ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : મીડિયાને યુદ્ધની પૂરી સચ્ચાઈ ખબર ન હોય, પણ જૂઠ ન કહેવાનું સાહસ તો હોવું જોઈએ

-રાજ ગોસ્વામી

તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યારે હિન્દી અને અંગ્રેજી ન્યૂઝ ચેનલોનું રિપોર્ટિંગ ગજબનું હાસ્યાસ્પદ ઠર્યું હતું. દિલ્હીના ટીવી સ્ટુડિયોમાં બેસીને સોશિયલ મીડિયા પર આવતા ‘બ્રેકિગ ન્યૂઝ’ના આધારે ટીવી એન્કરોએ જે અવિશ્વસનીય દાવાઓ કર્યા હતા એ લઈને જાણકાર લોકો તો ઠીક, સામાન્ય દર્શકો પણ આઘાત પામી ગયા હતા.

એ વખતે ટીવીમાં જે જોવા મળ્યું તેને રિપોર્ટિંગ કહેવાય કે કેમ તે પણ પ્રશ્ન છે. યુદ્ધ જેવી સ્થિતિમાં, મીડિયાનું કામ લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું, લોકોને શિક્ષિત કરવાનું અને શાંતિને પ્રોત્સાહન આપવાનું હોય છે ત્યારે અહીં તો આ વખતે મીડિયાએ સનસનાટીભર્યા સમાચાર,ખોટી માહિતી અને ઉન્માદને પ્રોત્સાહન આપીને પરિસ્થિતિ બગાડી હતી.

મીડિયા યુદ્ધની જે તસવીર રજૂ કરે છે એનાથી લોકોના વિચાર પર ઊંડી અસર પડે છે. ભારત અને પાકિસ્તાન બંનેના મીડિયાએ એવો માહોલ ઊભો કર્યો હતો કે વિવેકબુદ્ધિથી સમજવાનું અશક્ય બની ગયું હતું. આવા સંજોગોમાં, યુદ્ધની કમાન જેમના હાથમાં હોય છે તે સેના અને સરકારની માનસિક સ્થિરતા પર શું અસર પડે તેની કલ્પના કરવી પણ ડરામણી છે.

ડાહ્યા લોકો કહેતા આવ્યા છે કે અતિઉત્સાહમાં સંયમ ન ગુમાવવો જોઈએ. જે રીતે ‘ઓપરેશન સિંદૂર’ની અને ત્યારબાદની પરિસ્થિતિઓ ટીવી ચેનલ્સ દ્વારા રજૂ કરવામાં આવી હતી તેનાથી આ ચેનલોની ટીઆરપીમાં ભલે તોતિંગ વધારો થયો હોય, પણ તેમણે ન તો જનતાની સેવા કરી છે કે ન તો સેનાને ન્યાય કર્યો છે. આટલા મોટા અને સફળ દેશની જનતા અને તેનું બહાદુર સૈન્ય એક બહેતર પત્રકારત્વને લાયક છે.

યુદ્ધનું રિપોર્ટિંગ સહેલું નથી. યુદ્ધમાં સૌથી પહેલાં સત્યનો ભોગ લેવાય છે. આ અનિવાર્ય દૂષણ છે. યુદ્ધમાં બંને પક્ષ પોત-પોતાની સફળતાના દાવા કરતા હોય છે, જે જરૂરી પણ હોય છે. આ માહિતીઓ ‘ચળાઈ’ને આવતી હોય છે. યુદ્ધ ભૂમિ એક જોખમી જગ્યા છે. ત્યાં માત્ર જીવ બચાવવો અને જીવ લેવો તે બે જ પ્રાથમિકતા હોય છે. ત્યાં બીજું બધું નગણ્ય બની જાય છે, સત્ય પણ. પત્રકારોને એ ખબર હોવી જોઈએ. અને એટલા માટે જ એ સત્ય ન પહોંચાડી શકે તો કંઈ નહીં, કમસે કમ અસત્ય તો ના જ પહોંચાડવું જોઈએ.

માહિતી અને અફવા વચ્ચે પાતળી ભેદરેખા હોય છે. પત્રકારો માહિતીના અભાવમાં ઘણીવાર અફવાને સમાચાર તરીકે રજૂ કરતા હોય છે.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ: લોકોને સત્ય પસંદ હોય છે, પરંતુ પોતાની અનુકૂળતાનું!

માહિતી એટલે પાણીમાં એક પથ્થર પડે અને પાણીમાં વમળો સર્જાય તે. અફવા એટલે પાણીમાં કોઈ પથ્થર ન હોય અને કોઈ માણસ કિનારા પર ઊભો ઊભો વમળો પેદા કરે તે…. લોકો એવું માની લે કે પાણીમાં પથ્થર છે.

યુદ્ધનું રિપોર્ટિંગ, તેની આદિમ અવસ્થામાં, અફવાઓનું જ રિપોર્ટિંગ હતું. ગુફામાં રહેતા માણસો પાસે બહાર શું ચાલી રહ્યું છે તે જાણવાની તકનિક નહોતી એટલે એ બીજા માણસની વાતો પર ભરોસો રાખતા હતા. કોઈક આવીને એમને કહેતો કે, ‘અલા, તેં સાંભળ્યું? જંગલમાં સિંહે પાંચ લોકોને ફાડી ખાધા.’

આધુનિક સમયમાં ન્યૂઝપેપરો અને ન્યૂઝ ચેનલો એ જ કામ વ્યવસ્થિત ઢંગથી કરે છે એટલા માટે જ ન્યૂઝ પેપરને સંગઠિત અફવા (ઓર્ગેનાઇઝ્ડ ગોસિપ) કહેવાય છે.

