અકસ્માતે કૅપ્ટન બની જતા હોય છે, શુભમન ગિલનું ઉદાહરણ સર્વશ્રેષ્ઠ…

મુંબઈઃ મોટા ભાગે ખેલાડીઓ પોતાના પર્ફોર્મન્સને આધારે કે નિર્ણય શક્તિના જોર પર કે અસાધારણ પ્રભાવને લીધે ટીમના કૅપ્ટન બનતા હોય છે, પણ શુભમન ગિલ (Shubhman Gill) માટે એવું કહેવાય છે કે તે અકસ્માતે કૅપ્ટન બની ગયો છે અને 21મી સદીમાં આવો અવસર મેળવનાર તે ભારતનો પ્રથમ સુકાની (test captain) છે. ગિલ ટીમનું નેતૃત્વ સંભાળવા માટે જન્મ્યો જ નથી એવું કહી શકાય, કારણકે લાંબા સમય સુધી સફળ કૅપ્ટન્સીનો પુરાવો પણ તે નથી આપી શક્યો. જેમ કેટલાક નેતાઓએ પરિસ્થિતિ મુજબ નેતૃત્વ કરવું પડતું હોય છે એમ ગિલને પણ એક મોટો મોકો મળ્યો છે.
કોઈ ખોટી વ્યક્તિ ખરા સમયે ખરા સ્થાને પહોંચી જાય એવું આ કિસ્સામાં બની ગયું એમ કહી શકાય. કૅનેડાના મૅનેજમેન્ટ તેમ જ શિક્ષણ ક્ષેત્રના વિદ્વાન લૉરેન્જ જે. પીટરે એક વખત કહ્યું હતું કે દરેક વ્યકિત ક્યારેકને ક્યારેક પોતાની અયોગ્યતાના સ્તરે પહોંચતી હોય છે. જોકે ગિલના કિસ્સામાં એવું છે કે ખુદ અયોગ્યતા તેને શોધતી તેની પાસે આવી ગઈ. ઘણાને લાગી રહ્યું છે કે ટેસ્ટમાં ચોથી રૅન્ક ધરાવતા ભારતની ટીમનો કૅપ્ટન બનવા માટેની પૂરતી લાયકાત ગિલમાં નથી. કારણ એ છે કે હજી સુધી તેણે બૅટ્સમૅન તરીકેની લાયકાત સાબિત કરી છે, પરંતુ સુકાની તરીકે નક્કર પુરાવો નથી આપ્યો. ગિલની કાબેલિયત (ability)નું પૂરતું વિશ્લેષણ થયું છે જે મુજબ આંતરરાષ્ટ્રીય ફલક પર ભારતીય ટીમનો કૅપ્ટન બનવા માટે તેની પ્રતિભા હજી અધૂરી કહેવાય.

