ઇન્ટરનેશનલ

અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિ પર પ્રશ્નો, આતંકી સિરીયાનો રાષ્ટ્રપતિ બનતા ગુનાઓ માફ કર્યા

નવી દિલ્હી : સમગ્ર વિશ્વના દેશો આતંકવાદ વિરુદ્ધ લડવા માટે એક થઈ રહ્યા છે. ત્યારે અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિ પર પ્રશ્નો ઉભા થયા છે. જેમાં અમેરિકાએ એક સમયે કરોડો રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું તે આતંકવાદીના બધા ગુના માફ કર્યા છે. અમેરિકાએ એક સમયે આતંકી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર દેશ પર પ્રતિબંધ લાદી દીધો હતો. જ્યારે તે જ વ્યક્તિ હાલ સીરિયાનો રાષ્ટ્રપતિ બન્યો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના વચગાળાના રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારાને ગુના માફ કરી દીધા હતા.

જેમાં હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની અલ-શારા સાથે મુલાકાત બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સીરિયા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી લીધા હતા. હવે સીરિયાએ અમેરિકાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો વળાંક

આ ઘટના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટો વળાંક દર્શાવે છે. જેમાં અમેરિકાએ અણધારી રીતે સીરિયા અને કાર્યકારી રાષ્ટ્રપતિ અહેમદ અલ-શારા પરના પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો છે. અલ-શારા, જેનો ભૂતકાળ અલ-કાયદા જેવા આતંકવાદી જૂથો સાથે જોડાયેલો છે અને જેના પર અમેરિકાએ અગાઉ 10 મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાઉદી અરેબિયામાં અલ-શારાને મળ્યા અને સીરિયા પર વર્ષોથી લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની જાહેરાત કર્યા પછી આ ફેરફાર આવ્યો.

અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિ પર પ્રશ્નો

અમેરિકા પોતાના નિર્ણયને સીરિયાના પુનર્નિર્માણ પ્રયાસોને વેગ આપવા તરફના વ્યૂહાત્મક પગલા તરીકે જુએ છે, પરંતુ ટીકાકારો માને છે કે આ અમેરિકાની આતંકવાદ વિરોધી નીતિઓની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે. ઘણા વિશ્લેષકો દલીલ કરે છે કે આ અમેરિકાની એક તરફ આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની બેવડી નીતિનું પ્રતીક છે, જ્યારે બીજી તરફ તે શંકાસ્પદ ભૂતકાળ ધરાવતા નેતાઓ સાથે હાથ મિલાવી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય મંચ પર નવી ચર્ચા શરૂ

આ ઘટનાક્રમે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે. અમેરિકાની પશ્ચિમ એશિયા નીતિ, માનવતાવાદી સહાયની આડમાં લેવામાં આવેલા રાજકીય નિર્ણયો અને તેના સાથી દેશો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ પરિવર્તનને ટ્રમ્પની વિદેશ નીતિમાં એક વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. 25 વર્ષમાં સીરિયા અને અમેરિકા વચ્ચે આ પ્રથમ ઉચ્ચ-સ્તરીય બેઠક હતી.

જે સીરિયા માટે ખાસ મહત્વ ધરાવે છે. કારણ કે તે લાંબા સમયથી વૈશ્વિક મંચ પર અલગ પડી ગયું છે. અલ-શારાએ અબ્રાહમ કરારમાં જોડાવા અને ઇઝરાયલને માન્યતા આપવા માટે સૈદ્ધાંતિક રીતે સંમતિ આપી છે.જોકે સીરિયન સરકારે સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પર હાર્વર્ડ યુનિવર્સિટીએ કેસ દાખલ કર્યો, જાણો શું છે કારણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button