ઊડતી વાત: આજે હાસ્યનો તાકો નહીં …કટ પીસ વાંચો !

-ભરત વૈષ્ણવ
‘એંય ઉઠો.’ કોઇક આવો અવાજ કરતું હતું. એ પણ રાતના અઢી વાગ્યે. એ વખતે આપણે રશ્મિકા મંદાના કે તૃપ્તિ ડિમરી સાથે સુહાગરાતની સર્જિકલ સ્ટ્રાઇક કરતા હોય…. જેવા જેના નસીબ તેવા તેના ડ્રીમ.
‘એંય ઉઠોને..’ પાછું કોઇ મને હડબડાવતુ હતું. ઊંધ ઉડી. જાગીને જોવ તો રશ્મિકા મંદાના કે તૃપ્તિ ડિમરી જેવી ડ્રીમગર્લને બદલે કોઠીસુંદરી રાધારાણી મને હચમચાવી રહ્યાં હતાં .
‘શું થયું છે? અડધીરાતે ઊંધ કેમ બગાડે છે? ચોર ચોરી કરવા આવ્યા છે? ચોરેલી વસ્તુના લિસ્ટમાં ચોર મારી સહી માગે છે? મારી સહી ડાબા હાથે કરી દે. તારી તબિયત બગડી છે? ’ મેં ઊંઘરેટિયા અવાજે આંખો ખોલ્યા વિના સવાલોની ઝડી વરસાવી.
‘તમારા ઘરમાં તમારા લેખની પસ્તી અને ડબ્બા ડૂબલી છે. ચોરે ક્યારેય રદીવાળાના ઘરે ચોરી કરી હોય તેવું સાંભળું છે?’ રાધારાણી અડધીરાતે મારો ઉપહાસ કરવાની કદી તક છોડતા નથી.
‘તો પછી મારી ઊંધ કેમ બગાડી?’ મેં મારી નારાજગી જતાવી.
‘મારે ત્યાગ કરવો છે.’ રાધારાણીએ મક્કમ અને મૃદુ ઇરાદો વકત કર્યો.
‘શેનો ત્યાગ? એ પણ અડધી રાતે? સવાર સુધી રાહ ન જોઇ શકાય?’ .
‘આપણે ત્યાં બધુ અડધી રાતે થાય છે. ભગવાન કૃષ્ણ અડધી રાતે જન્મેલા. ગૌતમ બુધ્ધ અને મહાવીરે અડધી રાતે સંસારનો ત્યાગ કરેલો. આઝાદી અડધી રાતે મળેલી. લોકો સીજી રોડ પર અડધી રાતે જ નાતાલની ઉજવણીની ચિચિયારીઓ પાડે છે.
‘તારે ત્યાગ કરવો હોય તો મને જગાડવાની શી જરૂર છે?’ મે ગુસ્સો બુલંદ કર્યો.
આ પણ વાંચો…ઊડતી વાત : અસહ્ય ગરમીમાં અગાસીએ ઊંઘવાના ખતરા-અખતરા
‘મહીં ગરોળી છે કે નહીં તે તમારે જોવું પડે કે નહીં.’ દીનહીનભાવે રાધારાણી બોલી.
ધત્ તેરે કી. રાધારાણીને મળમૂત્રત્યાગ મંદિરમાં જવું હતું. એમાં અડધી રાતે મારી મેથી મારી. વાંચકોને એમ હશે કે જયાં હાસ્ય લેખકો હોય ત્યાં હસગુલ્લા જ હોય. હાસ્યની છોળો જ હોય. કરૂણતાને સ્થાન ન હોય. લો, અમારી જિંદગીના કિસ્સા પરથી અમારી સ્થિતિ જોઇ લો. હજુ વધુ બે ત્રણ કિસ્સા વાંચી લો એટલે તમારા દિલને ઠંડક થાય….
આ રહ્યો હાસ્યનો કટ પીસ….
*
‘ગિરધરલાલ ગિધુ.’ રાધારાણીની એમ્બ્યુલન્સની સાયરન જેવી ચીસથી ડ્રોઇંગરૂમની દીવાલો ધાંય ધાંય કરતી ધણધણી ઊઠી. મકાનનું બાંધકામ મજબૂત છે એટલે વાંધો આવતો નથી. બાકી હમણા પાલનપુરના એક ગામમાં તકલાદી ડીજેનો વર ગધેડો પસાર થયા પછી કંપન થવાની લીધે મકાનની જર્જરિત દીવાલ જમીનદોસ્ત થઇ ગયેલી.
‘કયારની બૂમ મારું છું …. તમે કયાં મરી ગયા છો? આહીં ફાટી પડો.’ રાધારાણીએ અમારા પર ગાઇડેડ મિસાઇલ છોડી.
‘સવાર સવારમાં શેની બૂમાબૂમ કરે છે? કયું રાજ રંડાઇ ગયું છે?’ અમે હૂંફાળા પાણી જેવા ગરમ થયા.
‘સાતે કામ પડતા મેલીને રસોડામાં મારતા ટાંટિયે મારી જાવ ભૈસાબ.’ અમારા નરમગરમ ગુસ્સાથી રાધારાણી ચોકલેટની જેમ પીગળ્યા. અમે છાપું ટિપોઇ પર મુકયું. અમે રસોડા તરફ અગ્રસર થયા.
