સ્પોર્ટસ

મેદાન પર ઝપાઝપીઃ સાઉથ આફ્રિકાના બોલરે બાંગ્લાદેશના બૅટ્સમૅનની હેલ્મેટ ખેંચી અને પછી…

મિરપુરઃ બાંગ્લાદેશના શેર-એ-બાંગ્લા નૅશનલ સ્ટેડિયમમાં બુધવારે ક્રિકેટના મેદાન પર સાઉથ આફ્રિકા (SOUTH AFRICA) અને બાંગ્લાદેશ (BANGLADESH)ના ઊભરતા ખેલાડીઓ વચ્ચેની બિનસત્તાવાર ટેસ્ટ મૅચ (UNOFFICIAL TEST) દરમ્યાન અનિચ્છનીય ઘટના બની હતી જેમાં બે હરીફ ખેલાડીઓ ઝપાઝપી (BRAWL) પર ઊતરી આવ્યા હતા. અમ્પાયરે અને અન્ય ખેલાડીઓએ વચ્ચે પડીને તેમને છોડાવવા પડ્યા હતા.

બાંગ્લાદેશની 104મી ઓવર ચાલી રહી હતી. એ ઓવર સાઉથ આફ્રિકાના ત્શેપૉ ઍન્ટૂલી (Ntuli)એ કરી હતી જેના પહેલા જ બૉલ પર બાંગ્લાદેશના રિપૉન મૉન્ડોલે (Ripon Mondol) સિક્સર ફટકારી હતી. આ સિક્સરને પગલે બન્ને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.

આપણ વાંચો: IML 2025 ના ફાઈનલ મેચમાં યુવરાજ સિંહની વેસ્ટ ઇન્ડીઝના ખેલાડી સાથે બબાલ, જુઓ વિડીયો…

ઍન્ટૂલી એ તૂતૂ…મૈં મૈં દરમ્યાન રિપૉન પાસે દોડી આવ્યો હતો અને તેને ધક્કો માર્યો હતો. રિપૉને પ્રતિકાર કર્યો હતો અને વાતાવરણ તંગ થઈ ગયું હતું.

રિપૉને ઍન્ટૂલીને સામો વારંવાર ધક્કો માર્યો એટલે મામલો વધુ ગંભીર થઈ ગયો હતો. ઍન્ટૂલીએ રિપૉનની હેલ્મેટ પકડીને ખેંચી એટલે ગરમાગરમી વધુ ઉગ્ર બની ગઈ હતી. ક્રિકેટ `જેન્ટલમૅન્સ ગેમ’ છે અને એમાં આવી ઝપાઝપીને કોઈ સ્થાન નથી, પરંતુ આ બનાવમાં વાત ઘણી આગળ વધી ગઈ હતી.

આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આ ‘કેટફાઈટ’ એટલે વળી શું?

જોકે અમ્પાયરો અને અન્ય ખેલાડીઓએ સમયસર વચ્ચે પડીને બન્નેને છોડાવતાં ક્રિકેટની રમતને વધુ લાંછન લાગતું અટક્યું હતું.

આ મૅચ બિનસત્તાવાર હતી અને એ ફર્સ્ટ-ક્લાસ સ્તરની પણ નહોતી એમ છતાં ઝઘડો અને મારામારી કરનાર બન્ને ખેલાડીઓ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે એવી પાકી સંભાવના છે.

થોડી વાર બાદ ઍન્ટૂલીએ રિપૉનની વિકેટ તેના 43 રનના સ્કોર પર લીધી હતી અને ત્યારે આ ચાર-દિવસીય મૅચમાં બાંગ્લાદેશનો સ્કોર 352/9 હતો અને છેવટે 371 રનના સ્કોર પર પૂરો થયો હતો. ઍન્ટૂલીએ ત્રણ વિકેટ લીધી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે સાઉથ આફ્રિકાએ 152 રનમાં છ વિકેટ ગુમાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button