યુદ્ધમાં સમાચારોને તોડી-મરોડીને પેશ કરવાની રીત નવી નથી. ‘મહાભારત’ના યુદ્ધ દરમિયાન દ્રોણાચાર્યએ સેનાપતિની કામગીરી સંભાળી હતી. એ તો પાંડવો અને કૌરવો બંનેના ગુરુ હતા અને એમને પરાજિત કરવાની ક્ષમતા કોઈની પાસે નહોતી. તો શું કરવાનું? યુદ્ધમાં અશ્વત્થામા નામનો એક હાથી ભીમના હાથે હણાયો. યોગાનુયોગ, દ્રોણાચાર્યના પુત્રનું નામ પણ અશ્વત્થામા હતું એટલે અર્જુનના ‘વોર એડવાઈઝર’ કૃષ્ણએ એક યોજના બનાવી- ધર્મરાજ યુધિષ્ઠિર એમની સત્યનિષ્ઠા માટે કૌરવોમાં આદરણીય છે. એ જો દ્રોણાચાર્યને કહે કે અશ્વત્થામા હણાયો છે, પણ એ હાથી કે પુત્ર તેની ચોખવટ ન કરે તો દ્રોણાચાર્ય હતાશ થઈએ શસ્ત્રો હેઠે મૂકી દે પછી પાંડવો એમનો વધ કરી શકે.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : મધર્સ-ડે પહેલાંની માતા: ભારત માતા કી જય!

જોકે, યુધિષ્ઠિરને આ વાત મંજૂર ન હતી. એમના ભાઈઓએ બહુ સમજાવ્યા તે પછી તે આ સમાચાર આપવા તૈયાર થયા કે ‘અશ્વત્થામા હતો ઇતિ (અશ્વત્થામા હણાયો છે)’. પરંતુ પોતે અસત્ય નથી બોલતા તેના આત્મસંતોષ માટે તેઓ પાછળથી ધીમેથી બોલ્યા : ‘નરો વા કુંજર વા (તે નર છે અથવા હાથી).

આગળનું વાક્ય સાંભળીને દ્રોણાચાર્યનાં ગાત્રો ઢીલાં થઇ ગયાં. એમણે શસ્ત્રો નીચે મુક્યાં અને સમાધિ અવસ્થામાં બેસી ગયા. એ જોઇને પાંડવોના એક ધનુર્ધારીએ એમની પર તીર ચલાવી દીધું. આમ, અર્ધ-સત્ય કારગત નીવડ્યું.

યુદ્ધ રિપોર્ટિંગમાં આજે પણ આવું થતું હોય છે. દુશ્મનોને ગુમરાહ કરવા માટે અથવા એમને ઊંઘતા ઝડપવા માટે
યુદ્ધના સંચાલકો પત્રકારોનો ઉપયોગ કરતા હોય છે. આપણા જેવા સામાન્ય લોકો યુદ્ધથી જોજનો દૂર હોઈએ છીએ
અને આપણને જે માહિતી આપવામાં આવે તેને જ આપણે સાચી માની લઇએ છીએ. આપણી પાસે બીજો વિકલ્પ
પણ નથી હોતો. એ અર્થમાં આપણે મહાભારતના દ્રષ્ટિહીન ધૃતરાષ્ટ્ર છીએ અને પત્રકારો સંજય.

સંજયનું કામ ધૃતરાષ્ટ્ર માટે કુરુક્ષેત્રના યુદ્ધનું લાઈવ રિપોર્ટિંગ કરવાનું છે. કહે છે કે સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, પરંતુ અમુક મામલાઓમાં એના વર્ણનમાં પણ અંતર હતું, જેમ કે ‘14મા દિવસે અર્જુને અગિયાર અક્ષૌહિણી સેનાને પરાસ્ત કરી છે ’ તેવું સંજયે કહ્યું હતું, પરંતુ ‘મહાભારત’નાં અન્ય સંસ્કરણો અનુસાર તે સંખ્યા 7 અને 8 હતી. એ જ રીતે એણે એવું કહ્યું હતું કે અર્જુને કર્ણના બધા સંબંધીઓને મિત્રો સાથે મારી નાખ્યા હતા. કર્ણના ભાઈઓ અને પુત્રોને અર્જુન, અભિમન્યુ, સાત્યકિ, નકુળ અને ભીમે માર્યા હતા.

એક સ્થાન પર સંજય કહે છે કે શિખંડીએ ભીષ્મનો વધ કર્યો છે અને બીજી એક જગ્યાએ તે કહે છે કે અર્જુને એમને માર્યા છે.

આ જાણીજોઇને બોલાયેલું જુઠાણું નહીં હોય, પરંતુ મિસ-રિપોર્ટિંગ હશે. આપણી ચેનલોએ આવી રીતે જ તો કરાચીને તબાહ કરી નાખ્યું હતું, ઇસ્લામાબાદ પર કબજો જમાવી દીધો હતો અને સેના અધ્યક્ષ અસિમ મુનિરને પાકિસ્તાન છોડાવી દીધું હતું. દેશ જ્યારે યુદ્ધ લડતો હોય ત્યારે પત્રકારોને પૂરી સચ્ચાઈ કહેવાની સ્વતંત્રતા ન હોય તે સમજી શકાય છે, પરંતુ
એમની પાસે જૂઠ નહીં કહેવાની સ્વતંત્રતા અને સાહસ તો હોવું જ જોઈએ.

આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : હવે સોશ્યલ મીડિયા કોઈ પણ દેશમાં ગૃહ યુદ્ધ ભડકાવી શકે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button