એસ જયશંકરે મુનીરને ‘કટ્ટરપંથી’ કહ્યા, ટ્રમ્પના દાવાને પણ ફગાવ્યા; કાશ્મીર મુદ્દે પણ સ્પષ્ટતા

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશ સિંદૂર અંગે ભારત પોતાના પક્ષ વિવિધ મંચ અને માધ્યમો મારફતે સ્પષ્ટ કરી રહ્યું છે. એવામાં વિદેશ પ્રધાન એસ જયશંકર(S Jaishankar)એ એક ઈન્ટરવ્યુંમાં પાકિસ્તાન અને તેના આર્મી ચીફ આસિફ મુનીર (Asif Munir) પર આકરા પ્રહાર કર્યા હતાં. આ ઉપરાંત યુદ્ધ વિરામ કરાવવા અંગે યુએસની ભૂમિકા અંગે ટ્રમ્પના દાવાને પણ એસ જયશંકરે ફગાવી દીધા હતાં.
નેધરલેન્ડની એક ન્યુ ચેનલ NOS સાથેના એક ઈન્ટરવ્યું દરમિયાન જયશંકરે જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ સ્ટેટ પોલિસી તરીકે કરી રહ્યું છે, ભારત લાંબા સમયથી તેની સામે વાંધો ઉઠાવી રહ્યું છે. ભારતને આવા જોખમોનો નિર્ણાયક જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.
આ પણ વાંચો: અમેરિકાના પાકિસ્તાન તરફી નરમ વલણ મુદ્દે મોટો ખુલાસો, ડોનાલ્ડ ટ્રમ્પ અને અસીમ મુનીરની સિક્રેટ ડીલ ચર્ચામાં
પહલગામ હુમલાનો હેતુ:
જયશંકરે કહ્યું,”છવીસ લોકોની તેમના પરિવારોની સામે તેમના ધર્મની ખાતરી કર્યા પછી હત્યા કરવામાં આવી હતી. આ કાશ્મીરના અર્થતંત્રનો મુખ્ય આધાર એવા પર્યટનને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યું હતું.”
અસીફ મુનીર ‘ધાર્મિક કટ્ટરપંથી’:
પહલગામ હુમલા વિષે માહિતી આપતા વિદેશ પ્રધાને કહ્યું, “હુમલા પાછળના પરિબળો સમજવા માટે, તમારે પાકિસ્તાની બાજુ જોવું પડશે. ખાસ કરીને તેમના આર્મી ચીફ તરફ, જે આત્યંતિક ધાર્મિક કટ્ટરવાદથી પ્રેરિત છે. તેમણે અગાઉ આપેલા નિવેદનો અને આ હુમલો કરવાની રીત વચ્ચે સ્પષ્ટપણે કંઈક કનેક્શન છે.”
નોંધનીય છે કે પહેલગામ હુમલાના થોડા દિવસો પહેલા, આસિફ મુનીરે પાકિસ્તાનના નિર્માણનો વૈચારિક આધાર ‘દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત’ હોવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોને તેમના બાળકોને શુખાવવું જોઈએ કે તેઓ “હિંદુઓથી અલગ” છે. તેમણે કાશ્મીર મુદ્દાને પાકિસ્તાનની “ગળાની નસ” પણ ગણાવી હતી.
આ પણ વાંચો: ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની બઢતી બાદ પાકિસ્તાની સેનાના સૂર બદલાયા, ભારતને યુદ્ધની ધમકી
આતંકવાદ સહન કરવામાં નહીં આવે:
જયશંકરે કહ્યું ઓપરેશન સિંદૂર અંગે કહ્યું કે, “આ ઓપરેશન ચાલુ રહેશે કારણ કે એ ઓપરેશનમાં એક સ્પષ્ટ સંદેશ છે – જો 22 એપ્રિલ જેવો હુમલો થશે, તો વળતો જવાબ આપવામાં આવશે. અમે આતંકવાદીઓ પર પ્રહાર કરીશું. જો આતંકવાદીઓ પાકિસ્તાનમાં હશે, તો અમે તેમને જ્યાં હશે ત્યાં તેનો નાશ કરીશું.”
ટ્રમ્પના દાવા ફગાવ્યા:
આ સાથે જયશંકરે વધુ એક વાર સ્પષ્ટતા કરી કે 10 મેના રોજ હોટલાઇન કમ્યુનિકેશન દ્વારા પાકિસ્તાની સૈન્ય તરફથી યુદ્ધવિરામની માંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, “પાકિસ્તાની સેનાએ જ સંદેશ આપ્યો હતો કે તેઓ હુમલો બંધ કરવા માટે તૈયાર છે, અને અમે તે મુજબ જવાબ આપ્યો હતો.”
જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવતા વધુ એક વાર જણાવ્યું જે યુદ્ધવિરામનો નિર્ણય ફક્ત ભારત અને પાક્સિતાન વચ્ચે સીધી વાતચીત દ્વારા લેવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું.”અમે અમારી સાથે વાત કરનારા દરેકને, ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ જ નહીં, પરંતુ દરેકને એક વાત ખૂબ જ સ્પષ્ટ કરી દીધી હતી કે, કે જો પાકિસ્તાનીઓ લડાઈ બંધ કરવા માંગતા હોય, તો પાકિસ્તાને સીધું અમને કહેવાની જરૂર છે. અમારે પાકિસ્તાન પાસેથી આ સાંભળવું હતું. તેમના જનરલે અમારા જનરલને ફોન કરીને આ કહેવું પડે એમ હતું અને એમ જ થયું. આ અમારા અને પાકિસ્તાનીઓ વચ્ચેનો મામલો છે. અમે તેને દ્વિપક્ષીય રીતે ઉકેલવા ઈચ્છીએ છીએ.”
તેમણે એ વાતની પણ પુષ્ટિ કરી કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની ભૂમિકા ચિંતા વ્યક્ત કરવા પૂરતી મર્યાદિત રહી હતી.
કાશ્મીર ભારતનો ભાગ છે:
જયશંકરે કાશ્મીર વિષે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું, “કાશ્મીર ભારતનો ભાગ છે. કોઈ પણ દેશ તેના પ્રદેશ અંગે બાંધછોડ કરતો નથી. કાશ્મીરનો એક ભાગ 1947-48 થી પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. અમે તેમની સાથે ચર્ચા કરવા માંગીએ છીએ કે તેઓ ક્યારે તે ભાગ છોડવાનો પ્રસ્તાવ મૂકે છે.”
તેમણે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે જમ્મુ અને કાશ્મીરમાં LoC અથવા શાસન માળખા પર ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું, “આ એક ગંભીર ચર્ચા છે. આ એવી બાબત છે જે અમારા અને પાકિસ્તાન સરકાર વચ્ચે થવાની જરૂર છે. પરંતુ અમે અમારા પ્રદેશ અંગે કોઈ બાંધછોડ કરીશું નહીં.”