ભુજ

ભારત-પાક યુદ્ધ વચ્ચે કચ્છ-બનાસકાંઠા સરહદે હાઈ એલર્ટઃ ભુજમાં આજે પણ બ્લેકઆઉટની સંભાવના

ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હવે જયારે પૂર્ણ કક્ષાનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની સરહદથી તેના કબ્જા હેઠળના કાશ્મીર સીમાએ તેમજ પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમી સીમાડા પરની ગુજરાતની કચ્છ અને બનાસકાંઠા સરહદો પર પણ નાપાક હુમલાના પ્રયાસો કર્યા છે પરંતુ તેનો એક પણ પ્રયાસ કારગત નિવડ્યો નથી.

ઓપરેશન સિંદૂર હજુ ચાલી જ રહ્યું છે તેવી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની જાહેરાત બાદ ગુરુવારે રાત્રી દરમ્યાન જ ભારતે પાકિસ્તાનના પોટલાં ઢીલાં કરી દેતાં ખુબ જ શક્તિશાળી હુમલા શરૂ કર્યા છે અને પાકિસ્તાનમાં ચારો તરફ જાણે અંધાધૂંધીનો માહોલ સર્જાયો છે.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે પીએમ મોદીએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને શું આપ્યું માર્ગદર્શન? જાણો વિગત

લોકોએ ગુરુવારે આખી રાત બ્લેકઆઉટ વચ્ચે મોબાઈલ-ટીવી પર યુદ્ધનું કવરેજ જોયું હતું અને બ્લેકઆઉટમાં રાત્રી ગુજારી હતી અને વહેલી સવારે વીજળી પૂરવઠો પૂર્વવત થઇ જતાં લોકોએ ફટાફટ મોબાઈલ ફોન,ઇમર્જન્સી લાઈટ-ફેન, પાવર બેન્ક જેવા ઉપકરણો ચાર્જ કરવા મૂકી દીધાં હતાં.

દરમ્યાન યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોએ આજે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા બજારો તરફ દોટ મૂકી છે અને કરિયાણાની દુકાનોમાં આજે વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત લોકોએ પોતપોતાના વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે પણ લાઈનો લગાવી છે.

આપણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને લઈ હવે કચ્છનો દરિયાઈ માર્ગ સીલ, માછીમારીમાં પ્રતિબંધ…

ઉલ્લેખનીય છે કે, ભુજ દેશના પશ્ચિમી વિસ્તારનું મહત્વનું સૈન્ય મથક છે. અહીં પાકિસ્તાન ગમે ત્યારે મિસાઈલ હુમલો કરી શકે છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેના લખપત અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયામાં ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજો રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે જયારે પોલીસના જવાનો સરહદી ગ્રામ્ય વિસ્તારોમાં રૂબરૂ જઈને શંકાસ્પદ લોકો પર નજર રાખી રહ્યા છે.

કચ્છ પર ગુરુવારે જ કોટેશ્વર સહિતના છ લોકેશનો પર પાકિસ્તાને ડ્રોનથી હુમલો કરવાનો નિષ્ફ્ળ પ્રયાસ કર્યો હતો. આ છમાંથી ત્રણ ડ્રોનને હવામાં જ શૂટ કરી દેવાયા હતા જયારે બાકીના ત્રણ પરત સામેપાર ચાલ્યા ગયા હોવાની વાત સામે આવી છે.

કચ્છમાં એકસાથે છ જેટલા ડ્રોન હુમલાનો નિષ્ફ્ળ પ્રયાસ કરવા પાછળનો મુખ્ય હેતુ ખાવડા ખાતેના દુનિયાના સૌથી મોટા સોલાર એનર્જી પ્રોજેક્ટ પર હુમલો કરવાનો હોવાનું માનવામાં આવે છે. સરકારે આ સંદર્ભે અદાણી કોર્પોરેટ ગ્રુપને આ અંગે સાવધ રહેવા તાકીદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની કરી વાત

હાલે દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા અને મુંદરા ખાતેના ખાનગી બંદર પર જહાજોની અવરજવર પર નિયંત્રણો લાદી દેવામાં આવ્યાં છે અને અહીં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે. સમગ્ર રાજ્યના હવાઈ મથકોની સાથે ભુજના હવાઈ મથકને તેમજ અન્ય કેટલાક સ્ટ્રેટેજિક લોકેશનો લશ્કરને સોંપી દેવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકની સંવેદનશીલ સિરક્રીક, હરામીનાળાથી શરૂ કરીને છેક કોટેશ્વર-નારાયણ સરોવર સુધીના દરિયાને પરિસ્થિતિની નજરે સીલ કરી દેવાયા છે.

પાકિસ્તાને અરબી સમુદ્રના આ દરિયામાં ‘વેપન લોડેડ’ ડ્રોન મોકલીને સળી કરતાં, ભારતે તત્કાળ હરકતમાં આવી જઈને પાકિસ્તાનના મહત્વના બંદરગાહ કરાંચી પર હુમલો કરી દીધો હતો.

દરમ્યાન, આજ સવારથી જ ભુજ ખાતે પોલીસના મોબાઈલ વાહનો ઠેર ઠેર ઘૂમી રહ્યાં છે અને હજુ આજે પણ બ્લેકઆઉટની પરિસ્થિતિ રહે તેવી શક્યતા છે.

કંડલા ખાતેના દિન દયાળ પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે, કંડલા બંદર ખાતે તકેદારીના પૂરતાં પગલાં લેવામાં આવી રહ્યાં છે અને અહીં મોકડ્રિલ યોજીને યુદ્ધમાં હવાઈ હુમલાઓથી બચવા શું કરવું તેની તાલીમ આપી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button