ભુજ

ગૃહિણીનું વશીકરણ કરીને સોનાની લૂંટ ચલાવનાર બાવાઓની ત્રિપુટી અંજારથી ઝડપાઈ

ભુજઃ ગાંધીધામ શહેરના ટીમ્બર વેપારીની ધાર્મિક વૃત્તિ ધરાવતી પત્ની પાસે ધાર્મિક વિધિ કરવાનું તરકટ રચી, વશીકરણ કરીને ૩૬ તોલા સોનાના ઘરેણાં કપટપૂર્વક સેરવી નાસી ગયેલા અંજારના મિંદીયાળા ગામે ઝૂંપડામાં રહેતાં મૂળ ભચાઉના વાદીનગરના ત્રણની સ્થાનિક ગુન્હાશોધક શાખાએ ધરપકડ કરી, સોનાના દાગીના સાથે ગુનામાં વપરાયેલાં માલ-સામાનને કબજે કર્યાં છે.

ગત શનિવારે બપોરે ગાંધીધામના વોર્ડ ૭-ડીમાં રહેતા દિનેશ ભાણજી પટેલના ઘરે અજાણ્યો બાવો પાણી પીવાના નામે આવ્યો હતો.

આપણ વાંચો: ગાંધીનગરમાં સાધુના વેશમાં લોકોને છેતરતી ગેંગ ફરી થઈ સક્રિય, મહિલાને બનાવી નિશાન

પાણી આપવા બહાર ગયેલાં અને ઘરે એકલાં રહેલાં ગીતાબેનની કમરે મેડિકેટેડ બેલ્ટ પહેરેલો જોઈને બાવાએ તેમને શરીરમાંથી નડતર દૂર કરી આપવાની વિધિ કરી આપવાનું જણાવ્યું હતું અને ગીતાબેનની બાવાએ ફોન પર તેના કહેવાતા ગુરુ સાથે વાત કરાવી જેમાં ગુરુએ આ વિધિ બાદ શરીરમાંથી નડતર દૂર થઈ જશે તેવી બાહેંધરી આપી હતી.

ઘરમાં પ્રવેશેલા અજાણ્યા બાવાએ પહેલા પાણી ભરેલો ગ્લાસ મંગાવ્યો, પછી તંત્ર- મંત્ર ફૂંકીને તે પાણી ગીતાબેન પર છાંટીને ‘તમારા ઘરમાં ખોટાં સમયે સોનાના દાગીના આવી ગયાં છે.

તેનું તાત્કાલિક શુધ્ધિકરણ કરવું પડશે’ કહીને ઘરેણાંને માટલાંમાં લઈ આવવા કહ્યું હતું. આ સમયે વશીકરણમાં આવી ગયેલાં ગીતાબેને તમામ દર—દાગીના માટલાંમાં ભરીને બાવાને સોંપી દીધા હતા.

આપણ વાંચો: ગાંધીધામમાં પાણી પીવાના બહાને આવેલો બાવો 14 લાખના દાગીના લઈ ફરાર

ત્યારબાદ ધાર્મિક વિધિ કરવાના રચેલાં નાટક દરમ્યાન છળકપટ પૂર્વક માટલાંમાં રહેલા ૩૬ તોલા સોનાના ઘરેણાં લઈને ઘરમાંથી ચાલ્યો ગયો હતો. ગીતાબેને અર્ધ બેભાન અવસ્થામાં પતિને ફોન પર જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે બાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારે આરોપીઓને દબોચી લેવા માટે સ્થાનિક ગુન્હાશોધક શાખાની વિવિધ ટુકડીઓનું ગઠન કર્યું હતું. આ ટુકડીએ ગાંધીધામ અને તેની આસપાસના વિસ્તારોમાં લાગેલાં સીસીટીવી ફૂટેજ ખંગાળવાનું શરૂ કરી દીધું હતું.

આપણ વાંચો: -તો ગર્લ ફ્રેન્ડ રિસાઈ ન હોત .!

બાવાનો પહેરવેશ, બોલચાલ, આવવા જવાના રૂટ પરથી એલસીબીની ટુકડીઓએ ગણતરીના કલાકોમાં જ બાવો બનનાર તૂફાનનાથ ઊર્ફે શેતાનનાથ મીરકાનાથ વાદી, તેનો ગુરુ બનનાર જુલાનાથ રુમાલનાથ વાદી અને ગુનામાં મદદગારી કરનાર દેવનાથ પોપટનાથ વાદી (રહે. ત્રણે મૂળ વાદીનગર, ભચાઉ)નો પગેરું દબાવીને અંજાર તાલુકાના મિંદીયાળા ગામના નિર્જન સીમાડામાંથી ઝડપી પાડ્યાં હતા.

અંજારના પી.આઈ એન.એન.ચુડાસમાએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં ૧૪.૪૦ લાખના દાગીના લઇ જવાયા હોવાનું લખાવાયું હતું પરંતુ તેમના કબજામાંથી કુલ ૨૧.૪૬ લાખના દાગીના રીકવર કરવામાં આવ્યાની સાથે ગુનામાં વપરાયેલાં ત્રણ મોબાઈલ ફોન, એક નંબર પ્લેટ વગરની મોટર સાયકલ, સાધુના ઉપયોગમાં લેવાતું કમંડલ, મંત્ર-તંત્રની ચોપડીઓ,સંભવિત ઘેન ભેળવેલી ભભૂત, માળાઓ પણ કબજે કર્યાં છે.

આ લોકો સાધુનો સ્વાંગ સજીને શહેરો ગામડાંમાં રહેતી એકલા-દોકલ મહિલાઓને વિશ્વાસમાં લઈ ધાર્મિક વિધિ કરવાના બહાને ઠગાઈ કરતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button