વર્ષ ૨૦૧૫થી અમદાવાદ ખાતે પોતાનું નામ બદલીને રહેતો હતો. આ દરમિયાન તેણે ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ બનાવી લીધું હતું. તેમ જ અલ કાયદાની એનઆઈએની તપાસમાં બંગલાદેશના વતની વોન્ટેડ આરોપી હુમાયુખાન સાથે સંકળાયેલો હોવાનું બહાર આવતા સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button