ઉત્સવ

સ્પોટ લાઈટ: કસીનોમાં ભાગ્ય દેવીનું હેત ઉભરાયું…

-મહેશ્ર્વરી

1980 – 90ના દાયકામાં શાળામાં આફ્રિકા એટલે ‘અંધારિયો ખંડ’ એવું ભણાવવામાં આવતું હતું. મારી એવી ગેરસમજ હતી કે એ ખંડમાં અંધારું વધારે રહેતું હશે એટલે એની આવી ઓળખ બની હશે. જોકે, આફ્રિકાના પ્રવાસ દરમિયાન એક અભ્યાસુ સહ કલાકારે મને સાચો અર્થ સમજાવી મારા અજ્ઞાનનો અંધકાર દૂર કર્યો હતો. કવિ ન્હાનાલાલની પંક્તિ યાદ આવી ગઈ ‘ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા.’

આફ્રિકામાં રણ વિસ્તાર બહુ જ વિશાળ. વિશ્વનું સૌથી મોટું ઉષ્ણ રણ સહારાનું રણ ઉત્તર આફ્રિકામાં આવ્યું છે. અહીં બંદરગાહનો વિસ્તાર ન થયો હોવાથી અને હવામાન અત્યંત ગરમ અને ભેજવાળું હોવાને કારણે વિદેશના પ્રવાસીઓ આફ્રિકા આવતા ખચકાતા હતા અને પરિણામે આફ્રિકા ખંડના અંતરિયાળ વિસ્તાર ફરતે રહસ્યનું જાળું વીંટળાઈ ગયું હતું. એટલે વિદેશીઓ એને ‘ડાર્ક કોન્ટિનેન્ટ’ – અંધારિયો ખંડ કહેવા લાગ્યા હતા. સહારા શબ્દ અરેબિક શબ્દ સહરા પરથી આવ્યો છે જેનો અર્થ વન – જંગલ એવો થાય છે. એવી જ રીતે આફ્રિકન સફારીમાં સફારી શબ્દ અરેબિક શબ્દ સફર પરથી આવ્યો છે જેનો અર્થ મુસાફરી થાય છે. આફ્રિકાના પ્રવાસમાં નાટક ભજવવાના આનંદ સાથે આવી જાણકારી મળતા મન પ્રફુલ્લિત થઈ ગયું.

સાઉથ આફ્રિકામાં અમારો પહેલો પડાવ હતો ડર્બન નામના શહેરમાં. આ જ શહેરમાં ગાંધીજીએ 1904માં ફિનિક્સ સેટલમેન્ટમાં એક આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં જ સત્યાગ્રહના પ્રયોગોની શરૂઆત કરી હતી અને ‘ઈન્ડિયન ઓપિનિયન’ અખબારનું પ્રકાશન કર્યું હતું. આવી ભૂમિ પર મને ટહેલવા મળી રહ્યું હતું એના આનંદ અને અભિમાનનું વર્ણન કરવા માટે શબ્દોનો પનો ટૂંકો પડે. ડર્બનમાં રહેવાની વ્યવસ્થા બહુ જ સરસ હતી. દરિયા કિનારા નજીક એક મોટું રેસિડન્સ હાઉસ હતું જ્યાં અમે બધા કલાકાર સાથે રહેતા હતા.

ડર્બનના નાટકના શો દરમિયાન એક પટેલ દંપતીને મળવાનું થયું. પતિ – પત્ની બંને ડોક્ટર હતાં. ભાઈનું નામ હતું પ્રભાકાંત પટેલ. દંપતીને અમારું નાટક તો પસંદ પડ્યું જ, મિસ્ટર પટેલને મારો અવાજ બહુ જ ગમી ગયો હતો. દંપતીએ ઘરે જમવાનું આમંત્રણ આપ્યું અને મારી પાસે ગીતો ગવડાવ્યાં. ગીતોની સાથે મારી પાસે ડાયલોગ બોલાવી મારો અવાજ પણ રેકોર્ડ કર્યો. બીજી પણ કેટલીક વાતો એમની સાથે થઈ. વાતચીતમાં ખબર પડી કે ભાઈ હતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ પણ આર્ટ માટે સુધ્ધાં સ્પેશિયલ રુચિ ધરાવતા હતા. આમ પણ આર્ટનો જન્મ હાર્ટમાં જ થતો હોય છે ને.