ગિલમાં કેટલીક નબળાઈઓ પણ જોવા મળી છે. 32 ટેસ્ટમાં તેની 35.05ની સરેરાશ ભારતના ટૉપ-ઑર્ડરના બૅટ્સમેનોમાં સૌથી ઓછી છે. વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા કે રિષભ પંતને છોડી દો, અજિંક્ય રહાણેની બૅટિંગ-ઍવરેજ પણ તેનાથી ચડિયાતી છે. એટલું જ નહીં, હનુમા વિહારી જેણે મોટા ભાગે પાંચમા-છઠ્ઠા નંબર પર બૅટિંગ કરી છે તેની ઍવરેજ (33.5) પણ ગિલથી સારી છે.
વિદેશી ધરતી પરની ગિલની નબળાઈઓ તરત નજરમાં આવી જાય એવી છે. સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા આ ચાર દેશના અંગ્રેજી નામના પ્રથમ અક્ષરને ગણતરીમાં લઈએ તો અંગ્રેજીમાં SENA’ એવું નામ બને છે અને આ ચાર દેશમાં ગિલનો પર્ફોર્મન્સ સાધારણ છે. આ ચાર દેશમાં તેની બૅટિંગ સરેરાશ 25.70 છે અને આ દેશોમાં તેણે સદી પણ નથી ફટકારી. તેની 25.70ની સરેરાશ ભૂતપૂર્વ પેસ બોલર મનોજ પ્રભાકરની સરેરાશ (24.2)થી થોડી જ સારી છે. ઇંગ્લૅન્ડમાં રમેલી ત્રણ ટેસ્ટમાં ગિલના સ્કોર આ મુજબ હતાઃ 28, 15, 1, 0, 17 અને 4 રન. આ રનના આંકડા ધ્યાનમાં આવે તો જ્યૉફ બૉયકૉટ કદાચ કહેશે,આનાથી સારી બૅટિંગ મારી મમ્મીએ ટૂથપિકથી કરી હોત.
ગિલ મૂવિંગ બૉલ સામે રમવામાં નબળો છે. સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં તે કુલ 18માંથી આઠ ઇનિંગ્સમાં વિકેટકીપરને તથા પાંચ વખત સ્લિપ/ગલીના ફીલ્ડરને કૅચ આપી બેઠો છે. ઇનિંગ્સની શરૂઆતમાં પાવરફુલ શૉટ ફટકારવાની બાબતમાં તેમ જ આઉટસ્વિંગરમાં શૉટ મારવામાં તેની જે નબળાઈ છે એ છતી થઈ ગઈ છે અને એટલે જ તે બૅટિંગમાં ઓપનિંગનું સ્થાન છોડી ચૂક્યો છે. લૉરેન્સ પીટરના `પીટર સિદ્ધાંત’માં કહેવાયું છેને કે ક્યારેક તમારું નામ તમારી કિસ્મત બનાવી દેતું હોય છે.

એવું લાગે છે કે બીસીસીઆઇએ આઇપીએલમાંના પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈને ગિલ પર કૅપ્ટન્સીનો કળશ ઢોળ્યો છે. એક રીતે ગિલને પ્રમોશન આપવાનો નિર્ણય હેડ-કોચ ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારતીય ટીમમાં વ્યાપક સ્તરે ફેરફાર લાવવાની યોજનાનો જ એક ભાગ કહી શકાય. રવિચન્દ્રન અશ્વિને ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં અધવચ્ચે જ રિટાયરમેન્ટ લઈ લીધું હતું, રોહિત-વિરાટે પણ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી, કોચિંગ સ્ટાફના વરિષ્ઠ સભ્યોને પણ અચાનક તેમના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા અને હાર્દિક પંડ્યા જે એક સમયે ભારતનો ભાવિ ટી-20 કૅપ્ટન મનાતો હતો તેને ટી-20માં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો છે.
ગિલની નિયુક્તિ પરથી વીતેલા વર્ષો યાદ આવી ગયા. 1980ના દાયકાના છેવટના ભાગમાં સુનીલ ગાવસકરે નિવૃત્તિ લઈ લીધી એ અરસામાં ક્રિષ્ણમાચારી શ્રીકાંતને સુકાન સોંપાયું હતું. 20મી સદીના તેઓ ભારતના કદાચ છેલ્લા આકસ્મિક કૅપ્ટન હતા. ત્યાર બાદ 10 વર્ષ ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ બની રહ્યા. મોટા ભાગના ખેલાડીઓના સરેરાશ પર્ફોર્મન્સ, ટીમમાં મતભેદો અને મૅચ-ફિક્સિંગ જેવા વિવાદ એ બધુ કૅપ્ટનપદે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી આવ્યા પછી અદૃશ્ય થઈ ગયું હતું. જેમ એ અરસામાં એચ. ડી. દેવગોવડા અકસ્માતે ભારતના વડા પ્રધાન બન્યા હતા એમ ગિલને ભારતીય ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવાની જવાબદારી મળી છે.

આપણ વાંચો : ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ગિલ કેપ્ટન; ત્રેવડી સદી ફટકારનારા ખેલાડીની વાપસી…