તેજ પ્રતાપની હકાલપટ્ટી પછી તેજસ્વી યાદવે આપ્યું મોટું નિવેદન, પરિવાર સામે કરશે બળવો?

પટના: બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળ(RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ એક યુવતી સાથે છેલ્લા 12 વર્ષથી રિલેશનશિપમાં હોવાની વાત જાહેર થતા મુશ્કેલીમાં (Tej Pratap Yadav relationship) ફસાયા છે. લાલુ યાદવે 37 વર્ષીય તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે, આ ઉપરાંત પરિવારમાંથી પણ તેમને હાંકી કાઢવામાં આવ્યા છે. એવામાં તેજ પ્રતાપના નાના ભાઈ અને બિહારના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે (Tejashwi Yadav) તેમને સમર્થન જાહેર કર્યું છે, તેમણે કહ્યું કે તેઓ એક પુખ્ત વયના વ્યક્તિ છે, તેમણે પોતે નિર્ણય લેવાનો અધિકાર છે.
તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘હું બિહારના લોકો માટે કામ કરી રહ્યો છું અને એ માટે પાર્ટીને સમર્પિત છું. જો મારા મોટા ભાઈની વાત કરીએ તો, તેમનું રાજકીય જીવન અને અંગત જીવન બંને અલગ છે. તેમને પોતાના અંગત નિર્ણયો લેવાનો અધિકાર છે.’
તેજસ્વી યાદવે કહ્યું, ‘તેઓ (તેજ પ્રતાપ) પુખ્ત વયના છે અને નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. અમારા પક્ષના વડા લાલુ યાદવજીએ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે જે કર્યું છે, તે તેમની ભાવના છે. મેં આવી બાબતો પર સવાલ ઉઠાવ્યા નથી. તે (તેજ પ્રતાપ) પોતાના અંગત જીવનમાં શું કરી રહ્યા છે, કોઈ પણ કંઈ કરતા પહેલા પૂછતું નથી. તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાની ખબર પણ મને મીડિયા દ્વારા પડી.’

શું છે મામલો:
આ સમગ્ર વિવાદનું શરૂઆત તેજ પ્રતાપ યાદવે શનિવારે કરેલી એક સોશિયલ મીડિયા પોસ્ટથી થઇ. તેજ પ્રતાપે એક યુવતી સાથે પોતાનો ફોટો શેર કરીને લખ્યું કે હું તેજ પ્રતાપ યાદવ છું અને મારી સાથે આ ફોટામાં દેખાતી છોકરી અનુષ્કા યાદવ છે. અમે બંને છેલ્લા 12 વર્ષથી એકબીજાને જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. અમે છેલ્લા 12 વર્ષથી રિલેશનશિપમાં છીએ. હું ઘણા સમયથી તમને બધાને આ કહેવા માંગતો હતો, પણ મને સમજાતું નહોતું કે કેવી રીતે કહેવું. એટલા માટે આજે આ પોસ્ટ દ્વારા હું મારા હૃદયની લાગણીઓ તમારા બધા સાથે શેર કરી રહ્યો છું. મને આશા છે કે હું શું કહી રહ્યો છું તે તમે લોકો સમજી શકશો.’
તેજ પ્રતાપે પોસ્ટ ડીલીટ કરી દીધી:
આ પોસ્ટ બાદ લાલુ પ્રસાદ નારાજ થતા તેજ પ્રતાપે આ પોસ્ટ ડીલીટ કરી દીધી હતી. તેજ પ્રતાપે દાવો કર્યો હતો કે તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે અને કોઈએ અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં. ત્યાર બાદ હવે લાલુ યાદવે તેજ પ્રતાપ સામે સામે કાર્યવાહીથી એવું લાગી રહ્યું છે કે તેજ પ્રતાપની પોસ્ટ લખેલી વાત સુપૂર્ણ નહીં તો અમુક અંશે તો સાચી જ છે.