આ પણ વાંચો…સ્પોટ લાઈટઃ ઈશ્વરના દરવાજેથી પાછી ફરી…

ડર્બનમાં નાટકના શો પૂરા થયા પછી અમારો કાફલો પહોંચ્યો જોહાનિસબર્ગ.19મી સદીમાં સોનાની ખાણના શહેર તરીકે ઓળખ મેળવનાર જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હતું. ડર્બનની જેમ અહીં અમને બધાને સાથે રહેવા ન મળ્યું. બધા વિખેરાઈ ગયા. અહીં એક પત્રકાર પરિષદમાં હાજર રહેવા અમને આમંત્રણ મળ્યું હતું જેમાં એક સાવ નવી જ વાત જાણવા મળી. માણસને પોતાના સાંસ્કૃતિક મૂળિયાં માટે કેવો લગાવ હોય છે એ જોવા મળ્યું.

વાત એમ હતી કે એ સમયમાં ઘણી ભારતીય ક્ધયાઓ પરણીને સાઉથ આફ્રિકા સ્થાયી થતી હતી. આ વાત પર પ્રકાશ પાડી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે ‘અહીંના લોકો ભારતીય ક્ધયા સાથે લગ્ન કરવામાં વિશેષ રુચિ એટલા માટે ધરાવે છે કે એ ક્ધયાના આગમન સાથે પરિવારને એક પુત્રવધૂ તો મળે જ છે, સાથે સાથે ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ એ આણામાં લઈ આવે છે. આ વાત સાંભળ્યા પછી હું વિચારે ચડી ગઈ.

વાતચીતમાં જાણવા મળ્યું કે ભારતીયો પહેલી વાર સાઉથ આફ્રિકા આવ્યા ત્યારબાદ પેઢીઓ વિકસતી ગઈ પણ એ લોકોનો સ્વદેશ સાથેનો નાતો તૂટી ગયો. ભારતીય વંશના અમુક લોકોએ તો ભારત જોયું પણ નહોતું. મૂળ સોતા ઊખડેલા માણસોની વ્યથા અને પીડા બહુ તીવ્ર હોય છે. ભારતે કેટલી પ્રગતિ કરી એનાથી પણ એ લોકો અજાણ હતા. ટૂંકમાં સ્વદેશી સંસ્કૃતિ સાથે ફરી અનુસંધાન થાય એ આશય સાથે ભારતીય ક્ધયાઓનું વિદેશાગમન થઈ રહ્યું હતું. મૂળ સોતા ઊખડેલા ફરી મૂળિયાં સાથે જોડાઈ જવા તલપાપડ હતા.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ : ચીલઝડપ: નાટક ને જીવન

જોહાનિસબર્ગમાં પણ નાટકના શો કર્યા અને મુંબઈ પાછા ફરવાને દસેક દિવસની વાર હતી ત્યારે અમને એક એવા સ્થળે લઈ જવામાં આવ્યા જે અમારામાંના મોટા ભાગના લોકોએ અંગ્રેજી ફિલ્મમાં જ જોઈ હતી. એ જગ્યા હતી
જોહાનિસબર્ગથી આશરે 140 કિલોમીટર દૂર આવેલો સનસિટી નામનો લક્ઝરી રિઝોર્ટ અને કસીનો. રિઝોર્ટની ભવ્યતા જોઈ આંખો અંજાઈ ગઈ. આ સન સિટીમાં અનેક બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન થયું હતું અને વિશ્વવિખ્યાત મિસ વર્લ્ડ સ્પર્ધા અહીં થઈ ચૂકી હતી. 1995માં સન સિટીમાં આયોજિત મિસ વર્લ્ડ સ્પર્ધામાં એક નિર્ણાયક અમિતાભ બચ્ચન પણ હતા. રિઝોર્ટમાં જ્યારે કસીનોમાં એન્ટ્રી લીધી ત્યારે આંખો ચકળવકળ થવા લાગી. ઠેર ઠેર સ્લોટ મશીનો દેખાતાં હતાં અને એ મશીનમાંથી નીકળતા સિક્કાઓનો ખણખણાટ મનમાં ગલગલિયાં કરતો હતો.

