મિજાજ મસ્તી: એક ટાગોર આવા પણ… એક મહાન કવિની અનેક લહાન વાત…

-સંજય છેલ
ટાગોરની ટ્રેનમાં છેલ્લી તસવીર
ટાઇટલ્સ:
કવિ કવિતા લખે, મહાકવિ ઇતિહાસ રચે. (છેલવાણી)
એકવાર બ્રિટિશ પત્રકારે રવીન્દ્રનાથ ટાગોરને પૂછ્યું :
‘વિશ્વના મહાન કવિ તરીકે તમે કેવું અનુભવો છો? ’
ટાગોરે તરત હસીને કહ્યું:
‘હું વિશ્વનો મહાન કવિ છું કે નહીં એ તો નથી ખબર…પણ આ રૂમમાં તો ચોક્કસ મહાન કવિ છું!’
આપણે જેમને ‘શાંતિનિકેતન’ વિશ્વવિદ્યાલયના પ્રણેતા કે ‘ગીતાંજલિ’ કાવ્ય સંગ્રહ માટે નોબલ ઇનામ વિજેતા કે ભારત અને બાંગ્લાદેશ એમ બબ્બે દેશના રાષ્ટ્રગીતના સર્જક રૂપે ઓળખીએ છીએ. એવા ગુરુદેવની આ મહિનાની 7 તારીખે 165મી જન્મ-જયંતી હતી.
ટાગોર ભલે ગંભીર લખતા, પણ સતત સોગિયું ડાચું લઇને નહોતા ફરતા. આપણે ત્યાં તો પાર્ટ-ટાઇમ કવિઓ ફૂલ-ટાઇમ ગંભીરતાનો ઝભ્ભો પહેરીને ફરતા હોય છે, પણ આ મહાકવિ તો દુનિયા કે ખુદ પર પણ હસી લેતા. ત્યાં સુધી કે હળવી હાજર જવાબીમાં એમણે ગાંધીજીને પણ છોડ્યા નહોતા.
એકવાર ગાંધીજી શાંતિનિકેતન ગયેલા ત્યારે ટાગોરને ટપારેલા કે ‘જમવાનું પીરસવામાં ને સાથે બેસીને જમવામાં જાતિભેદ ના હોવો જોઇએ. નોકરોની મદદ વિના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રસોઇથી માંડીને બધાં જ કામ જાતે કરવા જોઇએ…..’ ત્યારે ટાગોરે આખી વાત પર હસી નાખીને કહેલું : ‘હું પોતે જાતિભેદમાં નથી માનતો, પણ વિદ્યાર્થીઓ એમની મરજી વિરુદ્ધ કોઇ પણ વાત સ્વીકારે એ માટે હું એમના પર જબરદસ્તી ના કરી શકું, કારણ કે આ હોસ્ટેલ છે, તમારો આશ્રમ નથી! ’
કેટલાંને ખબર છે કે ટાગોરે અદ્ભુત હાસ્ય-વાર્તાઓ પણ લખી છે? સદીઓથી લોકો ભગવાને બનાવેલી દુનિયામાં વાતે વાતે વાંધા કાઢતા હોય છે એટલે ટાગોરની ‘દેવતાના રાજીનામાં’ વ્યંગકથામાં બધા દેવતા કંટાળીને નોકરી છોડવાનું નક્કી કરે છે, જેમ કે યમરાજે કહ્યું : ‘આજ સુધી હું જ મૃત્યલોકમાં સૌથી મોટા ભયનું કારણ હતો, પણ હવે મારા કરતાં ય વધારે ભયજનક પ્રાણીઓ પેદા થઈ ગયા છે. એટલે મારો ‘યમ-દંડ ’ પોલીસોને સોંપીને આજથી રાજીનામું આપું છું….’
આ પણ વાંચો…મિજાજ મસ્તી : જીવન નામે ચમત્કાર….. આ દુનિયામાં છે એક અજીબ દુનિયા !
વરૂણ દેવે આંસુ વહાવીને કહ્યું : ‘બાટલી-વાહિની વારુણીએ (દારૂએ) મારું પત્તું કાપી નાખવાનો સંકલ્પ કર્યો છે એટલે સમયસર માન જાળવીને ખસી જાઉં એ જ ઠીક છે!’
વાયુએ કહ્યું : ‘દુનિયામાં અત્યારે આઠે ય દિશામાંથી હજાર જાતના વાયુ (પ્રદૂષણ) વાય છે એટલે હવે હું આરામ લઈશ!’
ચંદ્રમાએ કહ્યું : ‘પૃથ્વીલોકમાં કવિઓ પોતાની પ્રેમિકાનાં પગના નખને મારા કરતાં વધુ મહત્ત્વ આપે છે એટલે જ્યાં સુધી કવિ રમણીભવનમાં પાદુકાનો સંપૂર્ણ પ્રચાર ન થાય ત્યાં સુધી હું અંત:પુર(મહેલ)માંથી બહાર નીકળીશ નહીં.’
…તો એક ટાગોર આવા પણ હતા.
ઇન્ટરવલ:
છૂ કર, મેરે મન કો,
કિયા તુંને, ક્યા ઇશારા?
(રવીન્દ્ર-સંગીતવાળું ફિલ્મ ગીત)
1932માં ગાંધીજીએ અત્યંત નિરાશ અવસ્થામાં યરવડા જેલમાં ઉપવાસ આદરેલા. ત્યારે 72 વરસે છેક કોલકતાથી વૃદ્ધ ટાગોરે બાપુને હિંમત આપવા આવેલા ને અશ્રુભીની આંખે ગીત ગાયેલું:
જીવન જ્યારે સૂકાઇ જાયે,
કરુણાં વર્ષંતા આવો!
