ભુજ

સરહદી કચ્છમાં તંત્રની સતર્કતા: મેઘપરમાંથી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ

ભુજ: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકીઓએ કરેલા હુમલાનો જવાબ આપવા માટે ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર અંતર્ગત સતર્ક બનેલી દેશની સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશમાં વર્ષોથી ગેરકાયેદેસર રીતે વસવાટ કરી રહેલા બાંગ્લાદેશી-પાકિસ્તાની નાગરિકોને ટ્રેસ કરી, તેમને ડિપોર્ટ કરાઈ રહ્યા છે.

આ વચ્ચે કચ્છમાં અનઅધિકૃત રીતે વસવાટ કરતા બાંગલાદેશી નાગરિકોને ટ્રેસ કરી રહેલાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની શિવ સોસાયટીમાંથી ત્રણ બાંગલાદેશી મહિલાઓને ઝડપી, તેમને પરત બાંગ્લાદેશ મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આપણ વાંચો: પહેલગામ આતંકી હુમલા કેસમાં થયો આ મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓ તપાસ તેજ કરી

ત્રણ શંકાસ્પદ લાગતી મહિલાઓ રહેવા આવી

આ કાર્યવાહી અંગે અંજાર વિસ્તારના પી.આઈ એ.આર ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મેઘપર બોરીચીની શિવ સોસાયટીના એક મકાનમાં છેલ્લા કેટલાક દિવસથી ત્રણ શંકાસ્પદ લાગતી મહિલાઓ રહેવા આવી હોવા અંગે જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવેલી પૂર્વ બાતમીના આધારે મકાન પર દરોડો પાડીને બાંગલાદેશના જુદા જુદા પ્રાંતની રીટા અખ્તર અલનુર સામિયા, ટુમ્પા ખાતુન એલીબોક્સ સરદાર (મુસ્લિમ) તથા હાસના ખાતુન મોહમદ કરીમ મલિક નામની મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આપણ વાંચો: પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી, મહિલાના નિવેદન બાદ ખચ્ચર માલિકની ધરપકડ…

મુંબઇથી અમદાવાદ આવી ત્યાંથી કચ્છ પહોંચી

તેમના આધાર-પુરાવાની તપાસ કરાતાં તેઓ બાંગલાદેશી નાગરિક હોવાનું બહાર આવ્યું હતું. ગમે તે રીતે આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને તેઓ પહેલાં મુંબઇ પહોંચી હતી, ત્યાં થોડો સમય રહ્યા બાદ અમદાવાદ આવી હતી.

ત્યાં પણ થોડો સમય વીતાવીને કેટલાક દિવસથી કચ્છના મેઘપર કુંભારડીમાં આવીને મજૂરીકામ કરીને પેટિયું રળતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. હાલે તેઓની સઘન પૂછતાછ ચાલી રહી હોવાનું એ.આર ગોહિલે ઉમેર્યું હતું.

બાંગલાદેશી મહિલાઓ ઝડપાતાં તંત્ર સતર્ક
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે મુંદરામાંથી આઠ જયારે ગાંધીધામ શહેરમાં બે સ્પા સેન્ટરોમાંથી ત્રણ બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમજ ભચાઉ તાલુકાના ચોપડવા નજીક આવેલા લાકડાંના બેન્સામાં રહી કામ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોર પકડાઈ ચુક્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તાઈ રહેલા તનાવપૂર્ણ માહોલ વચ્ચે કચ્છ જેવા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તારમાંથી ત્રણ-ત્રણ બાંગલાદેશી મહિલાઓ ઝડપાતાં સુરક્ષા તંત્ર વધુ સતર્ક બન્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button