ઝબાન સંભાલ કે: લાલચટક-પીળે પાને-સફેદ જૂઠ

-હેન્રી શાસ્ત્રી
તમારું શાળા શિક્ષણ જો ગુજરાતીમાં થયું હશે તો તમને મજેદાર બાળ કાવ્યોનો રસાસ્વાદ કરવાનો મોકો મળ્યો હશે. કવિ ‘સુંદરમ્’નું હાં રે અમે ગ્યાં’તાં. હો રંગના ઓવારે, કે તેજના ફૂવારે, અનંતના આરે, કે રંગ રંગ વાદળિયાં બાળકાવ્યનો આનંદ જરૂર માણ્યો હશે. એ સિવાય લાલ પીળો ને વાદળી એ મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય પંક્તિઓથી પણ પરિચિત થયા હશો. દરેક રંગની ખાસિયત છે, લાક્ષણિકતા છે. લાલ રંગને ગુસ્સો – રોષ સાથે સીધો સંબંધ છે. લાલ આંખ કાઢવી કે દેખાડવી એટલે ક્રોધિત નજરે જોવું, ગુસ્સે થઈને જોવું. રાતો રંગ ચળકતો હોય, ઝગારા મારતો હોય ત્યારે લાલચટક છે એમ કહેવાય છે. એવી જ રીતે લાલાશ તેજસ્વિતા સાથે સંબંધ ધરાવે છે. ખુશનુમા વાતાવરણમાં રહેવાને કારણે ચહેરા પર લાલાશ આવી ગઈ. લીલો રંગ તાજગી સાથે સંબંધ ધરાવે છે. લીલુંછમ મેદાન કે લીલુડી ધરતી પ્રયોગ જાણીતા છે. સફેદ – ધોળો રંગ સાદગીનું પ્રતીક છે. જોકે, ધોળી પૂણી જેવો એટલે નિસ્તેજ – ફિક્કો એવો અર્થ છે ઘરે અચાનક પોલીસ જોઈ એનો ચહેરો ધોળી પૂણી જેવો થઈ ગયો. જોકે, ધોળામાં ધૂળ પડવી એટલે ઘડપણમાં શરમજનક કૃત્ય કરવું, વૃદ્ધાવસ્થા વગોવવી. ચિત્રપટમાં અને ટીવીમાં રંગની હાજરી નહોતી ત્યારે એ બ્લેક એન્ડ વાઈટ – શ્વેત શ્યામનો યુગ હતો. જોકે, કાળા ધોળા કરવા એટલે ખરાબ – સારા કામ કરવા. કાળું એટલે હીન, ખરાબ, વિલન જ્યારે સફેદ એટલે ઊચ્ચ કોટિનું, સારું, હીરો જેવું. સફેદ જૂઠ એટલે સત્યના આભાસવાળું નફટાઈપૂર્વક રજૂ થતું જૂઠાણું. પીળો રંગ હળદરનો હોય અને સોનાનો પણ હોય. એક ગુણકારી પદાર્થ જ્યારે બીજી કિંમતી ધાતુ. જોકે, પીળે પાને એટલે માંડી વાળવું કે ન મળવાની ખાતરી હોય એને માટે કહેવાય છે. લખાણ કે દસ્તાવેજ વગર આપેલી રકમ પીળે પાને અપાઈ કહેવાય છે. હાથ પીળા કરવા એટલે પરણાવવું એવો અર્થ છે. પીળું પચ એટલે શરીરમાંથી લોહી ઊડી ગયું હોય એવું ફિક્કું, પીળું પત્રકારત્વ એટલે વાચકવર્ગને ખેંચવા સનસનાટીપૂર્ણ વચન સામગ્રી આપવી.
BLUE IDIOMS
દરેક રંગને પોતાનો મૂડ, પોતાની આગવી ભાષા હોય છે. Do you feel energized when you see red? Does the colour blue make you feel calm and relaxed? Colour can dramatically affect moods, feelings, and emotions. લાલ રંગ જોઈને શરીરમાં ઉર્જાનો અનુભવ થાય છે? બ્લુ રંગ જોઈ શાંતિ અને નિરાંત અનુભવાય છે? રંગ મનુષ્યના ચિત્ત પર અસર કરે છે એવું વિજ્ઞાન પણ કહે છે. આજે આપણે બ્લુ – વાદળી રંગ ભાષાને કેવા કેવા રંગ આપે છે એ જાણીએ. There are many idioms with reference to BLUE. Today we will see how BLUE is related to Rare – Unexpected events. વાદળી રંગના સંદર્ભમાં અંગ્રેજીમાં ઘણા રુઢિપ્રયોગો છે. અણધાર્યા કે ક્વચિત પ્રસંગોમાં વાદળી રંગ કેવો વણાઈ ગયો છે એ આપણે જાણીએ. Happen once in a blue moon એટલે ભાગ્યે જ બનતી ઘટના. I am very health conscious. So once in a blue moon I eat fast food. સ્વાસ્થ્ય પ્રત્યે હું એકદમ સભાન છું અને એટલે ક્યારેક જ ફાસ્ટ ફૂડ ખાઉં છું. Appear out of the blue એટલે અચાનક કે અણધાર્યા પ્રગટ થવું કે સામે થવું. One day, out of the blue, I got a call from my school teacher, 30 years after leaving the school. શાળા ભણતર પૂરું કર્યાના 30 વર્ષ પછી એક દિવસ અચાનક સ્કૂલ ટીચરનો ફોન આવ્યો.
