મહારાષ્ટ્રની શાળાઓમાં ત્રીજી ભાષા નહીં! શિક્ષણ વિભાગનો યુ-ટર્ન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં જૂનમાં શાળાઓ શરૂ થવા જઈ રહી છે. શાળા શરૂ થાય તે પહેલાં જ શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ 1 થી ત્રીજી ભાષા શીખવવામાં આવશે નહીં. શિક્ષણ વિભાગે આ સંદર્ભમાં પોતાના અગાઉના નિર્ણયને સ્થગિત કરી દીધો છે.
રાજ્ય શાળા અભ્યાસક્રમ યોજના 2024 મુજબ, મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ પહેલા થી પાંચમાના વિદ્યાર્થીઓને મરાઠી અને અંગ્રેજીની સાથે હિન્દીને ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવવાની હતી.
આપણ વાંચો: સરકારી શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી ભારે પડી! શિક્ષણ વિભાગે કર્યા સસ્પેન્ડ
આ નીતિનો અમલ જૂન 2025માં શરૂ થતા નવા શૈક્ષણિક સત્રથી શરૂ થવાનો હતો. જોકે, આ નિર્ણયનો રાજ્યમાં ભારે વિરોધ થયો હતો. તેથી, રાજ્ય સરકારે આ સમગ્ર યોજના રદ કરી છે.
જ્યારે સીબીએસઈની સ્કૂલોએ રાષ્ટ્રીય અભ્યાસક્રમ મુજબ ફક્ત બે ભાષાની નીતિ અપનાવી હતી ત્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ ત્રણ ભાષાઓનો આગ્રહ કેમ રાખી રહ્યું હતું તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: આ તારીખથી ગુજરાતની શાળાઓમાં Diwali વેકેશન, શિક્ષણ વિભાગે જાહેરાત
આ પછી, શાળા શિક્ષણ ખાતાના પ્રધાન દાદા ભૂસેએ સ્પષ્ટતા કરી છે. ભૂસેએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક વર્ષ 2025-26માં શાળાઓમાં પહેલા ધોરણથી ત્રીજી ભાષા શીખવવાનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. માત્ર હિન્દી જ નહીં પરંતુ કોઈપણ ભાષાને ત્રીજી ભાષા તરીકે શીખવવાનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે.
સીબીએસઈએ ધોરણ કેજીથી લઈને બીજા ધોરણ સુધીનું શિક્ષણ માતૃભાષા અથવા રાજ્યભાષામાં હોવું જોઈએ એવો પરિપત્રક બહાર પાડ્યો હતો. આ મુદ્દા પર બોલતા, ભૂસેએ કહ્યું હતું કે તે શાળાઓમાં સ્થાનિક ભાષા બોલતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
આપણે સીબીએસઈની સારી બાબતોનો અભ્યાસ કરીશું અને તેને અપનાવીશું. શિક્ષણ પ્રધાન દાદા ભૂસેએ સ્પષ્ટતા કરી હતી કે બીજા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણની નીતિ અંગેનો નિર્ણય નિષ્ણાત વિદ્વાનો અને સ્ટીયરિંગ કમિટી સાથે ચર્ચા કર્યા પછી જ લેવામાં આવશે.