દશેરા પર આટલા કિલો સોનું ખરીદ્યું મુંબઈગરાઓએ…
મુંબઈઃ ગઈકાલે જ દેશભરમાં ધામધૂમથી દશેરાની ઊજવણી કરવામાં આવી અને આપણે ત્યાં તો દિવાળી દશેરા પર મોટા પ્રમાણમાં સોનું, ઘર અને નવું વાહન કરવાની પ્રથા છે. ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે મુંબઈગરાઓએ 1200 કિલો સોનુ ખરીદ્યું હતું અને લગ્નસરા, વાર-તહેવારને ધ્યાનમાં રાખીને આ ખરીદી કરવામાં આવી હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
દશેરાને વર્ષમાં આવતા સાડાત્રણ મૂહુર્તમાંથી એક માનવામાં આવે છે અને એટલે જ આ દિવસે ખરીદી કરવું શુભ માનવામાં આવે છે. સવારથી જ જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી અને કેટલાક લોકોએ ઈન્વેસ્ટમેન્ટ પર્પઝથી પણ સોનુ ખરીદ્યું હતું. જોકે, આ વર્ષે સોનાની સાથે સાથે આ વર્ષે મુંબઈગરાઓએ ચાંદીમાં રોકાણ કરવાનું પણ પસંદ કર્યું હતું. સોમવાર રાતથી જ કાચા તેલ અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ મોંઘા ભાવે તો મોંઘા ભાવે પણ મુંબઈગરાઓએ સોનુ ખરીદવાને પ્રાથમિકતા આપી હતી.
મુંબઈ અને મહારાષ્ટ્રમાં દશેરા નિમિત્તે 120 ટન સોનાનું વેચાણ થયું હોઈ એની કિંમત 250 કરોડ રૂપિયાની આ ઉથલપાથલ હોવાનું કહેવાય છે. અત્યારે 62 હજારના ભાવે વેચાતું સોનુ આગામી કેટલાક દિવસમાં 64 હજાર થશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દશેરાના દિવસે મોડી રાત સુધી જ્વેલર્સની દુકાનોમાં ભીડ જોવા મળી હતી અને અમુક લોકોએ તો આગામી છ મહિનામાં થનારા લગ્નો માટે લોકોએ સોનુ બુક કરાવ્યું હોવાની માહિતી જ્વેલર્સ એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી.
સોના-ચાંદી સિવાય મુંબઈગરાઓએ મોટા પ્રમાણમાં વાહનોની ખરીદી કરી હતી. મુંબઈના ચાર આરટીઓમાંથી 9572 વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષની સરખામણીએ આ વૃદ્ધિ 475 જેટલી વધુ છે. 16મી ઓક્ટોબરથી 24મી ઓક્ટોબર સુધી રાજ્યમાં 80,186 વાહનોની ખરીદી કરવામાં આવી હતી. ગયા વર્ષે દશેરા પહેલાં 27મી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર સુધી આ સમયગાળા દરમિયાન 76,157 વાહનોની ખરીદી કરવામાં આવી હતી. તેથી આ વર્ષે વાહનોની ખરીદીમાં પણ વધારો જાવો મળ્યો હતો.