મેટિની

ફિલ્મ ઘરાનાના અટપટા સંબંધોના ગૂંચવી દે એવા ગુણાકાર – ભાગાકાર..!

મહેશ નાણાવટી

મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘નિપોટીઝમ’ યાને કે સગાંવાદની ચર્ચા તો ઘણા સમયથી ચાલે છે, પણ અહીં અંદરો અંદર કોણ કોનાં સગાં છે એ ખોળવા બેસીએ તો મગજમાં તાવ આવી જાય એવું છે…

આનો એક મજેદાર નમૂનો થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં ફરી રહ્યો હતો. એમાં એક ફોટો હતો જેમાં મહેશ ભટ્ટની દીકરી પૂજા ભટ્ટ સાથે સાત-આઠ વરસની ઉંમરનો કુણાલ ખેમુ દેખાય છે. (કદાચ 1998માં આવેલી ફિલ્મ ‘ઝખ્મ’નો ફોટો હતો.) એમાં જે લખ્યું હતું તે મજેદાર હતું:

‘પૂજા ભટ્ટ કે બહન કે પતિ કી બહન કે પતિ કી બહન કા પતિ… કુણાલ ખેમુ!’

બોલો, બિલકુલ ઉખાણા જેવું જ છે ને?

હવે ધીમે ધીમે આ ઉખાણાને ઉકેલી જુઓ:

પૂજા ભટ્ટની બહેન એટલે આલિયા ભટ્ટ, બરોબર? આલિયા ભટ્ટનો પતિ એટલે રણબીર કપૂર, રાઈટ? હવે રણબીર કપૂરની બહેન (કઝિન) એટલે કરિના કપૂર અને કરિનાનો પતિ એટલે સૈફ અલી ખાન… અને સૈફ ખાનની બહેન છે સોહા અલી ખાન, જે પરણી છે કુણાલ ખેમુને!

આમાં ખરી ગમ્મત એ ચાલી કે કોઈએ પૂછ્યું: ‘આ બધું તો ઠીક, પણ એ હિસાબે પૂજા ભટ્ટ પેલા કુણાલ ખેમુની શું થાય?’ અઘરું છે નહીં? કેમકે સાળાના… સાળાની… સાળીને શું કહેવાય? (હવે આમાં ઊંઘી લાઈન પકડીને ચાલવા જશો તો વધારે ગૂંચવાશો…સો જસ્ટ ડોન્ટ ટ્રાય ! )

આમ જોવા જાવ તો મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં અંદરો અંદર એટલી બધી સગાઈઓ છે કે વાત ના પૂછો, છતાં જો એમ પૂછીએ કે ‘ઝિનત અમાનની સગાઈ છેક કવિવર રવીન્દ્રનાથ ટાગોર સાથે શી રીતે નીકળે?’ … તો ચક્કર જ આવે ને?

છતાં આ જિગ્સો પઝલ સમજવા જેવી છે. આમાં શરૂઆત દિલીપ કુમારથી કરવી પડે કેમકે દિલીપ કુમારની બહેન તાજ અને તાજની દીકરી તે રૂબિયાએ લગ્ન કરેલાં એક મઝહર ખાન સાથે, પણ મઝહર ખાને ‘ત્રીજા’ લગ્ન કર્યાં ઝિનત અમાન સાથે! (આ મઝહર ખાન કોણ? તો ‘શાન’ ફિલ્મમાં જેણે લંગડાનો રોલ કરેલો તે.)

હવે ઝિનતના પિતા એટલે અમાનુલ્લા ખાન, જે એક જમાનામાં ‘મુગલ-એ-આઝમ’ અને ‘પાકીઝા’ જેવી ફિલ્મોના સંવાદ લેખક હતા. હવે ઝિનત જ્યારે 13 વરસની હતી ત્યારે આ અમાનુલ્લા ખાન ગુજરી ગયા. એ પછી ઝિનતની મા કોઈ જર્મન નાગરિકને પરણીને વિદેશ જતી રહી.

