આકાશ મારી પાંખમાં : લકી, તુમકો ન ભૂલ પાયેંગે

-ડૉ. કલ્પના દવે
લકી, તું આજે પણ મારી સાથે જ છે. તારી મસ્તી, તારો સ્નેહ, તારી સાથે માણેલી એ મધુર ક્ષણો મારા જીવનને સભર કરી જાય છે.
નાશિકના મારા કોટેજ હાઉસમાં સાંજે ચાર વાગે અચાનક તું પોતાનો હક્ક જમાવતો હળવેથી મારા બેડ પર ચઢી ગયો!
સફેદ રૂ જેવું મુલાયમ-પોચું તારું કાઠું- ભૂરી અણિયાળી આંખોથી તું ટગર ટગર મારી સામું તાકી રહ્યો હતો. તું આમ અચાનક આવી ચઢયો એ જોઈને હું ગભરાઈ તો ગઈ પણ, તારા પગના કોમળ સ્પર્શે અને મર્માળા સ્મિતે મને અકળ રોમાંચ જાગ્યો. તારી આંખમાં મેં એક દૈવી ચમક જોતાં, મેં તારી પીઠ પસવારી. હું સોળ વર્ષની ક્ધયા અને તું ત્રણ મહિનાનું નાનું પપ્પી ડોગ !
આ મારા પપ્પી ડોગ અને મારો, એટલે કે દિવ્યા જોશીનો ફર્સ્ટ સાઈટ લવ.
અમે જેના ઘરે ગયા હતા એ ડો.સુલભા આંટીને મેં કહ્યું- આંટી, મને આ પપ્પી ડોગ ગમી ગયો છે. હું એને મારા ઘરે મુંબઈ લઈ જઉં? મારી સોસાયટીમાં ગાર્ડન છે. ત્યાં આવા બે ડોગી પણ છે.
જો, ડોગીને સાચવવું અઘરૂં છે. એક બાળકની જેમ તેનું ધ્યાન રાખવું પડે. સુલભા આંટીએ કહ્યું.
યસ. આય નો આંટી. મારા ફ્લેટની સામે મેહુલ રહે છે. એનો ડોગી છે. દિવ્યાએ કહ્યું.
રાત્રે પપ્પા સાથે ફોન પર વાત કરી. ડોકટર આંટીએ પપ્પી ડોગની ખરીદી માટે પ્રોસીજર કર્યો.
સુલભા આંટી, મોમ અને હું પપ્પી ડોગને લઈને અમે બધા મહાબળેશ્વર ફરવા ગયા. હું તો ડ્રાઈવરની બાજુની સીટમાં જ પપ્પી ડોગને લઈને બેસી ગઈ. એના માથે મેં એક નાની લાલટોપી પહેરાવી ત્યારે એ ખૂબ સોહામણો લાગતો હતો.
સુલભા આંટીએ કહ્યું- દિવ્યા તું તો લકી છે, આ પપ્પી ડોગ ફોરેનનો છે. એ સંસ્થાવાળા જેમણે મારા ઘરે મોકલ્યો હતો, એણે કહ્યું એની મા બ્રિટિશર છે, અને પિતા સ્પેનીશ છે. અમે વિદેશી પપ્પી ડોગ મંગાવીએ છીએ એની ડિમાંડ વધારે છે. જો, આ સંસ્થાના આયોજકો એનું કેવું સરસ ધ્યાન રાખે છે.
આંટી, આવો સરસ પપ્પી ડોગ મને મળ્યો અને આજે જ મને જાણવા મળ્યું કે હું મેડીકલની એન્ટરંસ પરીક્ષામાં ફર્સ્ટગ્રેડમાં પાસ થઈ ગઈ- મોમ, એનું નામ હું લક્કી પાડું?
મોમ અને આંટીએ કહ્યું- વાહ, સરસ નામ, લક્કી.
એ સાંજે તો હું લક્કીને એક મોટી બાસ્કેટમાં બેસાડીને ગર્વભેર આખા માર્કેટમાં ફરી. બજારમાં બધા મારા લક્કી સામું જ તાકી તાકીને જોતા હતા, પણ મારો પપ્પી ડોગ-લક્કી મારી સામું જ જોતો હતો. હું કયારેક એના માથા પર તો ક્યારેક તેની પીઠ પર હાથ ફેરવતી હતી. હું મનોમન ફુલાતી હતી, કે હવે મેહુલની જેમ મારી પાસે પણ રૂપાળો લક્કી છે.
સ્ટોરમાં જઈને લક્કી માટે ડોગીફૂડ ખરીદ્યું, એની સફાઈ માટેનાં સાધનો પણ આંટીએ અપાવ્યા. હવે તો જ્યાં હું ત્યાં લક્કી અને જ્યાં લક્કી ત્યાં હું.
