IPL 2025

IPL 2025 Qualifier-2: પીચ-વેધર રીપોર્ટ, હેડ ટૂ હેડ રેકોર્ડ, મેચ રદ થાય તો કોને ફાયદો? જાણો સંપૂર્ણ માહિતી…

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની હવે છેલ્લી બે મેચ બાકી છે, આ બંને મેચ નિર્ણાયક છે. આજે IPL 2025ની ક્વોલિફાયર-2 મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાશે. બંને ટીમ મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

PBKS vs MIની ક્વોલિફાયર-2 મેચ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. PBKSનો કેપ્ટન શ્રેયસ ઐયર અને MIનો કેપ્ટન હાર્દિક પંડ્યા ટોસ માટે 7 વાગ્યે મેદાનમાં આવશે. આ મેચમાં જીત મેળવનારી ટીમ ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) સામે રમશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ કેવી રહેશે?
વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટર્સને મદદ આપતી હોય છે. અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આજની ક્વોલિફાયર-2 મેચમાં પણ છગ્ગા-ચોગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે. આ મેદાન પર ટીમો રન ચેઝ કરવાનું પસંદ કરે છે, પરંતુ આ સિઝનમાં વલણ અલગ જોવા મળ્યું છે. આ સીઝનમાં આ મેદાનમાં રમાયેલી 7 માંથી 6 વાર પહેલા બેટિંગ કરતી ટીમ જીતી છે. જો વરસાદની શક્યતા હોય, તો જ ટોસ જીતનાર કેપ્ટન રન ચેઝ કરવા વિષે વિચારી શકે છે.

વેધર રીપોર્ટ:
ગઈ કાલે 31 મે, શનિવારના રોજ આવેલા વરસાદી ઝાપટાને કારણે પંજાબ કિંગ્સના પ્રેક્ટિસ સેશનમાં ખલેલ પડી હતી. હવામાન વિભાગે 6 મે સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જોકે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા નથી.

હવામાન આગાહી મુજબ વરસાદી ઝાપટાની શક્યતા હોવાથી, ક્વોલિફાયર-2 મેચમાં ખલેલ પહોંચી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે સાંજે તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જશે. આજે સાંજે પવન ફૂંકાવાની અને મોડી રાત્રે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

જો વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે?
IPL 2025 પ્લેઓફની પ્રથમ ત્રણ મેચ- ક્વોલિફાયર 1, એલિમિનેટર અને ક્વોલિફાયર 2 માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જોકે, ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

વરસાદને ક્વોલિફાયર-2 મેચનું પરિણામ ન આવી શકે, તો લીગ સ્ટેજના પોઈન્ટ ટેબલના આધારે નિર્ણય લેવામાં આવશે. લીગ સ્ટેજના અંત સુધી પોઈન્ટ ટેબલમાં ઉપર રહેનારી ટીમને ફાઇનલમાં પ્રવેશ મળશે. PBKS વિરુદ્ધ MIના કિસ્સામાં, પંજાબ કિંગ્સ ફાઇનલ માટે ક્વોલિફાય થશે કારણ કે પંજાબની ટીમ IPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી, જ્યારે MI ચોથા સ્થાને રહી હતી.

પ્લેઇંગ કંડીશન:
IPL પ્લેઇંગ કંડીશન મુજબ, જો વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડે છે, તો મેચ રેફરી રાત્રે 10.50 વાગ્યે મેચ રદ કરી શકે છે. વધારાના બે કલાકની છૂટ સાથે, પુરેપુરી 20 ઓવરની મેચ રાત્રે 9.30 વાગ્યે શરૂ થઈ શકે છે. ઓછામાં ઓછી 5 ઓવર માટે મેચ રમાઈ શકે છે, જે રાત્રે મોડામાં મોડી 11.56 વાગ્યે શરૂ થવી જોઈએ.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ IPL રેકોર્ડ્સ:
મેચ – 42
પહેલા બેટિંગ કરતી વખતે જીતેલી મેચ – 21 (50.00%)
રન ચેઝ વખતે જીતેલી મેચ – 21 (50.00%)
હાઈએસ્ટ સ્કોર – 243/5
લોએસ્ટ સ્કોર – 89
રન ચેઝ કરતી વખતે સૌથી વધુ સ્કોર – 204/3
વિકેટ દીઠ એવરેજ રન – 28.73
ઓવર દીઠ એવરેજ રન – 8.93
પહેલા બેટિંગ કરતી વખતે એવરેજ સ્કોર – 176.35

MI vs PBKS હેડ ટુ હેડ:
IPL ના ઇતિહાસમાં PBKS અને MI વચ્ચે કુલ 32 મેચ રમાઈ છે, જેમાંથી MIએ 17માં અને PBKSએ 16 મેચમાં જીત મેળવી છે. જોકે, IPL 2025 પ્લેઓફ શરૂ થાય તે પહેલાં લીગ સ્ટેજની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button