મેટિની

સ્ટાર-યાર-કલાકાર : એક થા કૈફી… વિચાર ને વિદ્રોહનો શાયર!

-સંજય છેલ

મુંબઇમાં એક ફિલ્મ નિર્માતાને ત્યાં દિવાળીની પાર્ટી ચાલી રહી હતી. ત્યાં શાયર કૈફી આઝમીએ એક શાયરને કહ્યું, ‘અબ તો આપ શાદી કર હી લો…’ પેલા શાયરે કહ્યું, ‘હાં, પર આજકલ કહાં અચ્છી બીવીયાં મિલતી હૈ?’

કૈફીએ પાસે બેઠેલા સ્ત્રીઓના ગ્રુપ તરફ ઇશારો કરીને કહ્યું :

‘વહાં દેખો કિતની સારી હૈ! ઢુંઢ લો કોઇ!’

એ ગ્રુપમાં કૈફીનાં પત્ની શૌકત પણ હતાં. શાયરે કહ્યું :

‘વહાં તો આપ કી બીવી ભી હૈ! ’

કૈફીએ તરત જ કહ્યું : ‘તુમ તૈયાર હો તો અભી તલાક દે દું!

અલબત્ત, આ તો એક મજાક હતી બાકી આજકાલ યુ.પી.ના આઝમગઢની ઓળખ અંડરવર્લ્ડ અને ગુનાખોરી માટે થઇ ગઇ છે, પણ સાચી ઓળખ છે શાયર કૈફી આઝમી,જે આજે જીવતા હોત તો પૂરા 105 વરસના હોત! કાલે 10મી મેના રોજ લેખક- કવિ કૈફી આઝમીની મૃત્યુ તિથિ છે. જોકે આજે કૈફીની ઓળખ શબાના આઝમીના પપ્પા અને જાવેદ અખ્તરના સસરા તરીકે થાય છે એ પાછી અલગ વાત છે.

40ના દાયકામાં દેશમાં સાહિર, મજરૂહ, શેલેંદ્ર, બલરાજ સહાની, કે.એ.અબ્બાસ, બિમલ રોય વગેરે વિચારવંત કલાકારો- સાહિત્યકારોએ ‘પ્રોગ્રેસીવ રાઇટર્સ એસોસિએશન’ નામે પ્રગતિવાદી કલાકારોનું ગ્રુપ બનાવેલું અને આઝાદી માટે શેરી નાટકો ભજવતા. આ બધામાં કૈફીને ઉર્દૂ સાહિત્યમાં ગીતકાર સાહિર કે શેલેંદ્ર કરતાં હંમેશાં વધુ માન મળતું, કારણકે એ માત્ર લવી-ડવી શાયર નહીં, પણ લડાકુ કવિ હતા.

જી હાં કૈફી, આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર ને ત્યાર બાદ ભારત સરકાર સામે સતત લડીને એકથી વધુ વાર જેલ પણ ગયેલા! આમ આદમી, મજૂરો કે ખેડૂતો કે શોષિતો માટે આજીવન લડતા રહ્યા. ‘અવામી ઇદારા’ નામે સંસ્થામાં મજૂરોના હક્કો માટે ઝૂંપડપટ્ટીમાં જઇને રીતસરનો સંઘર્ષ કરતા. ફૂટપાથ પર ઊભા રહીને મજૂરોમાં જાગૃતિ આવે એ માટે ચોપાનિયાં વેંચતા! આપણાં કોઇ ગુજરાતી કવિને આવું કરતાં કલ્પી પણ શકાય. નાસ્તિક અને લિબરલ શાયર કૈફી, સરકાર અને સ્થાપિત હિતો સામે જ નહીં, પણ કટ્ટરપંથીઓ સામે પણ લડ્યા હતા. ‘આવારા સજદે’ નામની વિદ્રોહી કિતાબ લખેલી અને કટ્ટર લોકોનો ખોફ વહોરી લીધેલો.

નાનપણમાં કૈફીના તહસીલદાર અબ્બા એમને આધુનિક શિક્ષણ આપવા માંગતા હતા, પરંતુ સંબંધીઓના દબાણને કારણે કૈફીને ઇસ્લામના અધ્યયન માટે લખનઊ મોકલવામાં આવ્યા હતા, પણ ત્યાં એમણે અળખામણા સવાલો પૂછીને હડતાલ કરી એટલે તગેડી મૂકવામાં આવેલા. પછી તો લખનઊ અને અલ્હાબાદ યુનિવર્સિટીઓમાં ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાઓનો અભ્યાસ કર્યો. આ કૈફીએ સાવ 11 વર્ષની ઉંમરે પહેલી ગઝલ લખેલી, જેને પાછળથી બેગમ અખ્તરે ગાઇ હતી. કૈફીએ 12 વર્ષની ઉમ્મરે જ નિર્ણય લઈ લીધેલો કે ભવિષ્યમાં હું ફક્ત લેખક જ બનીશ. કૈફી કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા અને પાર્ટીના કામથી મુંબઇ મોકલવામાં આવ્યા ત્યારે ‘ઇપ્ટા’ નામની નાટકી સંસ્થામાં જોડાયા. ઈપ્ટામાં જ કૈફી અનેક લેખકો સાથે ગાઢ મિત્ર બન્યા અને એમાંની જ એક હતી અભિનેત્રી શૌકત. શૌકત, મુફલિસ કવિ કૈફી કરતાં વધારે પ્રતિષ્ઠિત પરિવારની હતી, પણ કૈફીની કવિતાઓની ચાહક હતી. શૌકત સાથે કૈફીના લગ્ન એમના મિત્ર અને લેખક સજ્જાદ ઝહીરના ડ્રોઈંગ રૂમમાં સાવ સાદગીથી ચોરી છૂપી થયા હતા અને હનીમૂન તો પોસાય એમ જ નહોતું.