અમારી સોસાયટીનાં બાળકો લક્કી સાથે રમવા સાંજે ગાર્ડનમાં આવે. લક્કી બોલ રમે, અમે એની પાસે જુદા જુદા ખેલ કરાવીએ. પણ, એને ચોખ્ખા રહેવું ગમે, પગ પર ધૂળ લાગે તો રામુ પાસે જાય,અમારો ઘરનોકર રામુ એનું ધ્યાન રાખે, પણ, હું ઘરમાં હોઉં તો મારી સાથે જ બેઠો હોય. હું ભગવાનના મંદિર આગળ પૂજા કરું તો એ પણ આંખ મીંચીને બેસે, પછી આગલા બે પગથી રમે.
મારો લક્કી એક વર્ષનો થયો, મેં સોસાયટીના ગાર્ડનમાં બચ્ચા પાર્ટી રાખી. મેં એને લાલ ચડ્ડી પહેરાવી હતી અને માથે લાલ ટોપી મૂકી હતી, મારો લક્કી રાજકુમાર જેવો શોભતો હતો. મેં એને નાની ખુરશી પર બેસાડ્યો અને કેક કાપી. બધાએ ગાયું હેપી બર્થડે લક્કી. આજે કેક સાથે લક્કીએ કૂકીસ પણ ખાધી.
અમે લક્કીને લઈને હરદ્વાર ગયા હતા, એક દુકાન પાસે અમે ખરીદી કરી રહ્યા હતા તે અચાનક લક્કી કશે ક જતો રહ્યો. હવે એને કેવી રીતે શોધવો. હું તો એકદમ મૂંઝાઈ ગઈ, મારો લક્કી કયાં ખોવાઈ ગયો? દુકાનવાળાએ કહ્યું- તમારા કૂતરાની કોઈ વસ્તુ મારા કૂતરાને આપો, એ તમારા કૂતરાને શોધી લાવશે.
મારી પાસે લક્કીની સુપસ્ટીક હતી તે મેં દુકાનદારને આપી. પેલા કૂતરાના મોંમા નાંખીને પેલો દુકાનદાર એ કૂતરાના કાન પાસે જઈને કશુંક બોલ્યો.
મેં જોયું પેલો કૂતરો અમારી આસપાસ ફર્યો, પછી જરા દૂર ગયો. દુકાનવાળાએ તરત એક ફોન કર્યો. અજયભાઈ. આપ ઓફિસમેં હો? યે બંબઈકી એક પાર્ટી હૈ. ઉનકા સફેદ રંગ કા છોટા કુત્તા ગુમ હો ગયા હૈ-
હાં જરૂર મૈં હમારી આસ્થા ચેનલ પે એનાઉંસમેન્ટ કરાતા હૂં. ઔર સભીકો તાકીદ કરતા હૂં અગર કોઈ સફેદ કુત્તા દીખે તો પકડ લે. આપ ઉસકા ફોટો વોટ્સએપ કર દો.
મેં મનોમન માતાજીની માનતા રાખી કે મા, હું સુખડીનો ભોગ ધરાવીશ. મા, મારા લક્કીની રક્ષા કરજે.
બરાબર બે કલાકમાં જ પેલો સ્ટીકવાળો કૂતરો અમારી ગાડીની આસપાસ આંટા મારવા લાગ્યો અને એક પોલીસ મારા લક્કીને લઈને આવ્યો. યે દૂસરી ગલી કે મંદિરકે ચોગાનમેં બૈઠા થા. મેં એને તરત બે હાથે ઉપાડીને વહાલ કર્યું. અમારી બંનેની આંખ ભરાઈ આવી. મેં મનોમન નક્કી જ કર્યું હવે લક્કીને પટ્ટો બાંધીને રાખીશ.
ગયા મહિને અમે લક્કીને ડોગશોમાં લઈ ગયા હતા, ત્યાંના ટ્રેનરે કહ્યું લક્કી અમને સોંપી દો- અમે એને ટ્રેન કરીશું. અઠવાડિયા પછી પાછો લઈ જજો.
અઠવાડિયા પછી લક્કીને લઈ આવ્યા. મને જોતાની સાથે જ ખુશ થઈ ગયો. ઘરે લઈ આવ્યા પણ એ સાવ બદલાઈ ગયેલો લાગ્યો.
ત્રીજે જ દિવસે લક્કીને તાવ આવ્યો, એ કશું જ ખાતો ન હતો. એની આંખો લાલ થઈ ગઈ. અમે વેટરનીટી ડોક્ટરને ફોન કર્યો.
