ધર્મતેજ

ફોકસ: કુમારપાળને જીવન પર્યંત માંસાહાર ને મદિરાપાન છોડવાની આજ્ઞા મળી…

-ભારતી શાહ

(ગતાંકથી ચાલુ)
જે રીતે મહાવીર અને ગૌતમ, કૃષ્ણ અને અર્જુન, રામ અને હનુમાનની જોડી હતી તેવી જ રીતે સર્વજ્ઞ કલિકાલ હેમચંદ્રાચાર્ય અને કુમારપાળની જોડી બંધાઈ ગઈ હતી એટલું જ નહીં પણ વિશ્ર્વમાં અમર થઈ ગઈ છે. વિ. સંવત 1199 આવતાં કુમારપાળ પાટણ આવી પહોંચ્યા. તેમની બહેન પ્રેમલદેવીના ઘરે રહ્યા. બનેવી કૃષ્ણદેવે તેને યોગ્ય સન્માન સાથે સાચવ્યા. કુમારપાળના પાટણ આવ્યા બાદ સાતમાં દિવસે જ સિદ્ધરાજનું મૃત્યુ થયું અને માગસર વદ 4નાં દિવસે સર્વાનુમતિથી કુમારપાળનો રાજ્યાભિષેક થયો. આ સમાચાર ખંભાતમાં મળતા પૂ. ગુરુદેવ પણ વિહાર કરીને રાજા કુમારપાળે ભગવાન સોમનાથનું કાષ્ટ મંદિરનો ર્જીણોધ્ધાર કરાવ્યો ને કામમાં કોઈ વિઘ્ન ન આવે અને કામ જલ્દી પૂરું થાય તે માટે શ્રી હેમચંદ્રાચાર્યએ તેને બે પ્રતિજ્ઞા આવી વ્રત પાલન કરવા કહ્યું,

‘તું માંસાહાર જીવન પર્યંત નહીં કરે અને મદિરાપાન છોડી દેવાની આજ્ઞા આપી.’ બે વર્ષનાં અંતે સોમનાથ મહાદેવનું મંદિર બંધાઈ જતાં કુમારપાળે તેમને દર્શન કરવા પધારવા વિનંતી કરી. ગુરુદેવે વિનંતીનો સ્વીકાર કરતાં કુમારપાળના રોમે રોમ નાચી ઉઠ્યા. ગુરુદેવે બે હાથ જોડી, નત મસ્તકે સ્તુતિ કરી, જેઓના રાગ-દ્વેશ નાશ પામી ગયા છે તેવા બ્રહ્મા હોય કે વિષ્ણુ હોય કે મહાદેવ હોય, તેમને હું વંદન કરું છું. સ્તુતિ સાંભળી રાજા નાચી ઉઠ્યો. ગુરુદેવને પૂછ્યું: ‘એવો કયો ધર્મ છે અને એવા કયા દેવ છે કે જે મને મોક્ષ અપાવી શકે?’ ગુરુદેવ રાજાને હાથ પકડી ગર્ભગૃહની અંદર લઈ ગયા અને કહ્યું: ‘જો હું તમને આ દેવનાં પ્રત્યક્ષ દર્શન કરાવું, તે દેવ જેમ કહે તેમ તેની ઉપાસના તમારે કરવી. એમ કહીને ગુરુદેવે કુમારપાળને જણાવ્યું કે જ્યાં સુધી હવે શંકર ભગવાન પ્રગટ ન થાય ત્યાં સુધી તારે ધૂપદાનીમાં સુગંધી ધૂપ નાખ્યા કરવાનો.’

આમ કહી ગુરુદેવ પાટણ આવ્યાં. કુમારપાળે નમીને વંદના કરી અને ત્રણ-ત્રણ વખત પ્રાણ બચાવવા બદલ આખું રાજ્ય તમે સ્વીકારો એવો આગ્રહ હેમચંદ્રાચાર્યને કર્યો. હેમચંદ્રાચાર્યએ જૈન સાધુના આચાર સમજાવ્યા અને તું તારું આત્મકલ્યાણ કર, તે માટે જિનેશ્ર્વર ભગવંતનો ધર્મ સ્વીકારવા કહ્યું. કુમારપાળે સમંતિ આપતા કહ્યું, ‘આપના સતત સાંનિધ્યમાં રહી હું કંઈક તત્ત્વ પ્રાપ્તિ કરી શકીશ.’