જોકે, એ જ ટાગોર-ગાંધી વચ્ચે ‘અહિંસા’ કે ‘સ્વદેશી’ વગેરેને લઇને સતત ટકરાવ પણ ચાલતો. એકવાર સાબરમતી આશ્રમમાં ટાગોર પહોંચ્યા ત્યારે ગાંધીજી હાજર નહોતા. ત્યારે એક યુવાન છોકરો, ટાગોરને આવકારવા આવ્યો ને એણે સ્વાવલંબન ને બ્રિટિશ શાસન સામે ‘પ્રતિકારના પ્રતીકાત્મક કાર્ય’ તરીકે ટાગોરને ચરખો કાંતવા માટે કહ્યું. ટાગોરે ના પાડી, કારણ કે એક રસિક રસકવિ તરીકે ગાંધીજીના આવા ‘ચરખા કાંતવાના આગ્રહ’ની વાત એમને બહુ જ બકવાસ-
બોરિંગ અને વિકાસને પાછળ ધકેલનારી પ્રવૃત્તિ લાગતી, જેની જાહેરમાં એમણે ટીકા પણ કરેલી, પરંતુ ન જાણે કેમ એ દિવસે છોકરા પાસે ટાગોર પીગળી ગયા. જેમ જેમ એમણે ચરખો કાંતવાનો શરૂ કર્યો કે એ પ્રક્રિયા એમને ધ્યાનસ્થ કરતી શાંતિપૂર્ણ લાગી.
આ પણ વાંચો…મિજાજ મસ્તી: ‘મા’ નામે મહાકથા… કોમળ-કુનેહબાજ ને ક્રાંતિકારી
આ જાણીને ગાંધીજીએ કહ્યું : ‘ગુરુદેવ, તમારે રોજ ચરખો કાંતવો જોઇએ…’ ત્યારે ટાગોરે હસીને માર્મિક ચાબખો માર્યો :
‘મહાત્મા, તમે જ્યારે રોજ એક કવિતા લખશો ત્યારે હું પણ રોજ ચરખો કાંતવાનું શરૂ કરીશ! ’
‘કાબુલીવાલા’ કે ‘ડાકઘર’ જેવી સંવેદનાપૂર્ણ કૃતિઓના ધીર-ગંભીર લેખક ટાગોર રમૂજી નાટક ‘વિદ્યાર્થીની પરીક્ષા’માં ઊંડાણવાળો અવો વ્યંગ કરે છે:
શિક્ષક: ઇતિહાસમાં સિરાજ-ઉ-દૌલાને કોણે ખતમ કર્યો?
બાળક: ઊધઇએ! (માસ્તર, એને સોટી મારે)
સાહેબ, ખરેખર! એકલો સિરાજ-
ઉ-દૌલા જ નહીં, પણ આખે આખો ઇતિહાસ જ ઊધઇએ ખતમ કર્યો છેને?! ’
બીજી તરફ, વળી ટાગોર ‘પોપટની વાર્તા’માં જાણે પોતે કોઇ બીજા જ લેખકનું રૂપ ધારણ કરીને લખે છે કે:
એક શેઠ, પોપટ ખરીદીને લાવે છે ને એને બોલવાની તાલીમ આપવા માટે ખાસ ટ્રેનર રાખે છે. ટ્રેનર દિવસો સુધી પોપટને બોલતા શીખવે છે, પણ પોપટ તો બોલે જ નહીં. હવે શેઠ અકળાય છે ત્યારે ટ્રેનર એમને કહે છે કે ‘પોપટને થોડા દિવસ એકલો રૂમમાં પૂરી રાખો…’ તો ક્યારેક કહે છે કે ‘પોપટ બહુ જિદ્દી છે, જલદી નહીં માને ’..વગેરે વગેરે.. છેવટે શેઠ ગુસ્સામાં પોપટને જાનથી મારવા જાય છે
ત્યારે ટ્રેનર શેઠને રોકીને કહે છે : ‘પોપટને મારશો નહીં, મારામાં જ કોઇ ખામી હશે.’
હવે ગુસ્સામાં શેઠ પેલા ટ્રેનરને મારવા જાય છે ત્યારે પોપટ પહેલીવાર બોલી પડે છે:
‘શેઠ, એ બિચારાને મારતા નહીં. એણે તો બહુ કોશિશ કરી પણ શું છે કે હું જ બોલવાના મૂડમાં નહોતો! ’
અહીં ટાગોર બહુ સ્માર્ટલી-સિફતથી કહે છે કે કોઇને બદલવાનો કે સુધારવાનો પરાણે પ્રયત્ન કરવો નહીં…‘
જુઓને, ‘જનગણમન’ ચડે કે ‘વંદેમાતરમ’ જેવી ચર્ચા કરવામાંથી આપણે હજી યે આટલાં વરસે પણ સુધર્યાં છીએ?!
કહે છે એક માણસની અંદર બે-ચાર માણસ વસે છે તો ટાગોર જેવી હસ્તીમાં કંઇ કેટલાં સેંકડો ટાગોર વસતા હશે! શતખંડમાંના કેટલા ખંડને આપણે સમજી શક્યા છીએ?
એન્ડ-ટાઈટલ્સ:
આદમ: જોગિંગ કરવા આવવું છે?
ઈવ: એકલો જાને રે..
આ પણ વાંચો…મિજાજ મસ્તી : અલગ અવતરણ ગંગા….‘શબ્દો મેં ડૂબ ગયા સો પાર’