-તો ગર્લ ફ્રેન્ડ રિસાઈ ન હોત .!
ઊડતી વાત – ભરત વૈષ્ણવ
‘ગિરધરભાઇ, તમે શું માનો છો?’
રાજુ રદીએ કૂર્દ લડવૈયાની જેમ સવાલની મિસાઈલ ફેંકી. હું ગળગળો થઇ ગયો.આટલી જીંદગીમાં કોઈએ હું શું માનું છું એમ પૂછયું ન હતું. આજે રાજુ રદીએ વેશ કાઢ્યો હતો.મોટા મણકા, હીરા, માણેક, પોખરાજ, સ્ટોન, પથ્થર,અકીકની નાની- મોટી સાઇઝની ચાર- પાંચ માળા ધારણ કરેલી . લાંબા વાળની પોની વાળેલી. વાળના આંગળના ભાગે હેરહેન્ડ ભરાવેલી. આંખમાં કાજળના લપેડા. કોઇ તાંત્રિકની જેમ ભસ્મથી ભાલ પ્રદેશના છેડાથી બીજા છેડા સુધી ત્રિ-લેન
હાઇ વેની જેમ ત્રિપુંડ તાણેલું. રાજુએ હાથમાં રુદ્રાક્ષના બાજુ બંધ અને બેરખા ધારણ કરેલા.
હાથમાં ખોપરી અને હાડકાં રાખેલા નહીં એ એનો ઉપકાર.
રાજુ, માનવાનું એવું છે કે હું જે માનું છું એ તારી ભાભી માનતી નથી અને એ માને છે તે હું દિલથી માનતો નથી, છતાં એના ખૌફથી માનું છું, જે મને ફાવતું નથી.’
રાજુ વિસ્ફારિત નયનથી હું જાણે કોઇ યુએફઓ એટલે કે ઉડતી રકાબી કે એલિયન હોઉં તેમ મને નિરખતો રહ્યો. ગિરધરભાઈ, ‘મંત્ર,તંત્ર,તાંત્રિક , બાબાઓ વિશે તમે શું માનો છો?’રાજુએ સંવાદદાતાની માફક મને પ્રશ્ર કર્યો ‘રાજુ તાંત્રિક તમામ સમસ્યાના ઉકેલની ૧૦૧ % થી લઈને ૧૫૦% ગેરંટી આપતા હોય છે.’ મે હલફનામુ પેશ કર્યું. ‘હમ્મ્મ’ રાજુએ દસશેરિયો હલાવ્યો.
‘એ તમામ ગોલ્ડ મેડાલિસ્ટ હોવાનો દાવો કરતા હોય છે. ઓલિમ્પિક,પેરા ઓલિમ્પિક કે વિન્ટર ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ એમ ત્રણ મેડલ આપવામાં આવે છે. આપણા દેશની કોઈ યુનિવર્સિટી કે કોલેજમાં બેચરલ ઓફ તાંત્રિકના ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ કે સ્મશાનલાઇન કોર્સ ચાલતા નથી તો આવા બધા તાંત્રિકો ગોલ્ડ મેડલ ઝુમરી તલૈયાથી લાવતા હશે કે શું?’ મેં રાજુને પૂછયું
‘ગિરધરભાઇ, તમારો આ પ્રશ્ર વેલિડ ને સોલિડ છે’ રાજુબાબા ઉવાચ .
‘લેણદાર પાસેથી પોતાના સો રૂપિયા વરસોથી કઢાવી ન શકે, ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસનો પંદર વરસથી નિકાલ થતો ન હોય, છોકરી તો શું ડોસી પટાવી ન શકે, બૈરીના વેલણથી બચી શકતા ન હોય એવા કેટલાક તાંત્રિકો છાપામાં લગ્ન, વશીકરણ, મુઠ મારવા, મુઠના વશીકરણ, પ્રેમિકા પટાવવા, નોકરી, પ્રમોશન વગેરેની ગેરંટી આપે છે’ મેં મારું અર્ધદગ્ધ જ્ઞાન લાંબુલચક ભાષણ સ્વરૂપે રાજુના કાનમાં ઠાલવ્યું.
‘ગિરધરભાઇ, આપણા શાસ્ત્રોમાં મંત્ર- તંત્ર વિદ્યાની વાતો લખાઈ છે. બૌદ્ધ ધર્મમાં તંત્રનો અભ્યાસ કરતો પંથ છે. સાધક કર્ણ પિશાચીની સાધના સિધ્ધ કરે તો વ્યક્તિના ભૂતકાળની વિગતો પિશાચ કાનમાં કહી જાય! તે ભવિષ્ય ભાખી શકે નહીં.’ રાજુએ સ્મરણ મંજૂષામાંથી જ્ઞાન ઠાલવ્યું.
‘રાજુ , મને એક વાત કહે કે આ તાંત્રિકો શહેરમાં આવે એની વર્તમાનપત્રોમાં ટચુકડી જાહેરાત આવે એમાં એનું રહેવાનું સ્થળ હોટલ કે ગેસ્ટહાઉસ કેમ હોય છે?’
અરે, એમણે તો લખવું જોઇએ કે હનુમાન ભક્ત કે મા અંબાના પરમ ભક્ત ‘અ’ કે ‘બ’ બાબા અમદાવાદની મુલાકાત દરમિયાન દૂધેશ્ર્વર કે સપ્તર્ષિના સ્મશાને ભક્તોને મળશે. તો અડધી પબ્લિક તો ડરની મારી આવશે નહીં. રાજુએ આઇડિયા નંબર વન જાહેર કર્યો. અને એ પછી રાજુએ મને એક સમાચાર સંભળાવ્યા:
‘રિસાયેલી ગર્લ ફ્રેન્ડને મનાવવાના ચક્કરમાં કાપડના વેપારી પાસેથી તાંત્રિક ઠગ ટોળકીએ ટુકડે ટુકડે રૂપિયા ૪૩.૪૫ લાખ પડાવ્યા .’
‘રાજુ, એ વેપારી અમદાવાદનો નહીં હોય.’ મે નિષ્ણાતની છટાથી કહ્યું.
‘તમે એવું શેના પરથી કહો છો?’ રાજુ જળોની જેમ મને ચોંટ્યો .
‘રાજુ , એ વેપારી સાવ કરતાં સાવ અક્કલમઠ્ઠો કહેવાય. એણે જેટલા રૂપિયા તાંત્રિક પાછળ વાપર્યા તેના અડધા રૂપિયા ગર્લ ફ્રેન્ડને ગિફટ આપવા, શોપિંગ કરાવવા, લોંગ ડ્રાઇવ કરાવવા કે લંચ- ડિનર માટે ખર્ચ કર્યા હોત તો ગર્લફ્રેન્ડ કદી રિસાઇ ન હોત અને એને પરણીને એના બચ્ચાઓની મમ્મા બની ગઇ હોત .’મેં રાજુને તાંત્રિક પુરાણમાંથી વિપરીત વ્યવહારિક જ્ઞાન પીરસ્યું.
‘હેએએ’ એમ આશ્રર્યોદગાર કરીને રાજુએ તાંત્રિકની જેમ ભાગતા પગે વિદાય લીધી.