આ ભારતીય ખેલાડીને 18 બૉલ ફેંકવાના 10.75 કરોડ રૂપિયા મળ્યા!

નવી દિલ્હી: 18 વર્ષથી રમાતી ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એવી ટૂર્નામેન્ટ છે જે મોટા ભાગના ક્રિકેટરોને ન્યાલ કરી દે છે તો અમુક નવા અને બિનઅનુભવી ખેલાડીઓને ઓછા પૈસા મળે છે, પરંતુ તેઓ અનુભવ મેળવીને આગળ જતાં સારા પર્ફોર્મન્સથી કરોડો રૂપિયા કમાઈ શકે છે.
આ વખતની આઈપીએલમાં એક કિસ્સો એવો બન્યો જેમાં એક ખેલાડીને ખૂબ જ ઓછું રમવા મળ્યું, પરંતુ તેણે 10 કરોડ કરતાં પણ વધુ રૂપિયા કમાઈ લીધા છે. એ પ્લેયરની વાત કરતાં પહેલાં સૌથી મોંઘા બે ખેલાડીઓ વિશે થોડું જાણી લઈએ. રિષભ પંતને લખનઊ સુપર જાયન્ટ્સના ફ્રેન્ચાઇઝીએ આ એક સીઝન રમવાના 27 કરોડ રૂપિયા આપ્યા છે. આઈપીએલના ઈતિહાસમાં વ્યક્તિગત વાર્ષિક સૅલરીનો આ વિક્રમ છે. જોકે તેણે સીઝનમાં જોઈએ એવું સારું પર્ફોર્મ નહોતું કર્યું અને તેની ટીમ 14માંથી આઠ મૅચ હારી જતાં પોઈન્ટ્સ ટેબલમાં છેક સાતમા નંબર પર રહી હતી.
એનાથી વિરોધાભાસી પર્ફોર્મન્સ શ્રેયસ ઐયરનો છે જેને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયા આ સીઝન રમવાના આપ્યા. વ્યક્તિગત વાર્ષિક સૅલરીમાં આ સેકન્ડ હાઈએસ્ટ આંકડો છે. શ્રેયસના સુકાનમાં પંજાબની ટીમ રનર-અપ રહી હતી. શ્રેયસ કુલ 604 રન બનાવીને તમામ બૅટ્સમેનોમાં છઠ્ઠા નંબર પર રહ્યો હતો.
હવે મૂળ વાત પર આવીએ તો દિલ્હી કેપિટલ્સે 34 વર્ષની ઉંમરના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ટી. નટરાજન (T. Natarajan)ને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તેને આખી ટૂર્નામેન્ટમાં ફક્ત બે મૅચની પ્લેઈંગ-ઇલેવનમાં સામેલ થવાનો મોકો મળ્યો હતો. એમાંથી પણ એક મૅચ વરસાદને લીધે ધોવાઈ જતાં તેણે રમવું જ નહોતું પડ્યું.
બાકીની જે એક મૅચમાં નટરાજનને રમવા મળ્યું એમાં તેને ત્રણ જ ઓવર (3 overs) આપવામાં આવી હતી, કારણકે ગુજરાત ટાઇટન્સ સામેની એ મૅચમાં તેની ત્રણ ઓવરમાં 49 રન થયા હતા અને તેને એકેય વિકેટ નહોતી મળી. 18મી મેએ દિલ્હીમાં ગુજરાતે સાઈ સુદર્શન (અણનમ 108 રન) અને કેપ્ટન શુભમન ગિલ (અણનમ 93 રન) વચ્ચેની 205 રનની વિક્રમજનક ભાગીદારીથી એ મૅચ જીતી લીધી હતી.
આઈપીએલનો નિયમ છે કે જે ખેલાડી જેટલી મૅચ રમવા માટે ઉપલબ્ધ હોય એ મૅચના પૂરા પૈસા તેને ફ્રેન્ચાઈઝી દ્વારા આપવામાં આવે છે. ભારત વતી સાત મૅચ રમી ચૂકેલા નટરાજનને આ વખતની આઈપીએલમાં એક જ મૅચ રમવા મળી જેમાં તેણે ત્રણ ઓવર બોલિંગ કરી હતી. એ જોતાં નટરાજનને ફક્ત ત્રણ ઓવર (18 બૉલ) રમવાના કુલ 10.75 કરોડ રૂપિયા મળ્યા. સરેરાશ કાઢીએ તો દિલ્હી કેપિટલ્સને નટરાજનનો એક બૉલ 60 લાખ રૂપિયામાં પડ્યો.
અક્ષર પટેલના સુકાનમાં દિલ્હી કેપિટલ્સ (DC)ની 14 મૅચ રમાઈ હતી જેમાંથી છ મૅચમાં એનો પરાજય થતાં એ ટીમ પાંચમા નંબર પર રહી હતી.