પાકિસ્તાનની સરહદથી ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકવાદીઓને ભારતીય જવાનોએ કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોએ આતંકવાદીઓની એક મોટી યોજનાને નિષ્ફળ બનાવી દીધી. LOC પર સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના 5 આંતકવાદીઓને ઠાર કર્યા હતા. આ વિસ્તારમાં જવાનોનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.
જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું હતું કે આજે સવારે માછિલ સેક્ટરમાં મળેલ એક ખાસ બાતમીને આધારે સેનાએ અભિયાન શરૂ કર્યું હતું. કેટલાક સૂત્રોએ જમ્મુ-કાશ્મીર પોલીસને આ વિસ્તારમાં આતંકવાદીઓની ઘુસણખોરી વિશે અવગત કર્યા હતા.
સરહદની વાડ પાસે સતર્ક સૈનિકોએ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓના જૂથને ટ્રેક કરી નાખ્યું હતું.
આતંકવાદીઓને પડકારવામાં આવતા જ તેમણે સૈનિકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી એન્કાઉન્ટર થયું. સૈનિકોના પ્રારંભિક ગોળીબારમાં, બે ઘૂસણખોરો માર્યા ગયા હતા જ્યારે અન્ય લોકોએ મુશ્કેલ પ્રદેશનો લાભ લીધો હતો. આખરે 6 કલાકના લાંબા ઓપરેશન બાદ વધુ 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ અગાઉ જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપીએ કુપવાડાના કેરન સેક્ટરની તેમની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે પાકિસ્તાની સેનાની મદદથી LOC પર આતંકવાદી જૂથો ફરીથી સક્રિય થઇ ગયા છે. ડીજીપીએ કહ્યું હતું કે, “LOCના આ ભાગની સામેના વિસ્તારમાં POKમાં પણ આતંકી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, અને તેઓ સક્રિયપણે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ બહાદુર સુરક્ષા દળો આવા કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે, તેમ ડીજીપીએ જણાવ્યું હતું.