IPL 2025

હેડ-ક્લાસેને કાળો કેર વર્તાવ્યા પછી કોલકાતાએ ઘૂંટણિયા ટેકવ્યાં…

હૈદરાબાદના થર્ડ-હાઇએસ્ટ 278/3 પછી કોલકાતા 168/10: હેડની છ, ક્લાસેનની નવ સિક્સર

નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ આઇપીએલની બહાર થઈ ગયેલી બીજી ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે અંતિમ મૅચમાં દમદાર બૅટિંગ કર્યા બાદ બોલિંગમાં પણ અસરદાર રમીને 110 રનથી વિજય મેળવ્યો હતો. કોલકાતાની ટીમ 279 રનના લક્ષ્યાંક સામે 168 રન પર ઓલ આઉટ થઈ હતી. હૈદરાબાદના સ્પિનર હર્ષ દુબે, એશાન મલિંગા, ઉનડકટે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. કોલકાતાની ટીમમાં મનીષ પાંડેના 37 રન હાઈએસ્ટ હતા.

આ વખતની ટૂર્નામેન્ટમાં પૅટ કમિન્સની આ ટીમે આરંભ પછી હવે સમાપન પણ ધમાકેદાર કર્યું. ત્રીજા નંબરનો સૌથી ઊંચો ટીમ-સ્કોર (278/3) કમિન્સની ટીમે રવિવારે નોંધાવ્યો હતો. હૈદરાબાદે 23મી માર્ચે પોતાની પ્રથમ મૅચમાં રાજસ્થાન સામે 20 ઓવરમાં છ વિકેટે 286 રન કર્યા હતા અને રવિવારે અહીં દિલ્હીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) સામે એવા જ ધમાકાભર્યા પર્ફોર્મન્સમાં 20 ઓવરમાં ત્રણ વિકેટે 278 રન કર્યા હતા. ઓપનર ટ્રેવિસ હેડ (76 રન, 40 બૉલ, છ સિક્સર, છ ફોર)ની ફટકાબાજી પછી હિન્રિક ક્લાસેન (105 અણનમ, 39 બૉલ, નવ સિક્સર, સાત ફોર)ને આતશબાજીથી દિલ્હીનું સ્ટેડિયમ ગજવી નાખ્યું હતું. હૈદરાબાદના બન્ને બૅટરે કોલકાતાની બોલિંગને ચીંથરેહાલ કરી નાખી હતી.

એ પહેલાં, ઓપનર અભિષેક શર્માએ 32 રન, ઇશાન કિશને 29 રન અને અનિકેત વર્માએ અણનમ 12 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમને 24 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. હૈદરાબાદની આખી ઇનિંગ્સમાં કુલ 19 સિક્સર અને બાવીસ ફોર ફટકારવામાં આવી હતી. ટ્રેવિસ હેડે 26 બૉલમાં 50 રન પૂરા કર્યા હતા તો બૅટિંગ ઓર્ડરમાં ઓપનર અભિષેકની વિકેટ પછી પ્રમોટ કરવામાં આવેલા ક્લાસેને માત્ર 17 રનમાં હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ 37મા બૉલ પર 100 રન પૂરા કર્યા હતા.

કોલકાતાના છ બોલરમાં ઍન્રિક નોર્કિયા (4-0-60-0) સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. વરુણ ચક્રવર્તી (3-0-54-0) પણ ખૂબ ખર્ચાળ બન્યો હતો. બીજા ચાર બોલરની ઍનેલિસિસ આ મુજબ હતીઃ સુનીલ નારાયણ (4-0-42-2), હર્ષિત રાણા (4-0-40-0) વૈભવ અરોરા (4-0-39-1) અને આન્દ્રે રસેલ (2-0-34-0).


આઇપીએલના હાઇએસ્ટ ટીમ-સ્કોર્સ

(1) હૈદરાબાદ, 287/3, 2024માં બેંગલૂરુ સામે
(2) હૈદરાબાદ, 286/6, 2025માં રાજસ્થાન સામે
(3) હૈદરાબાદ, 278/3, 2025માં કોલકાતા સામે
(4) હૈદરાબાદ, 277/3, 2024માં મુંબઈ સામે
(5) કોલકાતા, 272/7, 2024માં દિલ્હી સામે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button