
શ્રીનગરઃ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યુ હતું અને જે રાજ્યો-ગામ સરહદો પાસે હતા તેઓ બ્લેક આઉટ, સાયરનના અવાજો અને ધૂમધડાકા વચ્ચે કેટલીય રાત સુઈ શક્યા ન હતા. સૌથી જે રાજ્યને અસર થઈ તે જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે રાત્રે શાંતિ સ્થપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને શાંતિથી ઊંઘ લીધી હતી.
ગઈ રાત જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના અન્ય વિસ્તારોમાં એકદમ શાંતિપૂર્ણ રહી. કોઈ ઘટનાના સમાચાર નથી. શુક્રવારે સાંજે ભારત પાકિસ્તાન વચ્ચે સિઝફાયરના કરાર થયા હોવા છતાં પાકિસ્તાને શ્રીનગરમાં ડ્રોન હુમલા કર્યા હતા તેમ જ એલઓસી પર ફાયરિંગ થયું હતું. ત્યારે રવિવારે પહેલીવાર એવું બન્યું કે બન્ને દેશો વચ્ચે કોઈ ગોળીબાર કે અન્ય ગર્ષણ ન થયું અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો. ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) વચ્ચે પણ આજે વાતચીત થવાની છે.
ભારતીય સેનાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રે કોઈ ઘટનાના સમાચાર નથી, આ પહેલી શાંતિપૂર્ણ રાત છે.
22મી એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં 26 પ્રવાસીની હત્યા બાદ બન્ને દેશો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ત્યારથી સરહદી રાજ્યોની સુરક્ષા એજન્સીઓ સતર્ક હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી અઘોષિત યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જે હાલપૂરતી નથી.
આ પણ વાંચો…..પહેલગામ આતંકી હુમલા બાદ પ્રથમ વખત PM મોદીની જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત