નેશનલ

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, એક્ટિવ કેસની સંખ્યા 5000ને પાર, એડવાઇઝરી જાહેર

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસ ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. જેમાં શુક્રવારે ભારતમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 5364 પર પહોંચી ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 4 મૃત્યુ પણ નોંધાયા છે. જેના પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને જરૂરી તબીબી તૈયારીઓ સુનિશ્ચિત કરવા એડવાઇઝરી જાહેર કરી છે.

દિલ્હીમાં સક્રિય કેસોની સંખ્યા 592

જેમાં શુક્રવારે દિલ્હીમાં કોરોનાના નવા 30 નવા કેસ નોંધાયા હતા. જેના લીધે સક્રિય કેસોની સંખ્યા 592 થઈ ગઈ છે. 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 7 મૃત્યુ નોંધાયા છે. જોકે ગુરુવાર પછી કોઈ નવું મૃત્યુ થયું નથી.

મહારાષ્ટ્રમાં 114 નવા કોવિડ કેસ

શુક્રવારે મહારાષ્ટ્રમાં 114 નવા કોવિડ કેસ મળી આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીથી, રાજ્યમાં 1276 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 18 મૃત્યુ થયા છે, જેમાંથી 17 દર્દીઓને પહેલાથી જ અન્ય રોગો હતા.

ગુજરાતમાં કોરોનાના વધુ 170 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 6 જૂનના રોજ કોરોનાના વધુ 170 કેસ નોંધાયા હતા અને કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 717 પર પહોંચ્યો હતો. 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. આજે 68 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

હરિયાણામાં 31 નવા કેસ નોંધાયા

હરિયાણામાં 31 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 20 એકલા ગુરુગ્રામ અને ફરીદાબાદના છે. આ ઉપરાંત, કરનાલ અને ઝજ્જરમાંથી 3-3, પાણીપતમાંથી 2, યમુનાનગર, હિસાર અને પંચકુલામાંથી 1-1 કેસ મળી આવ્યા છે.રાજ્યમાં હાલમાં 87 સક્રિય કેસ છે અને ફક્ત 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે.

ઓડિશામાં 7 નવા કેસ નોંધાયા

ઓડિશામાં અત્યાર સુધીમાં 30 કોવિડ કેસ નોંધાયા છે, જેમાંથી શુક્રવારે 7 નવા કેસ મળી આવ્યા હતા. આમાંથી અત્યાર સુધીમાં 7 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 23 સક્રિય કેસ છે. આરોગ્ય વિભાગના ડિરેક્ટર ડૉ. નીલકંઠ મિશ્રાએ જણાવ્યું હતું કે હાલમાં પરિસ્થિતિ ગંભીર નથી, પરંતુ તકેદારી રાખવી જરૂરી છે.

રથયાત્રા દરમિયાન સાવચેતી રાખવા અપીલ

તેમણે એમ પણ કહ્યું કે પુરીમાં યોજાનારી રથયાત્રા દરમિયાન કોવિડના લક્ષણો ધરાવતા લોકોને યાત્રાથી દૂર રહેવા અને ટીવી અથવા અન્ય માધ્યમો દ્વારા દર્શન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો….આ વખતે 25 થી 50 વર્ષના લોકોને ભરડામાં લઈ રહ્યો છે કોરોના, શરદી-ખાંસી નહીં જોવા મળે છે આ લક્ષણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button