આ પણ વાંચો….બાબુભાઈ મિસ્ત્રીની અનોખી હૅટ-ટ્રિક…

જોકે આ ઝિનત અમાન મઝહર ખાનને પરણી એ પહેલાં તેણે સંજય ખાન સાથે ખાનગીમાં લગ્ન કરી નાંખેલું! હા, એ લગ્ન એક વરસથી વધારે ટક્યું નહીં. કેમકે જો ટક્યું હોત તો આજે હૃતિક રોશન પણ ઝિનતનો સગા થતો હોત! કેમ કે હૃતિક રોશનનાં લગ્ન થયાં હતાં સંજય ખાનની દીકરી સુઝાન સાથે! (બન્ને સ્કૂલમાં જોડે ભણતાં હતાં અને પ્રેમમાં પડ્યાં) જોકે હાલમાં હૃતિક અને સુઝાનના છૂટાછેડા થઈ ગયા છે. અને બન્ને હજી પોતપોતાની રીતે બીજે ક્યાંક પરણ્યા નથી, બાકી ઝિનત અમાનની સગાઈ દિગ્દર્શક રાકેશ રોશન અને સંગીતકાર રોશન સાહેબ સાથે પણ નીકળતી હોત!

અચ્છા, હવે જુઓ… જાણીતો વિલન રઝા મુરાદ, જે એમના અભિનેતાના ભૂરી આંખોવાળા ‘મુરાદ’ નામે ઓળખાતા અભિનેતાનો દીકરો છે, એ પણ ઝિનત અમાનનો કઝિન થાય! શી રીતે? તો સાહેબ, ઝિનતના બાપા અમાનુલ્લા ખાન અને આ મુરાદ ખાન એકબીજાના ભાઈ થાય!

આટલી સગાઈઓ ઓછી હોય તેમ હજી પેલો સવાલ તો ઊભો જ છે કે ઝિનત અમાનના છેડા કવિવર રવીન્દ્રનાથ ટાગોર સાથે શી રીતે જોડાયા છે?

  • તો આગળ સાંભળો, દિલીપ કુમાર (યુસુફ ખાન)ના ભાઈ નાસ્તર ખાનની પત્ની હતી બેગમ પારા… આ બેગમ પારાની ભાણી રુખસાના પરણી હતી એક સરદારને! જેનું નામ હતું શિવેનુ સિંહ. હવે આ શિવેનુ સિંહ કોણ? તો કહે, એ જાણીતા લેખક અને પત્રકાર ખુશવંત સિંહનો ભત્રીજો થાય! અને એ જ શિવેનુ સિંહની દીકરી એટલે અમૃતા સિંહ! જે આપણી પહેલી કવીઝના સૈફ અલી ખાનની પહેલી પત્ની થાય!

આમ માથું ના ખંજવાળો, સાહેબ! આ સૈફ અલી ખાન બીજી વાર પરણ્યો કરિના કપૂરને! એટલે આખેઆખું કપૂર ખાનદાન હવે દિલીપ કુમાર અને ઝિનત અમાનનાં સગામાં આવી ગયું! સમજ્યા!

હવે રહી વાત ઝિનત અમાનના ‘ટાગોર કનેકશન’ની તો જરા વાંચતાં વાંચતાં સમજતા જજો…

આપણા સૈફ અલી ખાનના પિતા એટલે મન્સુર અલી ખાન, જે મશહૂર ક્રિકેટર હતા, બરોબર? એમણે કોની સાથે લગ્ન કર્યાં? શર્મિલા ટાગોર સાથે, રાઈટ? હવે શર્મિલા ટાગોર સગી થાય છે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની… કઈ રીતે?

તો શર્મિલાની જે મમ્મી ખરીને, એની પણ મમ્મી કવિવર રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથના દીકરાની દીકરી થાય! બોલો, ક્યાંની સગાઈ ક્યાં સુધી નીકળી?!

હવે આ સગાઈઓનાં લાંબા લપ સિંદરમાં કુણાલ ખેમુ તો જોડાઈ જ ગયો છે, સાથે સાથે મહેશ ભટ્ટ, વિક્રમ ભટ્ટ અને રોબિન ભટ્ટ પણ જોડાઈ ગયાં છે! એ તો ઠીક, સૈફ અલી ખાનના દીકરા ઈબ્રાહિમ અને તૈમૂર જ્યારે ફિલ્મમાં આવશે, જ્યારે રણબીર અને આલિયાની દીકરી રાહા મોટી થશે, હૃતિક રોશનનાં દીકરાઓ હૃહાન અને હિૃહાન (એવાં જ નામો છે ભૈશાબ, શું કરીએ) પરણવા જેવા થશે અને કુણાલ ખેમુની દીકરી ઈયાના એડલ્ટ થઈને કોઈની ‘રિલેશનશિપ’માં એક ઘરમાં સાથે રહેવા લાગશે… ત્યારે એ બધાંથી જે ટાબરિયાં દુનિયામાં આવશે… તે આપણી ‘ઝિન્ની બેબી’ ઉર્ફે ઝિનત અમાનને શું કહીને બોલાવશે?!

આ પણ વાંચો….કલા ઘણી, કદર ઓછી…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button