‘આ માટલાના નળથી હું ત્રાસી ગઇ છું. માટલાના પ્લાસ્ટિકના નળનું હેન્ડલ વારંવાર હેઠું પડી જાય છે અને માટલું ખાલી થતું નથી. સવાર સવારમાં ગોળા ગળવા, વાસણો માંજવા, શાકભાજી ધોવા, કૂકર ચઢાવવું, તુવેરદાળ ધોવી કે ઠોયાની જેમ નળ ઝાલીને ઊભું રહેવું? માટલું ખાલી ન થાય ત્યાં સુધી નળને ઝાલીને નારદની જેમ ખોડાઈ રહું તો તો મારા બીજા કામ કયારે આટોપું?. હમણા નળ જતો રહેશે.’ રાધારાણીએ ધૂંધવાટ મારા પર ઠાલવ્યો.
આ પણ વાંચો…ઊડતી વાત : 10 લાખનો દંડ રાજુએ કરી રીતે ચૂકવ્યો?
‘ઓકે.’ અમને આટલું જ બોલવાનો પતિ અધિકાર છે. કેટલાક તો તુષાર કપૂરની જેમ ‘આ ,ઉં ,એયા, હા હૂં હીં હૈં’ જ કરી શકે છે. અમે માટલા અને નળ વચ્ચે સોનાનું દિવેલિયું ભરીવી દીધો. (પિતળ કે તાંબાનુ દિવેલિયુ લખીએ તો અમારી આબરૂનું ચીરહરણ થઇ જાય કે નહીં? )નળ બંધ ન થઇ શકયો અને માટલું ખાલી થઇ ગયું. અમને મગજ વગરના સમજતી મગજવગરની રાધારાણી ફાટી આંખો અને ખુલ્લા મોંએ જોઇ રહી.
*
હવે છેલ્લો કિસ્સો ન સાંભળો તો તમને મનગમતીના સમ.
‘હું તો કંટાળી.’ ઉપરના ખાલી માળેથી ધમાધમ કરતા રાધારાણી ઊતર્યાં . એમનાં ચહેરા પર અણગમાના ભાવ હતા.
‘શું થયું?’ મેં આટલી જ જામગીરી ચાંપી કે ભડકો ચાલુ.
‘મારે કિટી પાર્ટીમાં જવાનું છે. અમેરિકન નેલ પોલિશ લગાવી છાકો બોલાવી દેવો છે. નેલ પોલિશની બાટલી હઠે ભરાણી છે. બાટલી દોઢે ચડી ગઇ છે. મેં દસ મિનિટ ટ્રાય કરી પણ હઠીલી માનતી જ નથી. હવે તમે ટ્રાય કરો.’ આમ કહી નેલ પોલિશની બાટલી મારા હાથમાં થમાવી દીધી. મારે મારા સંસારમાં ભરથાર એટલે કે પતિ સિવાયના તમામ કામ એટલે પ્લમ્બર, ટર્નર, ફિટર, પોટર, ડ્રાઇવર, કેશિયર, વેઇટર,વેઇટ લિફટર, એકટર, જોકર જેવાં કામો કરવા પડે છે. અમારું કામ જેક ઓલ ઓલ બટ માસ્ટર ઓન નન ( અહીં નન (સાધ્વી) નો ભળતો અર્થ કરવાની સંપૂર્ણ છૂટ છે.)મજબૂરીનું ચોથું નામ ગિરધરલાલ છે. બાકી હતું તે બાટલી ઓપનરનો કોન્ટ્રેકટ મળ્યો. મેં સજ્જનની જેમ બાટલીના ઢાંકણાને ખોલવા પ્રયાસ કર્યા. સાણસી લઇને ઢાંકણાને સાણસામાં લેવા જેવું ગુલશન ગ્રોવર જેમ બેડમેન કામ કર્યું .
બાટલીના ઢાંકણા અને બાટલી વચ્ચે ચપ્પુ ભરાવી ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી અખત્યાર કરી બાટલીનું ઢાંકણું ખોલવા પ્રયાસ કર્યો. અમારી કારી બર ન આવી. છેવટે બાટલીને દાંત વચ્ચે ફસાવી તેના ઢાંકણાને ખોલવાનો મરણિયો પ્રયાસ કર્યો. એવામાં બાટલી ગોફણમાંથી વછૂટેલા પાણીની જેમ દાંત વચ્ચેથી છટકી. બાટલી પંખા સાથે અથડાઈ. જે ખુલતી ન હતી તે તૂટી ગઇ. બહુ તૂલ પકડવામાં મજા નથી તેવો મેસેજ શહીદ બાટલી દઇ ગઇ. પછી તો નેલ પોલિશે આખા રૂમમાં ગમતાનો ગુલાલ કર્યો. રાધારાણી મારા પર ભઠયાં. એક નેઇલ પોલિશની બાટલીએ કરેલ ખાનાખરાબી દૂર કરવા દસથી બાર નેલ પોલિશ રિમુવરની બાટલી, ટર્પેન્ટાઇન, સ્પિરિટની બાટલી ખાલી કરવી પડી. અધૂરામાં પૂરું રાધારાણીના બગડેલા મૂડને રિપેર કરવા ગેરેજ (આડુંઅવળું ન વિચારો..અમારા શહેરમાં નકામી ગાડી, ટાયર ટયૂબ વગેરેનો ઉપયોગ કરી ગેરેજ ઇસ્ટાઇલનું યુનિક રેસ્ટોરેન્ટ ખુલ્યું છે.)માં લઇ જવી પડી તે તો લટકામાં !