કસીનોમાં કેમ નસીબ અજમાવવું એ મેં જોઈને તરત શીખી લીધું. બહુ સહેલું હતું. આજે તો દાવ રમી આનંદ માણવો છે, પૈસા જાય તો કોઈ પ્રકારે કકળાટ નહીં કરવાનો એવા મક્કમ નિર્ધાર સાથે હું રમવા લાગી. એ દિવસે ભાગ્યદેવી મારા પર પ્રસન્ન હોય અને હેત ઉભરાવતા હોય એમ કસીનોના સ્લોટ મશીનમાંથી ધડાધડ સિક્કા મને મળવા લાગ્યા. એક સિક્કો નાખું અને એનો મોટો ગુણાકાર થઈ મને મળવા લાગ્યા. મને પણ ચાનક ચડી. પૈસાનો રણકાર કોને ન ગમે! આ બધું કાંતિ મડિયાનાં પત્ની નીતિન બહેને જોયું અને એમની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ ગઈ. નસીબ કેવું બળવાન હોઈ શકે એ એમણે નજરોનજર જોયું. એવામાં મુંબઈથી એક ફોન આવ્યો અને નીતિન બહેને તેમને કહ્યું કે…

નાટ્ય લેખકનો એક દેશ એક લિપિનો આગ્રહ
રણછોડભાઈ ઉદયરામ દવે. ગુજરાતી રંગભૂમિની અત્યંત આદરણીય વ્યક્તિ. કોઈ કારણસર મળવી જોઈએ એવી ખ્યાતિ કે પ્રશંસાના હકદાર નથી બન્યા. કાયદાનો અભ્યાસ કરી સામયિકના તંત્રી બન્યા અને ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ પણ શોભાવ્યું હતું. ભાષાપ્રેમ એવો તીવ્ર કે સમગ્ર ભારત માટે એક લિપિ હોવાની દરખાસ્ત તેમણે રજૂ કરી હતી. આ વિચારને ઉત્તેજન મળે એ સાટુ પોતાના કેટલાક પુસ્તક તેમણે દેવનાગરી લિપિમાં છપાવ્યા પણ હતા.

રણછોડભાઈ ઉદયરામ દવેએ અન્ય નાટ્ય પ્રેમીઓ સાથે ભેગા મળી ‘નાટક ઉત્તેજક મંડળી’ સ્થાપી હતી. રણછોડભાઈ દવેનું ‘હરિશ્ર્ચંદ્ર’ નાટક 1876માં ભજવાયું હતું. ગાંધીજીની આત્મકથામાં એમણે જે ‘હરિશ્ર્ચંદ્ર’ નાટક જોયાનો ઉલ્લેખ છે તે આ જ નાટક હતું. 1884 સુધી નાટક ઉત્તેજક મંડળીએ રણછોડભાઈનાં નાટકો ભજવ્યાં હતાં. ‘નળ-દમયંતી’ના ત્રણસો અને ‘હરિશ્ર્ચંદ્ર’ના અગિયારસો પ્રયોગ થયા હતા. નાટક દ્વારા સંસ્કાર શિક્ષણ મળે એ રણછોડભાઈનો ઉદ્દેશ હતો. જોકે, લેખકશ્રીને ભવાઈ પ્રત્યે ભારે સૂગ હતી. એટલે એનો કોઈ અંશ તેમનાં નાટકોમાં જોવા નથી મળ્યો. રણછોડભાઈ અન્ય ભાષાનાં નાટકો ગુજરાતીમાં ભજવાય એના આગ્રહી હતા. તેમણે સંસ્કૃત અને અંગ્રેજી નાટકોના ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો હતો.

આ પણ વાંચો…સ્પોટ લાઈટ: રાતના અઢી વાગ્યે પોલીસ ઘરે આવી!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button