A bolt from the blue એટલે ધાર્યું ન હોય કે અપેક્ષા ન રાખી હોય એવો આંચકો મળવો. The news of his retirement was bolt from the blue. એના નિવૃત્તિના સમાચાર એકદમ અણધાર્યા હતા. Blue twist એટલે અનપેક્ષિત વળાંક. It seemed that India will lose, but bowlers’ performance gave the Blue twist to the match and ultimately India won. ભારત મેચ હારી જશે એવું લાગતું હતું, પણ બોલરોએ મેચને અણધાર્યો વળાંક આપ્યો અને અંતે મેચમાં ભારતનો વિજય થયો.
આપણ વાંચો: કવર સ્ટોરી : પાકિસ્તાનની જાસૂસી જાળના ભેદ-ભરમ
गानों में लाल रंग
હિન્દી ચિત્રપટ રંગીન હોય છે અને એની વાર્તામા પણ વિવિધ રંગ પૂરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગીત – સંગીત પણ ફિલ્મ મેકીંગનો એક રંગ જ છે ને. મેઘધનુષના સાત રંગો પૈકી લાલ રંગ ઘણા ગીતોમાં ઘૂંટાયેલો નજરે પડે છે. જોકે, આ એક લાલ રંગ અનેક રંગ દેખાડે છે. રાજેશ ખન્ના પર પ્રમુખપણે ફિલ્માવાયેલા ये लाल रंग कब मुझे छोडेगा, मेरा ग़म कब तलक मेरा दिल तोड़ेगा ગીતમાં લાલ રંગ શરાબને સંબોધિત છે. શરાબના વ્યસનને કારણે નાયકનો પરિવાર છિન્નભિન્ન થાય છે અને એના પસ્તાવા રૂપે શરાબની લત છોડવાની તમન્ના આ ગીતમાં વ્યક્ત થઈ છે. लाल छड़ी मैदान खड़ी क्या खूब लड़ी क्या खूब लड़ी ગીત પ્રેમિકાને સંબોધિત છે. લાલ રંગના પહેરવેશમાં નાયિકા એટલી મોહક લાગે છે કે નાયકનું દિલ ડોલવા લાગે છે અને આ ગીત ગાય છે. लाल लाल होठों पे गोरी किसका नाम है ગીતમાં પ્રેમની ભાવના વ્યક્ત કરતી વખતે ટીખળ કરવામાં આવ્યું છે. પ્રેમિકાના મોઢે પોતાનું નામ સાંભળવા તલપાપડ નાયકનો તલસાટ સમજી શકાય છે. રાજ કપૂરના દોરના પ્રારંભનું પહેલું રેકોર્ડ થયેલું ગીત એટલે हवा में उड़ता जाए मेरा लाल दुपट्टा मलमल का. રમેશ શાસ્ત્રી નામના ગીતકારે પ્રેમિકાના હૃદયના ભાવ બહુ સુંદર રીતે ઉપસાવ્યા છે. રૂણા લૈલા નામની ગાયિકાએ સુપરહિટ બનાવેલા ओ लाल मेरी पत रखियो बला झूले लालण ભજનમાં ભક્તિ ભાવ કેન્દ્રમાં છે. ઓ લાલ સિંધ પ્રાંતના પ્રસિદ્ધ સૂફી સંત ઝૂલેલાલને સંબોધીને કરવામાં આવ્યું છે. ભક્ત પ્રાર્થના કરે છે કે સંત એની રક્ષા કરે અને એના દુઃખ દૂર કરે. લાલ રંગના કેટલા બધા રંગ જોવા મળે છે, હેં ને.
मराठी म्हणी मध्ये रंग
મરાઠી ભાષામાં પણ રંગનો વિસ્તાર જોવા મળે છે. કવિતા અને કહેવતમાં એનો પ્રભાવ ભાષાને સૌંદર્ય આપવાની સાથે અનોખો ભાવ સુધ્ધાં બક્ષે છે. મરાઠી ભાષાના પ્રતિષ્ઠિત કવિ સુરેશ ભટનું કાવ્ય रंगुनी रंगांत साऱ्या रंग माझा वेगळा! गुंतुनी गुंत्यात साऱ्या पाय माझा मोकळा! કેવળ રંગનો મહિમા નથી ગાતું, બલકે તત્વજ્ઞાન દર્શાવે છે. આધ્યાત્મના રંગ સુધી પહોંચી ગયેલા કવિ કહે છે કે ભલે હું બધા રંગે રંગાઈ ગયો હોઉં, મારો રંગ નિરાળો છે. લૌકિક ગતિવિધિઓમાં અટવાયો હોવા છતાં હું મુક્ત છું. ટૂંકમાં અકિંચન રહેવાની વાત છે. રંગની એક જાણીતી કહેવત છે तेरड्याचे रंग तीन दिवस – कोणत्याही गोष्टीचा ताजेपणा किंवा नवलाई अगदी कमी वेळासाठीच असते. તેરડા નામનું એક ફૂલ હોય છે જે વિવિધ મોહક રંગ ધરાવે છે. જોકે, આ ફૂલનું આયુષ્ય બહુ થોડા દિવસનું હોવાથી એના રંગનો મહિમા બહુ જલ્દી સમાપ્ત થઈ જાય છે. કોઈ બાબત શાશ્વત નથી હોતી. रंग जाणे रंगारी, धुनक जाणे पिंजारी! आपआपल्या विद्येंत जो तो प्रवीण असतो, इतरांस त्याचें ज्ञान नसतें. આ કહેવત જેનું કામ તેનું થાય બીજા કરે સો ગોથા ખાય જેવો ભાવાર્થ ધરાવે છે. એકંદરે દરેક વ્યક્તિ પોતપોતાની વિદ્યામાં પારંગત હોય છે. અન્ય લોકોને એનું જ્ઞાન નથી હોતું.