સ્થાપત્યનું વાઈ-ફાઈ: પતરાં જડવાની ચેષ્ટા…

હેમંત વાળા
એક સમય એવો હતો જ્યારે સ્થાપત્યમાં ભૌમિતિક ચોકસાઈનું મહત્ત્વ હતું. તે સમયે પ્રયોજાતા પ્રત્યેક આકાર ગાણિતિક પ્રમાણમાપમાં હતા. આવી ગણનાબદ્ધ રચના જ સુંદર ગણાતી. તેના નિયમબદ્ધ આકાર તથા તેની ગોઠવણમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન હતી કરાતી. આજના સમયમાં પરિસ્થિતિ તેનાથી ભિન્ન છે. હવે નિયમ-મુક્ત આકારનું ચલણ વધતું જાય છે – જાણે હાથના મુક્ત ચલનથી જે રેખા ઊપસે – જે આકાર ઘડાય તેને સ્થાપત્યમાં જડી દેવાય છે. આમાં ક્યાંય ભૌમિતિક અવલંબન નથી કે નથી હોતું કોઈ પણ પ્રકારના નિયમનું બંધન. બસ, મનને ગમી જાય તે જ સુંદર – તે જ સ્વીકૃત. સુંદરતાની શાસ્ત્રીય પરિભાષામાંથી સ્વતંત્રતા અને પછી સ્વચ્છંદતાને જાણે પરોક્ષ રીતે પ્રોત્સાહન અપાતું થયું.
સમાજનો અભિગમ બદલાયો છે. એક સમયે સમાજ સામૂહિક શિસ્તનો આગ્રહી હતો, જ્યારે હવે દરેક સંજોગોમાં મુક્તતાને વધુ પ્રાધાન્ય અપાય છે. એક સમયે સામાજિક નીતિમત્તા તથા નિયમો આધારિત નિર્ણય લેવાતા જ્યારે આજે સ્વ-ની અભિવ્યક્તિને વધારે મહત્વ મળે છે. આ બધી બાબતો સ્થાપત્યમાં પણ પ્રતિબિંબિત થાય તે સ્વાભાવિક છે. આમ પણ સ્થાપત્યને સમાજનું દર્પણ કહેવાય છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ: ઝી-લાઈન આવાસ – સેમારંગ – ઈન્ડોનેશિયા આવાસની રસપ્રદ ખાંચાખૂંચી
જોકે સામાજિક મૂલ્યોમાં આવેલા આવા બદલાવ સાથે સ્થાપત્યને મૂર્તિમંત કરતી સામગ્રીમાં પણ બદલાવ આવેલ છે. સ્થાપત્યમાં જે મુક્ત આકાર પ્રયોજાય છે તેની પાછળ બાંધકામની નવીન સામગ્રી તથા તેના ઉપયોગમાં આવેલ નવા તકનીકી અભિગમનો મોટો ફાળો છે. એક સમયે જ્યારે પથ્થર – ઈંટ – લાકડામાંથી જ મકાનો બનાવતા ત્યારે મુક્ત આકારનો સમાવેશ બહુ મુશ્કેલ હોય તે સ્વાભાવિક છે. બાંધકામમાં જ્યારથી કોન્ક્રીટ વપરાતું થયું ત્યારથી જુદા જુદા આકાર પ્રયોજવાની સંભાવના વધી ગઈ. અત્યાર સુધી ભૌમિતિક માળખાથી નિર્ધારિત થતાં આકારથી બંધાય રહેલ સ્થપતિને જાણે હવે પાંખો મળી ગઈ. હવે તેની ઉડાન ઊંચા આકાશમાં છે અને તે જરૂરિયાત પ્રમાણેના આકારવાળા ધાતુ તથા એક્રેલિકના પતરાથી ઈચ્છે તે પ્રમાણે વિહાર કરી શકે છે. વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો જાણે સ્થાપત્યની ક્ષિતિજ વિસ્તરી ગઈ.
પણ, ભૌમિતિક માળખામાં એક પ્રકારની સ્થિર નિષ્ઠા અને અનુભૂતિ હતી. તેમાં ક્યાંક પૂર્ણતા માટે પ્રતિબદ્ધતા પણ હતી. તે પ્રકારની રચનામાં ચોક્કસ પ્રકારની સુંદરતા જળવાઈ રહેવાની સંભાવના પણ હતી. વળી આ સુંદરતાની અનુભૂતિ વ્યક્તિગત નહીં પણ સામૂહિક રહેતી. હવેના સમયમાં પ્રયોજાતા મુક્ત આકાર બંધન વિનાના અને ક્યાંક દિશાહીન ઉડાન જેવા બની રહે છે. પ્રશ્ન એ થાય કે મુક્ત આકારનું આયોજન ક્યાંક દિશા-ચૂક તો નથી ને.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : `બિયોન્ડ ધ એજ’ પ્રવાસી કેન્દ્ર – સર્ગે – પોર્ટુગલ કલ્પનાની રોમાંચક દુનિયા
મકાનનો દેખાવ તેના મૂળ આયોજન – પ્લાન – તલ દર્શનને આધારિત હોવો જોઈએ તેમ વિદ્વાનો કહે છે. જ્યારે પ્લાનના મૂળભૂત માળખાને નજરઅંદાજ કરી મકાન ઉપર પતરા જડી દઈ જે આકાર અપાય છે તેનાથી સ્થાપત્યના મૂળભૂત સિદ્ધાંતોને ક્યાંક હાનિ પહોંચે છે. સ્થાપત્યની ગંભીરતા સમજ્યા વગર – સ્થાપત્યનાં મૂલ્યોને મહત્ત્વ આપ્યા વગર માત્ર બિનજરૂરી નાટકીયતા માટે કરાયેલ આ આડંબર છે. બાંધકામની સામગ્રી તથા તકનીકમાં વિકાસ થવો તેનો અર્થ એ નહીં કે સ્થાપત્યની રચનાના મુખ્ય સિદ્ધાંતોને નજરઅંદાજ કરવા. મકાનને બહારથી ચોક્કસ આકાર આપવા મુખોટા જેવી રચના સ્થાપત્યમાં સ્વીકાર્ય ન હોવી જોઈએ. આનાથી સમાજના એક અતિ ગંભીર પાસાને નુકસાન પહોંચે છે.
