મુંબઈગરાને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ: કર્નાક અને વિક્રોલી બ્રિજને ખુલ્લો મૂકાશે?

મુંબઈઃ શહેરમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે બે મુખ્ય રેલ ઓવરબ્રિજ– કર્નાક અને વિક્રોલી બ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે, જે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતા માટે જૂનમાં ખુલ્લા મુકાય તેવી અપેક્ષા છે. ઉદ્ઘાટનની ચોક્કસ તારીખ હજી નક્કી નથી, રોડ અને ટ્રાફિક ઓફિસ સાથે સંકલન કરીને ઉદ્ઘાટન તારીખ નક્કી કરવામાં આવશે.
મસ્જિદ બંદર રેલવે સ્ટેશનને જોડતો કર્નાક બ્રિજ ૧૦ જૂન સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. પાલિકાના વરિષ્ઠ અધિકારીએ અગાઉ ઘટનાસ્થળની મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી અને પુષ્ટિ કરી કે બંને એપ્રોચ રોડ, પૂર્વ બાજુ (પી ડી’મેલો રોડ) પર ૧૫૫ મીટર અને પશ્ચિમ બાજુ (મોહમ્મદ અલી રોડ) પર ૨૫૫ મીટરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
આપણ વાંચો: દાયકાઓની પ્રતિક્ષા બાદ હવે અલકાપુરી ગરનાળા પર બનશે રેલવે ઓવરબ્રિજ…
પશ્ચિમ બાજુનો ડેક સ્લેબ તૈયાર છે, જ્યારે પૂર્વ બાજુનો ૪૦-મીટરનો પટ હાલમાં ક્યોરિંગ હેઠળ છે. પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, બીએમસી એ “પ્રારંભિક સ્ટ્રેન્થ કોંક્રિટ” નો ઉપયોગ કર્યો છે, જે ૫ જૂન સુધીમાં રસ્તાની સપાટીને ટ્રાફિક માટે તૈયાર કરી શકશે.
રેલ્વે હદમાં ક્રેશ વિરોધી અવરોધો સ્થાપિત કરવા, પેઇન્ટિંગ, ઇલેક્ટ્રિક થાંભલાઓ બેસાડવા અને દિશા નિર્દેશક સંકેતો જેવા અન્ય અંતિમ કામો પુરા કરવામાં આવી રહ્યા છે જે ૧૦ જૂન સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
આપણ વાંચો: Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…
પુલની મજબૂતાઈ, સ્થિરતા અને સલામતીનું મૂલ્યાંકન કરવા માટે અંતિમ લોડ પરીક્ષણ કરવામાં આવશે. મૂળ બ્રિટિશ યુગના કર્નાક બ્રિજને ૨૦૧૪ માં અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ૨૦૨૨ માં તોડી પાડવામાં આવ્યો હતો.
તેવી જ રીતે વિક્રોલી આરઓબીનું કામ પણ પૂર્ણ થવાના આરે છે. શુક્રવારે, બાંગરે સ્થળનું નિરીક્ષણ કર્યું અને અહેવાલ આપ્યો કે પૂર્વીય ભાગ પરનું તમામ બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ બાજુએ મેસ્ટિક ડામર પાથરવાનું કામ ચાલી રહ્યું છે, સાથે જ ક્રેશ અને અવાજ અવરોધકો પણ લગાવવામાં આવી રહ્યા છે. પેઇન્ટિંગ અને ઇલેક્ટ્રિક પોલ ઇન્સ્ટોલેશન પણ શરૂ થઈ ગયા છે.
પશ્ચિમ દિશામાં કોંક્રિટનો બાકી રહેલો એક ભાગ હાલમાં ક્યોરિંગ હેઠળ છે અને ૩૦ મે સુધીમાં તૈયાર થવાની અપેક્ષા છે. બીએમસી એ એકંદર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ૩૧ મે સુધીનું લક્ષ્ય રાખ્યું છે. એકવાર કાર્યરત થયા પછી વિક્રોલી પુલ એલબીએસ માર્ગને પૂર્વીય એક્સપ્રેસ હાઇ-વે સાથે જોડશે અને સંભવિત રીતે મુસાફરીનો સમય ૩૦ મિનિટ સુધી ઘટાડશે.