IPL 2025

ધોનીએ અમદાવાદમાં જીત્યા પછી કહ્યું, `હું રાંચી જઈશ અને પછી…’

અમદાવાદઃ ભારતના સર્વશ્રેષ્ઠ સુકાની, વિશ્વના શ્રેષ્ઠ વિકેટકીપર-બૅટ્સમેનોમાં ગણાતા અને યુવા વર્ગના કરોડો લોકોના હીરો મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામેના ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના શાનદાર અને યાદગાર વિજય બાદ (હવે આઇપીએલમાંથી પણ) નિવૃત્તિ લેવાની સંભાવનાને ફગાવી દેતાં તેના અસંખ્ય ચાહકોને હાશકારો થયો હશે.

ધોનીની કૅપ્ટન્સીમાં ચેન્નઈ પાંચ ટાઇટલ જીત્યું છે. ચેન્નઈની વર્તમાન આઇપીએલ (IPL-2025)માં આ છેલ્લી મૅચ હતી અને એમાં સીઝનના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી 10મા નંબરની ટીમ ચેન્નઈ (230/5)એ મોખરાની ટીમ ગુજરાત (18.3 ઓવરમાં 147/10)ને 83 રનથી હરાવ્યું હતું. ધોનીએ વિજય વિશે ખુશી વ્યક્ત કરી હતી અને પોતાની ટીમના પર્ફોર્મન્સને પરફેક્ટ ગણાવ્યો હતો અને ખેલાડીઓએ સારા કૅચ પકડ્યા એ બદલ પણ તેમને બિરદાવ્યા હતા.

આ પણ વાંચો: તળિયાની ચેન્નઈની ટીમે નંબર-વન ગુજરાતને પછાડ્યું

ધોનીએ નિવૃત્તિ વિશેના ઍન્કરના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે હવે વધુ રમવું કે નહીં એ વિશે નિર્ણય લેવા માટે મારી પાસે હજી ચાર-પાંચ મહિના છે. આ પ્રોફેશનલ ક્રિકેટ છે એટલે એમાં શ્રેષ્ઠ ક્ષમતા જરૂરી હોય છે.' ધોનીએ એવું પણ કહ્યું હતું કેપર્ફોર્મન્સ કરતાં ખેલાડીમાં રમવાની હજી કેટલી ભૂખ છે એ મારી દૃષ્ટિએ વધુ અગત્યનું છે. નિર્ણય પર આવવા મારી પાસે હજી પુષ્કળ સમય છે. હું રાંચી જઈશ અને લાંબો વિચાર કરીશ. હું એમ નથી કહેતો કે બસ, હવે નથી રમવું. હું ફરી રમીશ એવું પણ નથી કહેતો. ડિસિઝન પર આવવા હજી મને લાંબા સમયનો સાથ છે.’

ગાયકવાડની ચિંતા ઓછી કરી નાખી

ધોનીએ ચેન્નઈની ટીમની બૅટિંગથી પોતે હવે સંતુષ્ટ છે એવું કહ્યું હતું અને ટીમના મુખ્ય કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડનો (રિતુ કહીને) પણ ઉલ્લેખ કર્યો હતો. ધોનીએ કહ્યું, `મને ટીમની બૅટિંગ વિશે થોડી ચિંતા હતી. હવે હું કહી શકું છું કે દરેકે યોગદાન આપ્યું છે. આવતા વર્ષે રિતુ આવશે ત્યારે તેણે ઘણી બાબતોમાં કોઈ ચિંતા નહીં કરવી પડે.’

કોઈ પગે લાગે ત્યારે પોતે ઘરડા થઈ ગયા હોવાનો અહેસાસ થાય

થોડા દિવસ પહેલાં રાજસ્થાન સામેની મૅચ બાદ 14 વર્ષનો ટીનેજર વૈભવ સૂર્યવંશી જ્યારે ધોનીને મળતી વખતે તેને પગે લાગ્યો ત્યારે ધોનીએ તેને થોડી સલાહ આપીને તેનો ઉત્સાહ વધાર્યો હતો. રવિવારની મૅચ બાદ ધોનીને એ કિસ્સા વિશે પૂછાતાં તેણે ઍન્કરને રમૂજી ટિપ્પણી કરતા કહ્યું, `જ્યારે કોઈ આપણને પગે લાગે ત્યારે પોતાને એવો અહેસાસ થાય છે કે પોતાનામાં હવે ઘડપણ આવી ગયું છે. મેં આન્દ્રે (સીએસકેના 18 વર્ષના સી. આન્દ્રે સિદ્ધાર્થ)ને પૂછ્યું તું કેટલા વર્ષનો છે? તેણે કહ્યું 18 વર્ષનો. આન્દ્રે મારાથી બરાબર પચીસ વર્ષ નાનો છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button