નવી દિલ્હીઃ ભારત કેનેડાના વણસેલા સંબંધો વચ્ચે પણ ભારતે બુધવારના કેનેડા માટેની કેટલીક વિઝા સર્વિસ ફરી શરૂ કરી હતી અને કેનેડાના ઉચ્ચસ્તરીય સાધનો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે ભારતે બુધવારે જ કેનેડા માટેની કેટલીક વિઝા સર્વિસ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે અને આ સેવાઓ આવતીકાલે એટલે કે 26મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. આ બાબતે વધુ માહિતી આપતા ઉચ્ચાયોગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ભારતે એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝાની સર્વિસ ફરી શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશ ખાતાના પ્રધાન એસ. જયશંકરે એવું નિવેદન આપ્યું હતું કે જો ભારતને કેનેડામાં રહેલાં તેમના રાજદૂતોની સુરક્ષાની બાબતોમાં સુધારો જોવા મળશે તો જ કેનેડાના લોકો માટે ટૂંક સમયમાં વિઝા સર્વિસ શરૂ કરવામાં આવી શકે છે.
India resumes visa services in Canada for the following categories- Entry visa, Business visa, Medical visa and Conference visa. pic.twitter.com/j7NYuUMyMo
— ANI (@ANI) October 25, 2023
ભારત અને કેનેડા સંબંધો ખૂબ જ તણાવગ્રસ્ત થઈ ગયા છે અને એનું કારણ ખાલિસ્તાની આંતકવાડી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માનવામાં આવે છે અને એનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યો હતો. સાથે સાથે જ કેનેડાએ ભારતના મહત્ત્વના ડિપ્લોમેટ્સ અને રાજદૂતોને ઓટાવા છોડીને જતા રહેવા માટે જણાવ્યું હતું.
ભારતે પહેલાં તો નિજ્જરની હત્યામાં હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ ત્યાર બાદ જવાબી કાર્યવાહીમાં કેનેડાના ડિપ્લોમેટ્સ અને રાજદૂતોને નવી દિલ્હી છોડીને જતા રહેવા જણાવ્યું હતું અને એની સાથે સાથે જ કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ પણ બંધ કરી દીધી હતી.