ડોક્ટરે કહ્યું- એના પેટમાં કંઈ ઈંન્ફેક્શન લાગે છે. હોસ્પિટલ લઈ જવો પડશે.
મેં હોસ્પિટલમાં ફોન કર્યો. એમણે એક ખાસ વાન મોકલી જેમાં હોસ્પિટલના બે વોર્ડ બોય હતા. તે સમયની લક્કીની એ ગંભીર હાલત આજે પણ ભૂલી શકી નથી.
સાંજે વેટરનીટી હોસ્પિટલમાંથી જ ફોન આવ્યો કે સોરી અમે તમારા ડોગીને બચાવી શક્યા નહીં. હમણાં જ એ એક્સપાયર થઈ ગયો છે. તમે એને જોવા આવશો કે મ્યુનિસિપલ સ્મશાનમાં મોકલીએ.
મારા માથે જાણે આભ તૂટયું- મારા લક્કીને શું થઈ ગયું? મેં કહ્યુ કે હું એને જોવા આવીશ. પછી જ તમે આગળની કાર્યવાહી કરજો.
હોસ્પિટલમાં હું અને પપ્પા પહોંચ્યા. ડોક્ટરે અમને શબઘરમાં લક્કી બતાવ્યો. મને તમ્મર આવી ગયા, મેં ડોક્ટરને પૂછયું- મારા લક્કીને આમ અચાનક શું થઈ ગયું?
ડોક્ટરે સામો પ્રશ્ન કર્યો કે તમારા કૂતરાનું ઓપરેશન કોણે કર્યુ હતું? ઓપરેશન? અમને તો કંઈ ખબર જ નથી. એને સખત તાવ આવે છે એટલે અહિં રાખ્યો હતો.- પપ્પાએ કહ્યું. મિ.જોશી તમારી સાથે દગો થયો છે. કોઈએ એની કિડની કાઢીને એનો ધંધો કર્યો.
શું આવું કોઈ કરી શકે? મેં પૂછયું.
આપણે તપાસ કરાવીએ કે એ કોણ હતું. આપણે એની સામે કેસ માંડીશું.- પપ્પાએ કઠોર શબ્દોમાં કહ્યું. દિવ્યાએ કહ્યું- એ નરાધમને ઈશ્વર શિક્ષા આપશે જ. મારો લક્કી તો ગયો જ ને- કેસ માંડુ તો પણ મારો લક્કી તો મને નહીં જ મળે. સાથે લાવેલી મીણબત્તી એની પાસે પ્રગટાવીને દિવ્યાએ એના વહાલા લક્કીને વિદાય આપી.
હા, સાચું કહું છું એ ઘટનાને ચાર વર્ષ થયા પણ મારો લક્કી આજે પણ મારી સાથે જ છે. સદેહે નહીં એના સૂક્ષ્મ દેહે એ મારી સાથે જ છે.
એક વાર હું મારા એક મિત્રને ત્યાં ગણપતિના દર્શન કરવા ગઈ હતી. ભજન-આરતી અને પ્રસાદ લેવામાં તો રાત્રિના અગિયાર વાગી ગયા. જો કે મારું ઘર બહુ દૂર ન હતું અને મારો ભાઈ પણ મારી સાથે જ હતો. પંદર મિનિટ થઈ રિક્ષા ન મળી એટલે અમે ઘર તરફ ચાલવાનું શરૂ કર્યું. મેં મનોમન લક્કીને યાદ કર્યો. ત્યાં જ સામેના રસ્તાના ખૂણે બેઠેલો એક કૂતરો મારી સાથે ચાલવા લાગ્યો. એ અજાણ્યો કૂતરો મારી સામે જોઈ પૂંછડી પટપટાવતો છેક મારી સોસાયટીના ગેટ સુધી આવ્યો, જાણે મારો બોડીગાર્ડ ન હોય! ઘરે પહોંચ્યા પછી હું ચોથા માળની મારા ઘરની બાલકનીમાં ઊભી રહીને જોવા લાગી કે એ અજાણ્યો કૂતરો છે કે ગયો? મેં જોયું કે પેલો સ્ટ્રીટ ડોગ હજુ મારી સોસાયટીના ગેટ પાસે જ ઊભો હતો. મને જોઈને એ પાછો વળ્યો અને રાત્રિના અંધકારમાં ખોવાઈ ગયો. મને લાગ્યું નક્કી મારો લક્કી જ આ શેરીકૂતરાના રૂપે મારું રક્ષણ કરવા આવ્યો હશે.
લક્કી, તુમકો ન ભૂલ પાયેંગે.