ગુરુદેવે ગર્ભદ્વાર બંધ કર્યું. આચાર્ય શ્રી અને કુમારપાળ બંને અંદર છે. ધૂપના ગોટેગોટાથી આખો ગભારો ભરાઈ ગયો. ઘીના દીવાઓ ઓલવાઈ ગયા ત્યાં ધીરે ધીરે શંકર ભગવાનના લિંગમાંથી પ્રકાશ ફૂટવા લાગ્યો અને એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. સુર્વણ જેવી કાયા, માથે જટા, જટામાંથી વહેતી ગંગા અને ઉપર ચંદ્રકળા. કુમારપાળ તો અવાચક બની ગયા પોતાના હાથ ફેરવીને તપાસી લીધું કે, ‘આ જ શંકર દેવતા છે અને જમીન ઉપર પોતાના પાંચ અંગ અડાડી પ્રણામ કર્યો.’

પ્રાર્થના કરી: ‘હે! જગદીશ આપનાં દર્શનથી હું પાવન થયો છું, મારા ઉપકારી ગુરુદેવના ધ્યાનથી આપે મને દર્શન દીધાં છે, મારો આત્મા હર્ષથી નાચી ઉઠ્યો છે.

ભગવાન સોમનાથનો ધ્વની મંદિરમાં ગૂંજી ઊઠયો. કુમારપાળ મોક્ષ અપાવનાર ધર્મ જો તું ઈચ્છતો હોય તો આ સાક્ષાત, પરબ્રહ્મ જેવા સૂરિશ્ર્વરની સેવા કર. સર્વ દેવોના અવતાર રૂપ, સર્વશાસ્ત્રોના પારગામી, ત્રણે કાળના સ્વરૂપને જાણનારા
એવા આ હેમચંદ્રસૂરીની દરેક આજ્ઞાને પાળજે. જેથી તારી બધી મનોકામના ફળીભૂત થશે. આટલું કહીને શંકર સ્વપ્નની જેમ અદ્રશ્ય થઈ ગયા. કુમારપાળ તો હેમચંદ્રાચાર્યનાં ચરણોમાં પડી ગયો, અને નાભિના નાદપૂર્વક કબૂલાત કરી કે: નહે! ગુરુદેવ આજે આપના પ્રત્યેના મારાં તમામ સંશયો ઓગળી ગયા છે. જીવનપર્યંત માટે હવે આપ જ મારા ગુરુ છો. માર્ગ દાતા છો. આપ કહો તે ધર્મ જ મારું સર્વસ્વ છે.’

આ ઘટનાના સમાચાર આંધીની જેમ સર્વત્ર ફેલાયા. તેની જ સાથે શ્રી હેમચંદ્રાચાર્યની અને જૈન શાસનની યશોપતાકા પણ દિંગત સુધી લહેરાવા માંડી. કુમારપાળને સમજાતું ન હતું કે મને ગુરુદેવ માટે કેમ આટલો બધો લગાવ છે? શું પૂર્વભવનો કોઈ ઋણનુબંધ અમારી વચ્ચે રહેલો હશે?

એકવાર રાજસભામાં શ્રી હેમચંદ્રાચાર્ય પાંચ પ્રશ્ર્નો
કુમારપાળે પૂછયાં,

1) – પૂર્વજન્મમાં મારી સ્થિતિ શું હતી?
2) – આવતા ભવમાં મને કઈ ગતિ મળશે?
3) – સિદ્ધરાજે મને કેમ પારાવાર દુ:ખ આપ્યું?
4) – આપના પ્રત્યે મને આટલો બધો સ્નેહ કેમ છે?
5) – ઉદયન મંત્રીને મારા પ્રત્યે પિતા જેવું વાત્સલ્ય કેમ છે?

ગુરુદેવે કહ્યું: ‘કુમારપાળ! પુનર્જન્મ સંબંધી જવાબો તો અતીન્દ્રિયો આપી શકે. કમ સે કમ તે માટે પૂર્વસંબંધી શ્રુતજ્ઞાન જોઈએ. મારી પાસે એવું જ્ઞાન નથી કે વિશિષ્ટ શ્રુતજ્ઞાન પણ નથી, માટે તારા આ પ્રશ્ર્નોનાં સમાધાન શી રીતે આપી શકુ? તેમ છતાં શાસનદેવની મદદથી તારા પ્રશ્ર્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું.’
(ક્રમશ:)

આપણ વાંચો : ફોકસ: પ્રબુદ્ધ પાટણની પ્રતિભા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button