ક્લોઝ અપ: હવે જેની સિકવલ શરૂ થઈ ગઈ છે એ તુ રૂપ કી રાની મૈં ચોરો કા રાજા!

- ભરત ઘેલાણી
દર્શકોને બોક્સ ઑફિસ સુધી ખેંચી લાવે એવું આ લોભાવનારું ટાઈટલ છે. વાત ખરેખર ગંભીર છે, કારણ કે અહીં જે રાની
ની વાત છે એ મદહોશ કરી નાખે એવી બોલિવૂડની બે એકટે્રસ છે. આ બન્ને સેક્સી અભિનેત્રી સાથે જેનું નામ ગાજે છે એ પણ કુછ કમ નહીં…રૂપિયા 200 કરોડથી પણ વધુ મની લોન્ડરિંગના અપરાધમાં અટવાઈને એ `ચોરો કા રાજા’ છેલ્લાં 7 વર્ષથી દિલ્હીની તિહાર જેલમાં છે. વચ્ચે એને જામીન મળ્યા, પણ પોલીસે એને જેલ બહાર જતાં રોક્યો, કારણ કે એ છેતરપિંડીના હજુ બીજા કેટલાંક કેસમાં સંડોવાયેલો છે.
તાજેતરમાં આ સુપર ઠગનું નામ ફરી ટીવી- સમાચારોનાં શીર્ષકોમાં ઉછળ્યું છે, પણ એનાં એ તાજાં કારનામાંની વાત કરીએ એ પહેલાં આ અઠંગ અપરાધી સુકેશ ચન્દ્રશેખરની ક્રાઈમકૂંડળી પર આપણે ઝડપથી નજર ફેરવી જવી જોઈએ.
સુકેશ ચન્દ્રશેખરની અપરાધ-કથાઓ બડી જમાવટવાળી છે. પોલીસ ચોપડે નોંધાયેલી એની ગુનાખોરીની મોડસ ઑપરેન્ડી (કાર્ય પદ્ધતિ) જાણવા જેવી છે…
આમ તો સુકેશ દેખાવે દક્ષિણ ભારતીય જેવો ઘટ્ટ ઘંઉવર્ણો વાન ધરાવે છે. હા, પણ એનો બાહ્ય દેખાવને તમે જતો કરો તો એની જબાનમાં એવો જાદુ છે કે વાત શરૂ થાય તે ત્યાંથી લઈને વાત પૂરી થાય ત્યાં સુધી એ તમને એની વાતથી ઝકડી રાખે એવા વાક્ચાતુર્યમાં એ એક્કો છે.
કાળાં નાણાંની હેરાફેરી કરી એને કોઈ રીતે પણ કાયદેસર બનાવવાની પ્રક્રિયાને `મની લોન્ડરિગ’ કહે છે. આવા ગેરકાયદે રૂપિયા 200 કરોડથી વધુના 90 જેટલા કેસમાં સુકેશ ચન્દ્રશેખર સંડોવાયો છે.
આ પણ વાંચો…ક્લોઝ અપ જિંદગી : આજની સેલેબ્સને કેમ લાગ્યું છે અંતરિક્ષ-યાત્રાનું ઘેલું?
મૂળ બેંગ્લૂરુનો આ 34 વર્ષીય સુકેશ પોતાની આઈડેન્ટિટી- ઓળખ બદલવામાં પાવરધો છે. જેવો શિકાર એ મુજબનો એ સ્વાંગ સજે. મોટેભાગે પોતાની ઓળખ એક સફળ બિઝનેસમેન તરીકે આપતો. પોતે મોટા રાજકારણીઓથી માંડીને જાણીતા ફિલ્મ કલાકારો તેમજ સમાજના નામી લોકો સાથે અચ્છો ઘરોબો ધરાવે છે એવી વાતથી સામાવાળાને પ્રભાવિત કરી લેતો. એની કરિયરનો સર્વપ્રથમ તગડો શિકાર તમિળનાડુના વરિષ્ઠ નેતા ટીટીવી દિનાકરણ હતા. `પોતે ચૂંટણી કમિશનર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે, જે દિનાકરણના પક્ષને આગામી ચૂંટણી જીતાડવામાં મદદરૂપ બનશે ‘ એવું એમના દિમાગમાં ઠસાવીને સુકેશે રૂપિયા 50 કરોડની જંગી રકમ સરકાવી લીધી હતી, પણ પાછળથી ચૂંટણી કમિશનરની ફરિયાદને લીધે એ ઝડપાયો ને તિહાર જેલમાં ધકેલાઈ ગયો. ત્યાં પણ સુકેશે એવી જમાવટ કરી હતી કે જેલમાંથી એ જાતભાતના ચક્કર ચલાવીને તગડી ખંડણી વસૂલ કરતો!
