IPL 2025

સીઝનના બેસ્ટ પર્ફોર્મન્સમાં ચેન્નઈએ પાંચ વિકેટે બનાવ્યા 230 રન…

મ્હાત્રેની આરંભિક આતશબાજી પછી કૉન્વે અને બ્રેવિસની આક્રમક હાફ સેન્ચુરી

અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા બાદ સારી શરૂઆત કરી હતી અને છેલ્લે બે હાફ સેન્ચુરી તથા બીજી ચાર સાધારણ ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 230 રન કર્યા હતા અને પ્લે-ઑફમાં પહોંચી ગયેલી ગુજરાતની ટીમને 231 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. વર્તમાન સીઝનમાં સીએસકેનો આ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. બૅટિંગમાં તેમને આવા નીડર પર્ફોર્મન્સની જ જરૂર હતી જે એના બૅટસમેનો આ મૅચ પહેલાં નહોતા બતાવી શક્યા. ગુજરાતના 18 પૉઇન્ટ છે અને આ મૅચ જીતીને એ પ્લે-ઑફના ટૉપ-ટૂમાં આવી શકે. જોકે એના માટે જીતવું થોડું મુશ્કેલ છે.

ગુજરાતને 230 રન સુધી પહોંચાડવામાં ડેવાલ્ડ બ્રેવિસ (57 રન, 23 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તે ઇનિંગ્સના અંતિમ બૉલ પર આઉટ થયો હતો. તેના ઉપરાંત ઓપનર ડેવૉન કૉન્વે (બાવન રન, 35 બૉલ, બે સિક્સર, છ ફોર)નું પણ મોટું યોગદાન હતું.

કૉન્વે (Devon Conway)એ સાથી ઓપનર આયુષ મ્હાત્રે (34 રન, 17 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) સાથે 44 રનની ઓપનિંગ પાર્ટનરશિપ અને પછી ઉર્વિલ પટેલ (37 રન, 19 બૉલ, બે સિક્સર, ચાર ફોર) સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી.

શિવમ દુબે (17 રન, આઠ બૉલ, બે સિક્સર) સાથે પણ કૉન્વેની 37 રનની પાર્ટનરશિપ થતાં ચેન્નઈનો સ્કોર 13મી ઓવરમાં 150 રનની નજીક પહોંચી શક્યો હતો. જોકે દુબે અને કૉન્વેએ ટીમ સ્કોરના ટૂંકા તફાવતમાં વિકેટ ગુમાવી ત્યાર બાદ બ્રેવિસે (DEWALD BREVIS) બાજી સંભાળી હતી અને તેણે રવીન્દ્ર જાડેજા (21 અણનમ, 18 બૉલ, એક સિક્સર, એક ફોર) સાથે 74 રનની ભાગીદારીથી ટીમના સ્કોરને 200 પાર કરાવવામાં સફળતા મેળવી હતી.

એ પહેલાં, સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી ત્યાર બાદ મૅચ શરૂ થતાં જ સીએસકેના નવયુવાન ઓપનર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા આયુષ મ્હાત્રેએ ફટકાબાજી શરૂ કરી દીધી હતી. 17 વર્ષના મ્હાત્રેએ લેફ્ટ-આર્મ મિડિયમ પેસ બોલર અર્શદ ખાનની એક ઓવરમાં ત્રણ સિક્સર અને બે ફોરની મદદથી કુલ 28 રન ખડકી દીધા હતા. જોકે ચોથી ઓવર ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની હતી જેના ચોથા બૉલમાં ચેન્નઈનો સ્કોર 44 રન હતો ત્યારે મોહમ્મદ સિરાજના હાથમાં મ્હાત્રે કૅચઆઉટ થયો હતો. મ્હાત્રેએ 17 બૉલમાં 34 રન કર્યા હતા.

ગુજરાતના સાત બોલરમાંથી પ્રસિદ્ધ ક્રિષ્નાએ સૌથી વધુ બે વિકેટ તથા સાઇ કિશોર, રાશીદ ખાન અને એમ. શાહરુખ ખાને એક-એક વિકેટ મેળવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી ચૂકેલો એમએસ ધોની આઇપીએલમાંથી પણ ગમે ત્યારે નિવૃત્ત થઈ શકે. એ જોતાં, આ તેની છેલ્લી મૅચ હોઈ શકે એવી ઘણાની ધારણા હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button