ઉત્સવ

આજે આટલું જ : યુસુફભાઇ! તમે હોત તો…

-શોભિત દેસાઈ

આમ નામ યુસુફ બુકવાલા. પણ યથાર્થ નામ યુસુફ ગઝલવાલા… અને ખાસ તો મુક્તકવાલા. જનાબ યુસુફ બુકવાલાનો એવો ભવ્ય દબદબો ગુજરાતી ગઝલમાં. મુક્તક વિષે તો કહી જ શકાય કે એમના મુક્તક બેજોડ રહ્યાં છે.

સદાના સૌમ્ય, જીવનનો વિનમ્ર વિનિયોગ અને અન્યાયને પણ પરમાત્માનો અલગ રીતનો ન્યાય સમજીને જીવનાર યુસુફસાહેબે ક્યારેય કોઇ પણ જગ્યાએ પોતાની જાત લાદી નહીં… અને કદાચ એ જ કારણથી ગુજરાતી ગઝલનું એ જરાક ઓછું પૂજાયેલું મંદિર રહ્યા. છેલ્લાં ત્રીસ વર્ષથી જે પેઢીઓની પધરામણી ગુજરાતી ગઝલમાં થઇ એમને તો કદાચ ખ્યાલ પણ નહીં હોય કે એક વખત એક યુસુફ બુકવાલા હતા ગુજરાતી ગઝલમાં જેમણે મા ગુર્જરીને અદ્ભુત મુક્તકના શૃંગાર ધર્યા છે. 1994માં આ સંગ્રહની બહુ જ પ્રાથમિક કક્ષાની છપાઇ સાથેની પહેલી આવૃત્તિ (એ પણ પાછી હરીન્દ્ર દવે અને કૈલાસ પંડિતની સર્જનાત્મક સુંદર નોંધ સાથે) પ્રગટ થઇ એના 8-10 દિવસમાં યુસુફભાઇએ વિદાય લીધી. તે ઠેઠ 31 વરસ પછી 2025માં અત્યંત રૂપકડા રૂપાળા આકાર સાથે બીજી આવૃત્તિનું પ્રકાશન થઇ રહ્યું છે, યુસુફ જન્મશતાબ્દીને બીજી કઇ રીતે ઉજવી શકાય?

ખાસ તો આ પ્રકાશન ગઝલના અસલ સુખનફહેમ, રસિયા અને નવલોહિયા ગઝલ ખેડુઓને યુસુફ બુકવાલાનો ચિતાર આપવા માટે છે.

ગુજરાતી ગઝલના અલ્પપ્રસિદ્ધ અને અતિસિદ્ધ શાયર જનાબ યુસુફ બુકવાલાને સૌ અસલ ગઝલપ્રેમીઓ તરફથી પાયલાગણ અને આરિફ યુસુફ બુકવાલાને આ અતિરમ્ય પરિશ્રમની મુબારકબાદી.

મેં મુશાયરા પ્રવેશ કર્યો ફેબ્રુઆરી 1976માં… વીસમે વર્ષે… મારા સહશાયરો ‘બેફામ’, ‘મરીઝ’, ‘શૂન્ય’, ‘સૈફ’, ‘બકુલ’ લગભગ 55-60ની આસપાસના અને ‘કૈલાસ’, ‘મેહુલ’, ‘દિગંત’ 35ની આસપાસના… અત્યારે મારા પછીની બીજી બે પેઢી 50ની અને 40ની આસપાસની થઇ અને એના પછીની બે પેઢી 30 અને 25ની આસપાસની થઇ. અત્યારની આ હયાત પાંચ પેઢીનો એક મુશાયરો થઇ રહ્યો છે તા. 14 જૂન 2025ની સાંજે યુસુફભાઇ બુકવાલાના સંગ્રહના અનાવરણ નિમિત્તે. ‘મુંબઇ સમાચાર’માં ગઈકાલે જાહેરાત જોઇને જરૂર આવજો રસિયાઓ! સરસ મુશાયરાની હું તમને ખાતરી આપું છું.

યુસુફ બુકવાલાના કેટલાંક પાણીદાર મુક્તકો વગર તો કેમ વિરમી શકાય?!

મેં નદી પાસેથી માંગી હતી નિર્મળતા મળી;
ફૂલ પાસેથી મેં ચાહી હતી કોમળતા મળી.
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી!
*
સંકુચિત દૃષ્ટિથી કોઇ મને જોયા ન કરે
મેં કદી કોઇ કળી સ્પર્શીને કરમાવી નથી
લાગણી કંઇક વખત મારી દુ:ખી ગઇ છે છતાં
મારી આંખોથી મેં શબનમ કદી વરસાવી નથી
*
મારા ખોવાએલાં સ્વપ્નાઓ સજીવન કરવા
મારી રીતે મારી દુનિયા મેં વસાવી લીધી
મારા પડછાયાને મેં મિત્રનું ઉપનામ દીધું
મારી એકલતા મેં એ રીતે નિભાવી લીધી
*
કદી ઘેરા કદી આછા થતાં આ પડછાયા
કદી ટૂંકા કદી લાંબા થતા આ પડછાયા
મારું વિતેલું જીવન તો નથી કહેતા ‘યુસુફ’
કદી આગળ કદી પાછળ જતાં આ પડછાયા
*
જિંદગી વેડફી નાખી મેં તમારા માટે
દિલનો છેવટ સુધી બન્નેમાં વિનિમય ન થયો
હાય, દુર્ભાગ્ય કે, જીવનની સમીસાંજ સમય
તમે મળવા મને આવ્યા ને પરિચય ન થયો
*
જેઓ માને છે કે, હારી અમે બાજી જીત્યાં
આવા ભ્રમણા ભર્યા કોઇએ વિજય જોયા છે?
માત્ર એક કલ્પના છે જીવને બહેલાવાને
સાચું કહેજો કદી મૃગજળમાં પ્રલય જોયા છે !
*
માંગી માંગીને પ્રભુ પાસે મેં માંગ્યું એવું
મારું મૃત્યુ મારે જોવું છે ઘડીભર માટે
મને શંકા છે કે અશ્રુ નહીં સારે કોઇ
મારા શબ પર મારે રોવું છે ઘડીભર માટે
*
ફૂલ ખીલ્યા અને ખરીયે ગયા
શ્વાસ થોડા ઘણા ભરીયે ગયા
એવા જીવનનો અર્થ કંઇજ નથી
આવ્યા જીવ્યા અને મરીયે ગયા.
*
તારા સોગન મેં કળીમાંથી સુમન જોયું છે,
મેં ઉદય થઇને થતું અસ્ત જીવન જોયું છે,
તારું સૌંદર્ય ન દઇ શકશે કદી મુજને ફરેબ
તારા બચપણનું મેં નિર્દોષ વદન જોયું છે !
આજે આટલું જ…

આપણ વાંચો : આજે આટલું જ : શાયરનું સ્મારક

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button