ડ્રગ્સના દૂષણને નાથવા મહારાષ્ટ્ર પોલીસ સજ્જ: એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ…

મુંબઈઃ સમગ્ર દેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં કેફી દ્રવ્યોની દાણચોરીના વધી રહેલા દૂષણને નાથવા એન્ટી-નાર્કોટિક્સ સેલ અને કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, કસ્ટમ્સ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ જેવી ડ્રગ વિરોધી એજન્સીઓ છે. પરંતુ હવે આંતરરાજ્ય ડ્રગ્સના વેપાર પર કાર્યવાહી કરવા માટે મહારાષ્ટ્ર પોલીસે એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ની રચના કરી છે, જે કાર્યવાહીથી લઈને કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન સુધીના વિવિધ કાર્યો કરશે. ઉપરાંત ડ્રગ્સ સામે જાગૃતિ ફેલાવશે.
આ ટાસ્ક ફોર્સ ટૂંકમાં એએનટીએફ તરીકે ઓળખાશે. તે ખાસ કરીને સમગ્ર મહારાષ્ટ્ર અથવા આંતર-રાજ્ય ડ્રગ દાણચોરી નેટવર્કને લગતા કેસો જોશે. વરિષ્ઠ આઇપીએસ અધિકારી શારદા રાઉતને તાજેતરમાં ટાસ્ક ફોર્સના પ્રથમ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પ્રવીણ પાટિલને તેમના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ફેબ્રુઆરીમાં સરકારે એએનટીએફ માટે ૩૪૬ જગ્યાને મંજૂરી આપી હતી અને એકવાર રાજ્ય પોલીસમાંથી અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની નિમણૂક થઈ જાય ત્યાર બાદ આગામી દિવસોમાં કાર્યરત થશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
એએનટીએફનું મુખ્ય મથક પુણે અને બીજું નાગપુરમાં હશે, જેનું નેતૃત્વ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીઓ કરશે. મુંબઈને એએનટીએફના અધિકારક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, કારણ કે રાજ્યની રાજધાનીમાં પહેલાથી જ અન્ય એજન્સી કાર્યરત છે. એએનટીએફ ડ્રગના દાણચોરો અને સ્થાનિક પેડલરોની જિલ્લાવાર યાદી પણ બનાવશે. રાજ્યવ્યાપી અથવા આંતરરાજ્ય કેસોને પોલીસ મહાનિર્દેશકના નિર્દેશ પર એએનટીએફને સોંપવામાં આવશે. તે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ નોંધાયેલા કેસોમાં સજાનો દર સુધારવા માટે પણ કામ કરશે.
તાજેતરમાં મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં નાશિક, લાતુર, સાંગલી અને કોલ્હાપુર સહિત અનેક મેફેડ્રોન ઉત્પાદન એકમોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાજસ્થાન, ગુજરાત અને તેલંગાણા સહિત અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સનો સ્ત્રોત મેળવવામાં આવી રહ્યો હતો અને એએનટીએફ આ વિતરણ શૃંખલાઓનો નાશ કરવામાં મદદ કરશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં તેલંગણા એએનટીએફ તરફથી મળેલી માહિતીના આધારે અહિલ્યાનગર જિલ્લા પોલીસે 13.75 કરોડ રૂપિયાની કિંમતની અલ્પ્રાઝોલમ જપ્ત કરી હતી.
(પીટીઆઈ)
આપણ વાંચો : 13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: પાંચની ધરપકડ…