ફ્રેન્કો ઘેરી તથા કાલાત્રાવા જેવા સ્થપતિએ સ્થાપત્યમાં મુક્ત આકારવાળી રચના પ્રચલિત કરવામાં મોટો ફાળો આપ્યો છે. જોકે આવા આકારની શરૂઆતના પ્રયોગોમાં લી કારબૂઝિયરનું રોંચેપ ચર્ચ મહત્ત્વનો મુકામ છે. ઘેરી તથા કાલાત્રાવાએ મુકત આકારોની જે નવી વ્યાખ્યા આપી છે તેની સામે આ ચર્ચ મુક્ત આકારને વધુ ગંભીરતાથી પ્રસ્તુત કરે છે. ઘેરીની રચનામાં માત્ર પતરા જડીને આકાર અપાય છે તો કાલાત્રાવા મૂળ માળખામાં જ વળાંકાકાર તકનીકી અભિગમનો સમાવેશ કરે છે. ઘેરીનો અભિગમ પતરાનું વિશાળ શિલ્પ રચવાનો જણાય છે તો કાલાત્રાવા તકનીકી રીતે પ્રતિબદ્ધ છે. તેની સરખામણીમાં રોંચેપના ચર્ચમાં કોન્ક્રીટની ક્ષિતિજોને વિસ્તારવાનો પ્રયત્ન કરી મુક્ત આકાર વધુ ગંભીરતાથી પ્રયોજાયો છે.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈઃ નિસરણી ને તેનાં આકાર
માત્ર નવીનતા ખાતર કરાયેલા પ્રયોગોનું આયુષ્ય વધુ નથી હોતું. આવી રચના નવી નવી હોય ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની શકે પણ સમય જતા જો તેમાં યથાર્થતાનો અભાવ હોય તો સમાજ તેને નજરઅંદાજ કરવા માંડે. એમ જણાય છે કે ઉપયોગ કરીને ફેંકી દેવાના અભિગમવાળા જમાનામાં થોડા સમય માટે પણ ક્લિક થઈ જવાનું મહત્ત્વ છે. એટલા સમયગાળામાં પણ જો જરૂરી માઇલેજ મળી જતું હોય તો સ્થાપત્ય કે ગ્રાહકને કોઈ વાંધો નથી હોતો. પછી તો તે માઇલેજના જે કંઈ લાભ મળે તેને જ માણવાના હોય. આવી વિચારસરણીને પરિણામે સ્થાપત્યમાં ટૂંકા ગાળાના લાભ માટેનું પ્રલોભન હાવી થતું દેખાય છે. ધીમે ધીમે પણ લાંબા ગાળા સુધી પ્રશંસા પામે તેવી રચના માટેની ધીરજ ખૂટતી જતી હોય તેમ જણાય છે.
સ્વાભાવિક છે કે દરેકની પોતાની પસંદગી હોય. આ પસંદગી ઘણી બાબતો પર આધારિત રહે. સ્થાપત્યમાં આકારની પસંદગીમાં ક્યારેક સંવેદનશીલ નિર્ણય લેવાય છે તો ક્યારેક વ્યાપારી આડંબર હાવી બની જાય છે. ક્યારેક તકનીકી બાબતને પ્રાધાન્ય મળે છે તો ક્યારેક પ્રતીકાત્મક બાબત અગત્યની બની રહે. ક્યારેક પ્રવર્તમાન શૈલી તો ક્યારેક વ્યક્તિગત ઈચ્છા પ્રમાણે આકારની પસંદગી થાય. મજાની વાત એ છે કે ક્યારેક આવાં ભિન્ન પરિબળો પણ અંતિમ પરિણામ લગભગ એકસરખું જ આપે છે. ક્યારેક સ્થપતિ ખૂબ સભાનતાપૂર્વક મુક્તતા પ્રયોજે તો ક્યારેક અકસ્માતે જ આવી રચના થઈ જાય.
આ પણ વાંચો: સ્થાપત્યનું વાઈ-ફાઈ : બોઝિઝ ચેપલ-સાઉથ આફ્રિકા પ્રતીકાત્મક લયબદ્ધ દૃઢતા
સ્થાપત્યના દરેક નિર્ણયની સમાજ પર થતી અસરને ગંભીરતાથી સમજવાની જરૂર છે. અહીં મનસ્વીપણાને અવકાશ ન હોવો જોઈએ. પણ આ તો મીડિયા અને પીઆરની રમત છે. અહીં ક્યારે – કોને – કેવા પ્રકારનું પ્રોત્સાહન મળી જાય તે વિશે કંઈ ન કહી શકાય.