RJDમાં ઉથલપાથલ: લાલુ પ્રસાદ યાદવે મોટા દીકરાને પક્ષ-પરિવારમાંથી કરી હકાલપટ્ટી

નવી દિલ્હી/પટણાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે, જ્યારે સત્તાધારી પાર્ટી સહિત વિપક્ષ પાર્ટીઓ તૈયારીઓ કરી રહી છે, ત્યારે રાજ્યની સૌથી મોટી પાર્ટી પૈકીની આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)એ સૌથી મોટો નિર્ણય લીધો છે, જે પૈકી પક્ષ પ્રમુખે પોતાના પરિવારમાંથી મોટા દીકરા તેજ પ્રતાપ યાદવની હકાલપટ્ટી કરી છે.
આરજેડીના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે પોતાની મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી 6 વર્ષ માટે બરતરફ કર્યો છે, જ્યારે પરિવારમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે. આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે એક્સ પર પોસ્ટ લખી છે કે વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના સામાજિક ન્યાય માટે અમારા સામૂહિક સંઘર્ષને નબળા બનાવે છે.
લાલુ પ્રસાદ યાદવે વધુમાં લખ્યું છે કે મોટા દીકરાની ગતિવિધિઓ, જાહેર અચરણ-વર્તણૂક અને બિનજવાબદાર વ્યવહાર અમારા પરિવારના મૂલ્યો અને પરંપરાને અનુરુપ નથી. આ કારણસર હું તેને પાર્ટીમાંથી બરતરફ કરું છું, જ્યારે પરિવારમાંથી પણ કાઢી મૂકું છું. હવેથી પાર્ટી અને પરિવારમાં તેની કોઈ પણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં.
હવેથી તેને છ વર્ષ માટે નિષ્કાષિત કરવામાં આવે છે. તે પોતાના વ્યક્તિગત જીવનમાં સારા-નરસાને જોવા માટે સક્ષમ છે, જે લોકો તેની સાથે સંબંધ રાખશે તેમને પોતાની મેળે નિર્ણય લેવાનો છે. હું હમેશા લોકોનો સમર્થક રહ્યો છું. પરિવારના આજ્ઞાંકિત સભ્યોએ જાહેર જીવનમાં આ વિચારોને અપનાવ્યા છે અને એનું પાલન કર્યું છે.
આ પણ વાંચો: લાલુ પ્રસાદે આગવી રીતે ઉજવ્યો પત્નીનો જન્મદિવસ, ભેટ શું આપી?
લાલુ પ્રસાદ યાદવના આ નિર્ણયનો લોકોએ સરાહના કરી છે. એક યૂઝરે લખ્યું છે કે એમ જ લોકો લાલુ પ્રસાદ યાદવને મસીહા કહેતા નથી, જ્યારે બીજાએ લખ્યું હતું કે તેજ પ્રતાપ યાદવ અને અનુષ્કા યાદવ પરના વિવાદ પરની આ પ્રતિક્રિયા છે, તેમાંય વળી લાલુ પ્રસાદ યાદવ પરિવારની જાહેર છબિ અને રાજકીય મર્યાદાઓને લઈ સખત વલણ અપનાવી રહ્યો છે, પરંતુ આટલું સખત વલણ શા માટે અપનાવ્યું છે. આમ છતાં તેજ પ્રતાપ જેવા જવાબદાર દીકરા પર આટલું આકરું પગલું ભરવાથી શું મૂળ સમસ્યાનો ઉકેલ આવશે. જનતા હવે નિવેદનો નહીં, પરંતુ ન્યાય અને પારદર્શકતાની અપેક્ષા રાખે છે.
તેજ પ્રતાપ યાદવ અને તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવ સંબંધને લઈને લાલુ પ્રસાદ યાદવે કાર્યવાહી કરી છે. ગયા શનિવારે તેજ પ્રતાપ યાદવે ફેસબુક એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તેની સાથે એક યુવતી હતી અને એનુ નામ અનુષ્કા યાદવ છે. પોસ્ટમાં લખ્યું હતું કે 12 વર્ષથી તેની સાથે રિલેશનશિપમાં છું. આ પોસ્ટ લખ્યા પછી થોડી વારમાં ડિલીટ કરી હતી. થોડા કલાક પછી તેજ પ્રતાપે ફરી ટવિટ કરીને લખ્યું હતું કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. એઆઈની મદદથી તસવીરો બનાવી છે.