‘તમિલનાડુ અને બંગાળમાં પણ NDA સરકાર બનશે’, અમિત શાહે સ્ટાલિન-મમતાને પડકાર ફેંક્યો

મદુરાઈ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે રવિવારે તમિલનાડુના મદુરાઈમાં જાહેર સભાને સંબોધી (Amit Shah rally in Madurai) હતી. સંબોધન દરમિયાન અમિત શાહે રાજ્યમાં સત્તાધારી પક્ષ દ્રવિડ મુનેત્ર કઝગમ(DMK)ને પડકાર ફેંક્યો હતો. અમિત શાહે કહ્યું કે આવતા વર્ષે યોજાનાર તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ DMKને હરાવશે. આ સાથે અમિત શાહે રાજ્યની DMK સરાકર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા જતાં.
જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે, 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને AIDMK સાથે મળીને એનડીએ સરકાર બનાવશે. આ સાથે અમિત શાહે મમતા બેનર્જીને પડકાર ફેંકતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પણ NDA સરકાર બનશે.
મુલાકાત દરમિયાન અમિત શાહે આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરી અને રાજ્યના નેતાઓ સાથે રણનીતિ પર ચર્ચા કરી.
એમકે સ્ટાલિનને પડકાર:
જનમેદનીને સંબોધતા તમણે કહ્યું કે આ સંમેલન ડીએમકે સરકારને સત્તા પરથી હટાવવા અને પરિવર્તનની શરૂઆતનો સંકેત છે. તમિલનાડુના લોકો હવે પરિવર્તન ઇચ્છે છે અને ભાજપના કાર્યકરો તેના માટે સંપૂર્ણપણે તૈયાર છે. એમ.કે. સ્ટાલિન કહે છે કે અમિત શાહ DMKને હરાવી નહીં શકે, તેઓ સાચું જ કહે છે. હું નહીં, પણ તમિલનાડુના લોકો DMKને હરાવશે.
તમિલનાડુ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ:
અમિત શાહે વર્તમાન તમિલનાડુ સરકાર ડીએમકે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે DMKના કાર્યકાળના છેલ્લા ચાર વર્ષમાં ભ્રષ્ટાચારની બધી હદો વટાવી દીધી છે. કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી 450 કરોડ રૂપિયાની પોષણ કીટ એક ખાનગી કંપનીને સોંપીને ગરીબોને ભોજનથી વંચિત રાખવામાં આવ્યા હતા.
સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું કે DMK સરકાર પર 4600 કરોડ રૂપિયાના ગેરકાયદેસર રેતી ખનન કૌભાંડનો પણ આરોપ છે, જેની સીધી અસર રાજ્યના ગરીબો પર પડી હતી અને પાર્ટી નફો કમાઈ શકે તે માટે લોકોએ મોંઘી રેતી ખરીદવી પડી હતી.
અમિત શાહે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) કૌભાંડનો પણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે આ રકમ તમિલનાડુની દરેક શાળામાં બે વધારાના રૂમ બનાવવા માટે ખર્ચી શકાય છે.
અમિત શાહે કહ્યું, “મારી પાસે એમકે સ્ટાલિન સરકાર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારની લાંબી યાદી છે, પરંતુ હું તેના પર વિગતવાર વાત કરીને હાલ સમય બગાડવા માંગતો નથી. સ્ટાલિન સરકારે તેના 60 ટકા ચૂંટણી વચનો પણ પૂરા કર્યા નથી.”