વિદેશથી ગિફ્ટ મોકલવાને બહાને મહિલાપાસેથી 49.59 લાખ રૂપિયા પડાવ્યા

થાણે: વિદેશથી ગિફ્ટ મોકલવાને બહાને કસ્ટમ્સ વિભાગના અધિકારીના સ્વાંગમાં નવી મુંબઈની 46 વર્ષની મહિલા પાસેથી 49.59 લાખ પડાવવામાં આવ્યા હતા.
જૂન અને ઑગસ્ટ, 2024 દરમિયાન આ છેતરપિંડી આચરવામાં આવી હતી, પણ નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં રહેતી મહિલાએ શુક્રવારે રબકાળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા ઍપ પર શખસે ફરિયાદી મહિલાનો સંપર્ક સાધ્યો હતો અને પોતે યુનાઇટેડ કિંગડમનો હોવાનો દાવો કર્યો હતો. ફરિયાદી સાથે મિત્રતા કર્યા બાદ આરોપીએ તેને મોંઘી ગિફ્ટ મોકલવાનું વચન આપ્યું હતું.
બાદમાં ફરિયાદીને એક મહિલાએ કૉલ કર્યો હતો અને પોતાની ઓળખ દિલ્હી એરપોર્ટથી કસ્ટમ્સ અધિકારી તરીકે આપી હતી. તેણે ફરિયાદીને જણાવ્યું હતું કે તેના નામનું પાર્સલ અહીં આવ્યું છે અને વિવિધ શુલ્કની ચુકવણી કરવાની હોવાથી તેને ક્લિયર કરી શકાશે નહીં.
આથી ફરિયાદીએ આરોપીના કહ્યા મુજબ વિવિધ અવસરે અનેક બૅંક અકાઉન્ટ્સમાં 49.59 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. કસ્ટમ્સ ડ્યૂટી, ફોરેન એક્સચેન્જ ફી અને પાર્સલ હાથ ધરવાના શુલ્કને નામે આ રકમ પડાવી લેવામાં આવી હતી.
દરમિયાન રૂપિયાની માગણી વધી રહી હતી અને ગિફ્ટ પણ ન આવતાં ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક સાધ્યો હતો, પણ કોઇ દાદ મળી નહોતી. પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. રબાળે પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આપણ વાંચો: ઠાકરે સેનાની બેઠક પૂર્ણ; રાજ-ઉદ્ધવના ભેગા થવા અંગે શું ચર્ચા થઈ? કિશોરી પેડણેકરે માહિતી આપી
પોલીસે તપાસ કરતાં આરોપીઓએ ખોટી ઓળખ આપી હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસ વધુ તપાસ માટે સાયબર સેલનો સોંપવામાં આવ્યો છે. (પીટીઆઇ)