IPL 2025

આજે બે મૅચ: ગુજરાત ટૉપ-ટૂ માટે અને બાકીની ત્રણેય ટીમ આબરૂ સાચવવા રમશે

ચેન્નઈ હારશે તો પહેલી વાર તળિયે: બીજી મૅચમાં 2024ની બે ફાઈનલિસ્ટ ટીમ ટકરાશે

અમદાવાદ/નવી દિલ્હી: આઈપીએલની 18મી સીઝનમાં આજે છેલ્લી વાર દિવસમાં બે મૅચ રમાશે. અમદાવાદમાં બપોરે 3:30 વાગ્યે શરૂ થનારી પહેલી મૅચ ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે જેમાં ગુજરાતને જીતીને ટૉપ-ટૂમાં સ્થાન જમાવવાનો મોકો મળશે. સીએસકે માટે આ મૅચ માત્ર ગૌરવ જાળવવા માટેની છે.

આજે સાંજે 7.30 વાગ્યાથી રમાનારી બીજી મૅચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે છે. ચેન્નઈની જેમ આ બંને ટીમ પણ પ્લે-ઑફમાં ન પહોંચી શકી હોવાથી તેઓ પણ માત્ર રહી સહી આબરૂ સાચવવા માટે જ રમશે.

ગુજરાત જો આજે ચેન્નઈ સામે જીતશે તો ટોપ-ટૂમાં સ્થાન મજબૂત કરી શકશે. ઉલ્લેખનીય છે કે ટૉપ-ટૂમાં રહેનારી બે ટીમ વચ્ચે 29મેએ જે ક્વૉલિફાયર-વન રમાશે એમાં જીતનારી ટીમ સીધી ત્રીજી જૂનની ફાઈનલમાં જશે અને હારી જનારી ટીમને ફાઇનલમાં પહોંચવા વધુ એક તક મળશે.

જો ગુજરાત આજે ચેન્નઈ સામે હારી જશે તો એણે એલિમિનેટરમાં રમવું પડશે અને ફાઇનલમાં પહોંચવા એણે ઘણો સંઘર્ષ કરવો પડશે.

ગુજરાતની ટીમ આજે ચેન્નઈ સામે કદાચ થોડા ઓછા આત્મવિશ્વાસ સાથે રમવા મેદાન પર ઊતરશે, કારણ કે ત્રણ દિવસ પહેલાં (22મી મેએ) લખનઊ સામે ગુજરાતનો 33 રનથી પરાજય થયો હતો. એમાં ગુજરાતના એમ. શાહરૂખ ખાને આક્રમક 57 રન કર્યા હતા, પરંતુ એ પહેલાં મિચલ માર્શ (117 રન) અને નિકોલસ પુરન (અણનમ 56 રન)ની જોડીએ લખનઊની જીતનો પાયો નાખી આપ્યો હતો અને છેવટે લખનઊનો જ વિજય થયો હતો.

પાંચ ટાઈટલ જીતી ચૂકેલું ચેન્નઈ આજે હારશે તો પહેલી જ વખત આઈપીએલ (IPL-2025)ના પોઇન્ટ્સ ટેબલમાં સાવ તળિયે (10મા નંબરે) રહેશે. એ જોતાં, ચેન્નઈએ આજે લખનઊનું અનુકરણ કરીને ગુજરાતને હરાવવું જ પડશે.

ગુજરાતને સ્પિનર રાશીદ ખાનનું ખરાબ ફોર્મ સતાવી રહ્યું છે. રાશીદ ખાન આઈપીએલના ઈતિહાસમાં પહેલી જ વખત સીઝનમાં આટલો બધો નબળો ફોર્મમાં છે. તેણે 13 મૅચમાં ફક્ત આઠ વિકેટ લીધી છે.

ગુજરાત આજની મૅચનું મહત્ત્વ ધ્યાનમાં લઈને પ્લેઈંગ-ઇલેવનમાં ખાસ કોઈ ફેરફાર કે અજમાયશ કરવાનું ટાળશે.

આજની બીજી મૅચની બે હરીફ ટીમ કોલકાતા અને હૈદરાબાદ અનુક્રમે સાતમા તથા આઠમા નંબરે છે. 2024ની ફાઈનલમાં આ જ બે ટીમ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં કોલકાતા મેદાન મારી ગયું હતું અને ત્રીજી વાર ટ્રોફી જીતી લીધી હતી. ખાસ જણાવવાનું કે કોલકાતા સામે હૈદરાબાદ છેલ્લી પાંચેય મૅચ હાર્યું છે.

આ પણ વાંચો…મેચ પત્યા બાદ Nita Ambani એ કર્યો આ ખાસ ઈશારો, MIની જિત સાથે છે કનેક્શન…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button