ક્રિકેટરો, કોચિંગ સ્ટાફના 40-50 વાહનોના કાફલાની સફર કેવી હતી, જાણો છો?
25,000 પ્રેક્ષકોવાળું આખું સ્ટેડિયમ 20 મિનિટમાં ખાલી કરાવાયું!

ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના આ રમણીય શહેરના મેદાન પર પંજાબ-દિલ્હી વચ્ચેની આઇપીએલ (IPL-2025) મૅચ ગુરુવારે રાત્રે ભારત-પાકિસ્તાન વચ્ચેના ભીષણ જંગને પગલે અધવચ્ચેથી રદ કરવામાં આવી ત્યાર બાદ બન્ને ટીમના ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ સહિત અનેક જણને ભારે સલામતી વચ્ચે બે રાજ્યની પોલીસની દેખરેખમાં ધરમશાલાથી જલંધર થઈને દિલ્હી કેવી રીતે પહોંચાડવામાં આવ્યા એની વિગતો ખૂબ રસપ્રદ છે.
હિમાચલ પ્રદેશના કાંગડા ક્ષેત્રનાં પોલીસ સુપરિન્ટેન્ડન્ટ શાલિની અગ્નિહોત્રીએ પીટીઆઇને જણાવ્યું હતું કે ` શુક્રવારે સવારે બન્ને ટીમના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, બ્રૉડકાસ્ટરના કર્મચારીઓ તેમ જ અધિકારીઓનો સમાવેશ ધરાવતા 40થી 50 નાના વાહનોને ભારે સલામતી બંદોબસ્ત વચ્ચે ધરમશાલાથી હોશિયારપુર થઈને જલંધર રેલવે સ્ટેશન ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને સ્પેશિયલ ટ્રેનમાં દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા.
ક્રિકેટરો તેમ જ સપોર્ટ સ્ટાફ સહિત આઇપીએલ સાથે સંકળાયેલાઓને વિમાનીસફરમાં જ બીજા શહેરમાં પહોંચાડવામાં આવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં તેમને (બાય રોડ) લાંબી સફરમાં નાના વાહનોમાં અને પછી ટ્રેનમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. પહેલાં તો આ તમામ લોકોની મુસાફરી હિમાચલ પ્રદેશની કાંગડા પોલીસની દેખરેખમાં શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પંજાબ રાજ્યમાં પ્રવેશ વખતે પંજાબ પોલીસે તેમની સલામતીની જવાબદારી ઉપાડી લીધી હતી.
આ કાફલામાં સામેલ ખેલાડીઓમાં શ્રેયસ ઐયરના નેતૃત્વમાં પંજાબ (pbks)ની ટીમનો અને અક્ષર પટેલના સુકાનમાં દિલ્હી (dc)ની ટીમનો સમાવેશ હતો. પંજાબના ખેલાડીઓમાં પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, જૉશ ઇંગ્લિસ, નેહલ વઢેરા, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો યેનસેન, મુશીર ખાન, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, પ્રવીણ દુબે, લૉકી ફર્ગ્યુસન, હરપ્રીત બ્રાર, યશ ઠાકુર વગેરેનો સમાવેશ હતો.
દિલ્હીની ટીમમાં અક્ષર ઉપરાંત ફાફ ડુ પ્લેસી, અભિષેક પોરેલ, કરુણ નાયર, જેક ફ્રેઝર-મૅકગર્ક, કેએલ રાહુલ, સમીર રિઝવી, ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા, કુલદીપ યાદવ, દુષ્મન્થા ચમીરા, વિપ્રજ નિગમ, ટી. નટરાજન, મિચલ સ્ટાર્ક, મોહિત શર્મા વગેરે પ્લેયરો સામેલ હતા.
ગુરુવારે રાત્રે પાકિસ્તાન સાથેના જંગને પગલે ધરમશાલાના મેદાન પર દિલ્હી સામેની મૅચમાં પ્રથમ બૅટિંગ કરનાર પંજાબનો સ્કોર 10.1 ઓવરમાં એક વિકેટે 122 રન હતો ત્યારે મૅચ રોકવામાં આવી હતી અને પછી રદ કરવામાં આવી હતી. પહેલાં તો ફ્લડલાઇટ ડિમ કરાઈ હતી અને પછી સાવ બંધ કરાઈ હતી, કારણકે 85 કિલોમીટર દૂર પઠાણકોટ પર પાકિસ્તાને ડ્રૉન હુમલો કર્યો હોવાથી સમગ્ર ધરમશાલામાં બ્લૅકઆઉટ કરાયો હતો.
હજારો પ્રેક્ષકો બ્લૅકઆઉટનું નામ સાંભળીને નાસભાગ ન કરવા માંડે એ માટે ટેક્નિકલ ખરાબીને લીધે લાઇટ બગડી ગઈ હોવાની જાહેરાત કરાઈ હતી. પહેલાં તો લોકો જવા તૈયાર જ નહોતા. આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલ તથા હિમાચલ ક્રિકેટ ઍસોસિયેશનના અધિકારીઓ તેમ જ સ્થાનિક પોલીસે પ્રચંડ જવાબદારી સ્વીકારીને 25,000 લોકોનું સ્ટેડિયમ 20 મિનિટમાં સલામત રીતે ખાલી કરાવ્યું હતું. ધુમાલ હિમાચલના જ છે.
આ તમામ અધિકારીઓની ખૂબ પ્રશંસા કરાઈ હતી. એ દરમ્યાન પહેલાં તો તમામ ખેલાડીઓને મેદાન પરથી તાબડતોબ પૅવિલિયનમાં બોલાવાયા અને સલામતી હેઠળ હોટેલ પર પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમની વાહનોની તેમ જ ટ્રેનની સફર થઈ હતી.
આઇપીએલને અઠવાડિયા માટે સ્થગિત કરાઈ છે. સંભવ છે કે જો પાકિસ્તાન સાથેનો જંગ લંબાશે તો આઇપીએલની બાકીની (કુલ 16) મૅચો કદાચ સપ્ટેમ્બરમાં રમાશે.
આપણ વાંચો : આઈપીએલ સ્થગિત થતાં બીસીસીઆઈને નહીં થાય એક પણ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