ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

મેક્સિકોમાં ટીકટોક ઈન્ફલુઅન્સરની લાઈવસ્ટ્રીમ દરમિયાન હત્યાઃ સ્ત્રી હોવાની સજા મળી?

મુંબઈમાં મહિનાઓ પહેલા એક ફેસબુક લાઈવમાં રાજકારણીની હત્યા થઈ હતી, તેવી જ ઘટના મેક્સિકોમાં બની છે. અહીં એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર લાઈવ વીડિયો બનાવી રહી હતી ત્યારે તેની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અહીંની ટીકટોક ઈન્ફ્લુઅન્સર મોડેલ વેલેરિયા માર્ક્વેઝની લાઈવસ્ટ્રીમ દરમિયાન જ ગોળી મારી હત્યા થઈ જતા ખળભળાટ મચી ગયો છે. તે પોતાના બ્યૂટી સલૂનમાં લાઈવ વીડિયો કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી જે કેમેરામાં પણ કેદ થઈ છે. આ ઘટના ગુઆડાલજારાની બહાર આવેલા જાલિસ્કોના ઝાપોપન શહેરમાં બની હતી.

જાલિસ્કો રાજ્યના અધિકારીઓએ બુધવારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. વેલેરિયા તેના લાઇવસ્ટ્રીમ દરમિયાન ડિલિવરી બોય સાથે વાત કરી રહી હતી, ત્યારે અચાનક તેને ગોળી વાગી ગઈ. જેમે હુમલો કર્યો તેણે છાતી પર જ સીધી ગોળી ધરબી દીધી. વીડિયો જોતા સમજાય નહીં તેટલી ઝડપથી તે ગોળી મારી ત્યાંથી નીકળી ગયો હતો. આ ભયાનક ઘટનાએ ફરી એકવાર મેક્સિકોમાં હિંસા અને અસુરક્ષાની ચર્ચા શરૂ કરી છે. આ હત્યાના થોડા કલાકો પછી, તે જ વિસ્તારમાં બીજી એક હાઇ-પ્રોફાઇલ હત્યા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. મેક્સિકોના પીઆરઆઈ પાર્ટીના ભૂતપૂર્વ સંસદ સભ્ય લુઈસ આર્માન્ડો કોર્ડોવા ડિયાઝની એક કાફેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓથી ઝાપોપન અને આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો છે.

જલિસ્કોમાં ન્યૂ જનરેશન જલિસ્કો કાર્ટેલનું વર્ચસ્વ છે. મેક્સિકોમાં પ્રદેશોના નિયંત્રણ માટે કાર્ટેલ વચ્ચે હિંસકાત્મક સંઘર્ષ ચાલતો રહે છે. વેલેરિયાની હત્યાની તપાસ શરૂ કરી છે. અહીં લિંગ ભેદ પણ બહુ હોવાથી આ એક સ્ત્રીની હત્યા તરીકે પણ તપાસવામાં આવશે, તેમ મીડિયા અહેવાલ જણાવે છે.

વેલેરિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લોકો આ ક્રૂર હત્યા સામે રોષ અને શોક વ્યકત કરી રહ્યા છે. લાઇવસ્ટ્રીમ દરમિયાન વેલેરિયાની હત્યા ફક્ત તેનાં ફેન્સ માટે જ નહીં, પરંતુ સમગ્ર મેક્સિકો માટે એક મોટો આઘાત છે. સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા યુઝર્સ સરકાર પાસે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં, પોલીસ અને તપાસ એજન્સીઓ આ હત્યાનું કારણ શોધવા અને હુમલાખોરને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો….જાણો .. કોણ છે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ, ગીતા પર હાથ મૂકી લીધા શપથ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button