આ જેલવાસ દરમિયાન બોલિવૂડની બે સેકસી અભિનેત્રીને એણે પોતાની જાળમાં બ-ખૂબી લપેટી. એ બે ફૂટડીમાંથી એક છે મૂળ શ્રીલંકાની જેકલિન ફર્નાન્ડિસ અને બીજી છે કુશળ ડાન્સર-અભિનેત્રી એવી મૂળ કેનેડાની નોરા ફતેહી.
પોતે જેલની બહાર હતો ત્યારથી સુકેશ આડેધડ ખર્ચ કરવાનો વિલાસી શોખિન હતો. વીસેક કરોડના ખર્ચે એણે અનેક વિદેશી વૈભવી કારનો કાફલો વસાવ્યો હતો. તિહાર જેલમાં હતો ત્યારથી એ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસના પ્રેમમાં પડી ગયો હતો. પોતાની આગવી આવડતથી એણે જેકલિનનો સંપર્ક કર્યો અને પછી તો ટૂંક સમયમાં જેકલિન અને સુકેશના આવા નિકટના સંબંધ અને સુકેશ જેલમાંથી એના પર કેવી કેવી લાખો-કરોડોની મોંઘી ભેટ-સોગાદ ન્યોછાવર કરતો હતો એની વાત પણ જાહેરમાં જોરશોરથી ચર્ચાવાની શરૂ થઈ ગઈ હતી.
અહીં આ કહાની મેં ટ્વિસ્ટ' એ આવ્યો કે જેકલિન - સુકેશના કહેવાતા હૂંફાળા સંબંધમાં અચાનક સેક્સી ડાન્સર-અભિનેત્રી નોરા ફતેહીનું નામ ઉછળ્યું. એની સિનિયર કહેવાય એવી જેકલિને અનેક ફિલ્મોમાં હીરોઈન તરીકે ભૂમિકા ભજવી છે. એની સરખામણીએ નોરાના નામે અભિનેત્રી તરીકે ઓછી ફિલ્મો છે, પણ હોટ ડાન્સર અને પરફોર્મર તરીકે વધુ જાણીતી છે. એનાં
સાકી સાકી’, દિલબર' (રીમિક્સ) અને
નાચ મેરી રાની’ સુપર હીટ ગણાય છે. દિલફેંક સુકેશે ડાન્સર નોરાને પણ અનેક મોંઘી ભેટ પહોંચાડી ત્યાર પછી નોરા સાથે પણ સુકેશ હૂંફાળા સંબંધ ધરાવે છે એવી વાતો પણ વહેતી થઈ ગઈ…
આ પણ વાંચો…ક્લોઝ અપ : સૈનિકોની જેમ પત્રકારોને માથે પણ સતત મોત ભમે છે!
જેકલિન બે-અઢી વર્ષથી સુકેશના ગાઢ પરિચયમાં હતી ત્યારે એણે જાહેરમાં કહ્યું છે કે `મને મારાં સપનાનો રાજકુમાર મળી ગયો!’ જોકે પાછળથી સુકેશના કહેવાતા અપરાધ વિશે જાણતી થઈ અને જે રીતે એ પણ કાયદાની ચુંગલમાં સંડોવાઈ ગઈ પછી જેકલિન કહે છે કે સુકેશને લીધે મારી કરિયર રોળાઈ ગઈ ..!
બીજી બાજુ, નોરા કહે છે : હું સુકેશને કયારેય રૂબરૂ મળી નથી. એની પત્ની લીનાના એક ચેરિટી શોમાં મેં એક ડાન્સ કર્યો હતો. લીનાને લીધે હું એના કારાવાસમાં રહેલા પતિ સુકેશના પરિચયમાં આવી અને બે ચાર વાર
વોટ્સ ઍપ’ કોલ પર અમારે વાત થઈ હતી. ધેટ્સ ઓલ..!’
આવું જાહેર કરનારી નોરા એનો ફોડ નથી પાડતી કે સુકેશ એના પર શા માટે એવો ફિદા થઈ ગયો કે એણે મોરોક્કોમાં બંગલો લેવાથી લઈને `બીએમડબ્લ્યુ’ જેવી વૈભવી કાર સહિત નોરાને કરોડો રૂપિયાની ભેટ આપી, જેને નોરાએ એ હોંશે હોંશે સ્વીકારી પણ હતી!
આવી વારાફરતી જેકલિન અને નોરા સાથેનાં હૂંફાળા સંબંધ (લફરાં વાચો!)ની `ખાનગી’ વાત ખુલ્લેઆમ જાહેરમાં ચર્ચાતી હતી. એ બન્નેને આ આશિક અપરાધીએ લાખો રૂપિયાની કિંમતી ભેટ તેમજ કડકડતી કરન્સીમાં રોકડ રકમ આપી હોવાની વાત પણ કોઈથી છાની નહોતી. પરિણામે કાળાં નાણાંની હેરાફેરી -આર્થિક ભ્રષ્ટાચાર, ઈત્યાદિની તપાસ કરતી એજન્સી ‘ઈડી’ (ઍન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ )એ કેટલાંય દિવસો સુધી નોરા અને જેકલિનની સીધી-ઊલટી તપાસ પણ કરી હતી.
