નેશનલ

ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનમાં મચાવી મોટી તબાહી, વોશિંગ્ટન પોસ્ટે પણ માની વાત

વોશિંગ્ટન: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનની ઉંઘ હરામ કરી દીધી હતી. જેની બાદ પાકિસ્તાનની વિનંતી પર બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામનો અમલ કરવામાં આવ્યો છે.

તેવા સમયે ભારતના હુમલામાં પાકિસ્તાનને મોટી માત્રામાં નુકસાન થયું હોવાના પુરાવા અમેરિકન મીડિયામાં છવાયા છે. આ માહિતી વોશિંગ્ટન પોસ્ટમાં પાકિસ્તાનને થયેલા નુકસાનની સેટેલાઈટ તસવીરો અને વિડીયોના વિશ્લેષણથી પ્રકાશમાં આવી છે.

આપણ વાંચો: જાણો .. ભારતે 23 મિનિટ સુધી પાકિસ્તાનમાં ચીનની એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી ઓપરેશન સિંદૂર પૂર્ણ કર્યું

4 થી વધુ સેટેલાઇટ તસવીરો અને વિડિયોની સમીક્ષા કરી

જેમાં વોશિંગ્ટન પોસ્ટે હુમલા બાદની 24 થી વધુ સેટેલાઇટ તસવીરો અને વિડિયોની સમીક્ષા કરી. તેમાં જાણવા મળ્યું કે હુમલામાં વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતા 3 હેંગર, 2 રનવે અને 2 મોબાઇલ ઇમારતોને ભારે નુકસાન થયું હતું. આમાંના કેટલાક છુપાયેલા સ્થળો પાકિસ્તાનની અંદર 100 માઇલ અથવા 160 કિમી સુધીના હતા.

કિંગ્સ કોલેજ લંડનમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના વરિષ્ઠ લેક્ચરર અને દક્ષિણ એશિયાઈ સુરક્ષા નિષ્ણાત વોલ્ટર લાડવિગે ધ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, આ વર્ષ 1971ના ના યુદ્ધ પછી પાકિસ્તાની લશ્કરી માળખા પર ભારતના સૌથી મોટા હવાઈ હુમલા છે.

આપણ વાંચો: રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતાને મળી જાનથી મારવાની ધમકી, ઓપરેશન સિંદૂર સાથે છે કનેક્શન

પાકિસ્તાને સ્વીકાર્યું કે એરબેઝને નુકસાન થયું

જયારે કોન્ટેસ્ટેડ ગ્રાઉન્ડ પ્રોજેક્ટના ભૂ-અવકાશીય વિશ્લેષક વિલિયમ ગુડહિંડે જણાવ્યું કે, પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને નબળી પાડવાના ઉદ્દેશ્યથી ટાર્ગેટ પર હુમલા કરવામાં આવ્યા હતા. ભારતે દાવો કર્યો હતો કે તેણે પાકિસ્તાનમાં 11 એરબેઝને નિશાન બનાવ્યા હતા.

તેમજ કાર્યવાહીને સંતુલિત ગણાવી હતી. આમાં એવા સ્થળોનો પણ સમાવેશ થાય છે.જેની વોશિંગ્ટન પોસ્ટ દ્વારા નુકસાનની પુષ્ટિ કરવામાં આવી હતી. પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે એરબેઝ નુકસાન થયું છે પરંતુ તેની સંખ્યા આપી નથી.

આપણ વાંચો: પાકિસ્તાનની કબૂલાત, ઓપરેશન સિંદૂરમાં 11 સૈનિકો માર્યા ગયા 78 સૈનિકો ઘાયલ

ખાન એરબેઝ પર 2 મોબાઇલ કંટ્રોલ સેન્ટરનો નાશ

અલ્બેનીની યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર અને ભારત-પાકિસ્તાન દુશ્મનાવટ પરના પુસ્તકના લેખક ક્રિસ્ટોફર ક્લેરીએ ધ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે ઉપગ્રહ પુરાવાએ દાવા સાથે સુસંગત છે. જેની ભારતીય સૈન્યએ પાકિસ્તાન વાયુસેનાના અનેક એરબેઝને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

સેટેલાઇટ તસવીરોની સમીક્ષા કર્યા બાદ ગુડહિંડે જણાવ્યું હતું કે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પરના બે મોબાઇલ નિયંત્રણ કેન્દ્રોનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે નજીકના પાર્કિંગમાંથી લેવામાં આવેલા વીડિયોમાં નુકસાન પામેલા સ્થળમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો.

આપણ વાંચો: ગુજરાતમાં ઓપરેશન સિંદૂર વિરોધી પોસ્ટ કરનારા સામે સરકારની મોટી કાર્યવાહી, 14 સામે એફઆઈઆર…

ભોલારી અને શાહબાઝ એરફિલ્ડ પર પણ તબાહી

સેટેલાઇટ તસવીરોમાં પાકિસ્તાન વાયુસેનાના ભોલારી અને શાહબાઝ એરફિલ્ડ પર એરક્રાફ્ટ હેંગર તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારતોને વ્યાપક નુકસાન દર્શાવવામાં આવ્યું છે. નૂર ખાન એરફિલ્ડ પાકિસ્તાન માટે એક મહત્વપૂર્ણ સ્થાન છે. જે સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનની નજીક આવેલું છે. જે દેશના 170 પરમાણુ શસ્ત્રોનું રક્ષણ કરે છે.

શાહબાઝ એરબેઝના હેંગરમાં 100 ફૂટથી વધુ પહોળું કાણું

ભોલારી ખાતેના એક હેંગરની છતમાં લગભગ 60 ફૂટ પહોળું કાણું હતું. જે મિસાઇલ પડી હોવાનો પુરાવો છે. લશ્કરી સંશોધકોના મતે ભોલારી હેંગરમાં સાબ 2000 એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એરક્રાફ્ટ છે. જેની કિંમત લાખો ડોલર છે. શાહબાઝ એરબેઝના હેંગરમાં 100 ફૂટથી વધુ પહોળું કાણું હતું. જે ફક્ત લશ્કરી ઉપયોગ માટે છે. એક કંટ્રોલ ટાવરને પણ નુકસાન થયું હતું.

શેખ ઝાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર મોટા ખાડા

આ ઉપરાંત મુશાફ એરફિલ્ડ અને શેખ ઝાયેદ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર મોટા ખાડા પડી ગયા હતા. પ્લેનેટ અને ફર્મ મેક્સાર દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ અનુસાર મુશાફ એરફિલ્ડના ખાડાઓનું સમારકામ બીજા દિવસ સુધીમાં શરૂ થઈ ગયું હતું. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે ભોલારીમાં વાયુસેનાના પાંચ અને મુશાફ એરફિલ્ડમાં એક જવાન માર્યા ગયા હતા.

ભારતીય સેનાએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. તેની બાદ ભારતીય સેનાએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પોને ઉડાવી દીધા હતા. જેમાં 100થી વધુ આતંકી માર્યા ગયા હતા.

ત્યાર બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. જેને ભારતીય સેનાએ નાકામ કર્યા હતા. તેમજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને 11 એરબેઝને ઉડાવી દીધા હતા. તેની બાદ ગભરાયેલા પાકિસ્તાનની વિનંતી પર 10 મે થી હાલ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button