સિંધુ જળ સમજૂતી મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનની આજીજી, અમારા 24 કરોડ લોકોની જિંદગી પર ખતરો…

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધૂ જળ સમજૂતી સ્થગિત કરી હતી. જે બાદ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર સતત આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે, ભારતનો આ નિર્ણય ખૂબ ખતરનાક છે, આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધ છે અને તેનાથી પાકિસ્તાનના 24 કરોડ લોકોની જિંદગી પર ખતરો બની શકે છે.
સંયુક્ત રાષ્ટ્રની આ બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિ ઉસ્માન જાદુને કહ્યું કે, ભારતનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય નિયમો અને માનવાધિકારોનું ઉલ્લંઘન છે. અમે તેની નિંદા કરીએ છીએ. પાકિસ્તાનના દૂતે ભારતને અપીલ કરતાં કહ્યું, નદીના પાણીને રોકવાનું કે વાળવાનું કામ ન કરો. આ નદી અસંખ્ય પાકિસ્તાની લોકો માટે જીવન રેખા છે. પાકિસ્તાને વિશ્વને કહ્યું કે, પાણીને હથિયારની જેમ ઉપયોગ કરવાની કોશિશ અટકાવવામાં આવે. પાકિસ્તાનના પ્રતિનિધિએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ મુદ્દા પર નજર રાખવા અને કોઈ મોટું સંકટ ન આવે તે માટે પગલાં ઉઠાવવા અપીલ કરી હતી.
પાકિસ્તાન સતત આપી રહ્યું છે ધમકી
સિંધુનું પાણી રોકવામાં આવ્યા બાદ પાકિસ્તાન સતત ધમકી આપી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ બિલાવલ ભુટ્ટોએ તેમના નિવેદનમાં કહ્યું હતું, સિંધુ અમારું હતું, સિંધુમાં અમારું પાણી વહેશે અથવા તેમનું લોહી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સમજૂતિ સ્થગિત કરી દીધી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું, ભારતનું પાણી ભારતના લોકો માટે અને ભારતમાં જ વહેશે.
સિંધુ જળ સમજૂતી એ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો એક ઐતિહાસિક જળ વહેંચણી કરાર છે. 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પછી સિંધુ નદીના પાણીના વિતરણને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ઊભો થયો હતો. આ વિવાદને ઉકેલવા માટે વર્લ્ડ બેંકની મધ્યસ્થી હેઠળ લાંબી વાટાઘાટો પછી 19 સપ્ટેમ્બર 1960 ના રોજ કરાચીમાં સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી પર ભારતના તત્કાલિન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ અયુબ ખાને હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચો…વિદેશ મંત્રાલયે સંસદીય સમિતિને જણાવ્યું પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવા માટેનું કારણ