એ પછી તો અપરાધી સુકેશ ચન્દ્રશેખરે જ જાતે જબરો ધડાકો કરતાં સ્વીકારી લીધું છે કે એ અને જેકલિન બન્ને ખરેખર પ્રેમમાં હતાં, પણ નોરા માત્ર એની `ઘનિષ્ટ મિત્ર’ જ હતી !
બીજી તરફ, સુકેશ જેવા અપરાધી સાથે પોતાનું નામ ખોટી રીતે ઉછાળવા માટે નોરાએ વચ્ચે જેકલિન પર રૂપિયા 200 કરોડનો બદનક્ષીનો દાવો ફટકાર્યો હતો. આમ તિહાર જેલના એક રીઢા ગુનેગારને લઈને બોલિવૂડના આ બન્ને બૈરાં હવે જાહેરમાં બાધ્યાં છે ! વારતા અહીં પૂરી નથી થતી. એક આશિક અપરાધી અને બે ધનભૂખી લલનાની આ ભેદભરમવાળી `વાર્તા’ હજુ પણ દિન- પ્રતિ દિન વધુ રોમાંચક આકાર લેતી જાય છે.
આ પણ વાંચો…ક્લોઝ અપ : સ્વાદિષ્ટ વાનગીઓના કડવા-તૂરા વાદ-વિવાદ-વિખવાદ…
હવે તિહાર જેલવાસી મહા ઠગ સુકેશ ચન્દ્રશેખર તાજેતરમાં ફરી જાહેરમાં ઝળક્યો છે. સુકેશ જેકલિનના એક મહત્ત્વના કહી શકાય એવા `બ્રેકિગ ન્યૂઝ’ એ છે કે જેકલિનના આ બહુચર્ચિત ઠગ લવર સુકેશ પર એક વેબ સિરીઝ બની રહી છે.. ટોચનું એકે OTT પ્લેટફોર્મ આ ડોક્યુ સિરિયલ બનાવી રહ્યું છે, જેમાં આ કુ-ખ્યાત સુપર ઠગની ઘટનાબદ્ધ ક્રાઈમકથા આલેખવામાં આવશે અને એના એક અતિ મહત્ત્વના પાત્ર તરીકે સુકેશની બહુ વગોવાઈ ગયેલી પ્રેમિકા એવી એકટે્રસ જેક્લિન ફર્નાન્ડિસને પણ ઓફર આપવામાં આવી છે ! આ રોલ માટે જેકલિનને તગડી ફી આપવાની વાત પણ ચર્ચાઈ રહી છે, પણ પોતાનું નામ સુપર ઠગ સુકેશ સાથે બદનામ થઈ રહ્યું હોવાથી જેકલિન ખુદ ડોક્યુ-ડ્રામા સિરીઝ માટે હજુ અવઢવમાં છે.
આ સમાચારની શાહી હજુ તાજી છે ત્યાં 15 દિવસની અંદર સુકેશ ફરી ચમક્યો છે એક પત્ર દ્વારા પોતે જેના ગળાડૂબ પ્રેમમાં છે એવી એકટે્રસ જેકલિન ફર્નાન્ડિસનાં મમ્મી કિમનું થોડા દિવસ પૂર્વે અવસાન થયું પછી સુકેશે પ્રેમિકા' જેકલિનને સાંત્વના આપતો એક પત્ર તિહાર જેલમાંથી લખ્યો છે કે
મેં બાલીમાં ટ્યુલિપ ફ્લાવર્સનો એક વિશાળ બગીચો ખરીદી લીધો છે. એ `કિમ ગાર્ડન ‘ તારી ડિયાર મમ્મીને મારી શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કર્યો છે..! આ ગાર્ડન તને હું ભેટ આપું છું..આના દ્વારા મમ્મીની યાદ તને તાજી રહેશે !’ મમ્મીના નામના બગીચાની ભેટ સાથે સુકેશે એ પત્રમાં કેવો ચોંકાવનારો દાવો કર્યો છે એ પણ જાણો.
જેકલિનને ઉદેશીને એના આ અઠંગ ઠગ- પ્રેમીએ લખ્યું છે કે `તારી ઉદાસીના આ દિવસોમાં હંમેશની જેમ હું તારી સાથે છું. મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે તારી મમ્મી આપણી દીકરી તરીકે આપણે ત્યાં જ જન્મ લેશે!’ બોલો!