કૈફી અને શૌકત વચ્ચે જેટલો પ્રેમ હતો એટલો જ વિખવાદ પણ થતો. શૌકત આઝમી પોતે અભિનેત્રી હતાં અને જમાનાથી અલગ ચાલનાર સ્ત્રી હતાં. એકવાર શાયર નિદા ફાજલી સાથે કૈફી સાહિત્યની ચર્ચા કરતા હતા ને શૌકત એમાં વચ્ચે વચ્ચે ટાપસી પૂરાવીને ડિસ્ટર્બ કરતા હતાં. કંટાળેલા કૈફીએ રસોઇઆ જોનને બોલાવીને કહ્યું, ‘જોન.. આજ સે મેરી કુર્સી કિચનમેં રખના. અબ સે મૈં ચુલ્હા ચૌકા સંભાલુંગા ઔર શૌકતજી, અદબ (સાહિત્ય) સંભાલેગી!’ નારીવાદી શૌકતને આ સાંભળીને ગુસ્સો આવ્યો ત્યારે કૈફીએ કહ્યું: ‘અરે, યે મઝાક હૈ ઔર યે ના ભૂલો કિ મૈંને ‘ઔરત ઔર ગર્ભવતી’ જૈસી રચનાએં લિખી હૈ!’

શૌકત ચૂપ થઇ ગયાં, કારણ કે એ નારીવાદી કવિતાઓએ સમાજમાં આગ લગાવી હતી!

કૈફી આઝમી ‘કૌમી જંગ’ નામના મેગેઝિન માટે લખતા ને મહિને માત્ર 40 રૂ કમાતા. મુંબઇના ખેતવાડીમાં વિસ્તારમાં એવી જગ્યાએ રહેતા હતા જ્યાં ટોઇલેટ-બાથરૂમ પણ સાર્વજનિક હતા. અહીં જ દીકરી શબાના (આઝમી)નો જન્મ થયો હતો. જ્યારે પુત્રી શબાના શૌકતના પેટમાં હતી ત્યારે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા એમને ગર્ભપાત માટેનું ફરમાન આપવામાં આવ્યું હતું. એ ફરમાનનું ઉલ્લંઘન કરીને કૈફી ભૂગર્ભમાં જતા રહ્યા હતા. પછી તો ફિલ્મોમાં સફળ થઇને વરસો બાદ જુહુમાં ‘જાનકી કુટિર’ પાસેના નાનકડા બંગલા પર રહેવા આવ્યા, આ ‘જાનકી કુટિર’ એટલે એ જ પવિત્ર ભૂમિ, જ્યાં આજે મુંબઇ રંગભૂમિનું અદ્ભુત ‘પૃથ્વી થિએટર’ છે.

કૈફીનું ફિલ્મોમાં આવવાનું કારણ મજબૂરી હતું, પણ પછી એ જ એમની ઓળખ બની ગયું. 1951માં એમણે જાણીતી વિદ્રોહી ઉર્દૂ લેખિકા ઇસ્મત ચુઘતાઇના નિર્માતા-નિર્દેશક પતિ શાહિદ લતીફની ફિલ્મ માટે પહેલું ગીત લખ્યું. ત્યારબાદ તો કૈફી કુલ 80 ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા હતા અને એમને ત્રણ ફિલ્મફેર એવોર્ડ ને નેશનલ એવોર્ડ પણ મળ્યા. કૈફીએ ‘ગર્મ હવા’ જેવી યાદગાર ફિલ્મ લખેલી, જેને સત્યજિત રેએ ભારતની 3 મહાન ફિલ્મ ગણાવી છે! કૈફીએ 1857ના સમયગાળા વિશે ‘ઉર્દૂ કા આખરી મુશાયરા-આખરી શમા’ નામનું અત્યંત સફળ નાટક પણ લખેલું, જેમાં બલરાજ સહાનીએ કામ કરેલું, જે 60 વરસે હજી પણ ભજવાય છે! કૈફીએ ‘અર્થ’, ‘હીર-રાંઝા’, ‘હસતે ઝ્ખ્મ’ અને ‘કાગઝ કે ફૂલ’ જેવી અનેક યાદગાર ફિલ્મોનાં ગીતો તો લખ્યાં જ, પણ અભિનેતા રાજકુમારની ‘હીર-રાંઝા’ નામની સુપર- હિટ ફિલ્મના બધા જ સંવાદો શેરો-શાયરીના સ્વરૂપમાં લખેલા…. વિચાર કરો આખી ફિલ્મ કવિતાના ફોર્મમાં અને આવો પ્રયોગ જગતમાં કોઇ જ ફિલ્મમાં થયો નથી.

જ્યારે કૈફીની આર્થિક સ્થિતિ સારી થઈ ત્યારે ફક્ત મો-બ્લાંક નામની મોંઘી ફાઉન્ટન પેનથી લખતા અને એ પેનની સર્વિસ ન્યૂયોર્કની ‘ફાઉન્ટેન હોસ્પિટલ’માં થતી હતી. આમ તો કૈફીને પદ્મશ્રી, સાહિત્ય અકાદમી એવોર્ડ અને સોવિયત ભૂમિ નેહરુ એવોર્ડથી પણ નવાજવામાં આવેલા, પણ ઇનામ અકરામની બધી જ રકમ કૈફીએ એમના યુપીના ગામ મિઝવાનમાં શાળા, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ ને ત્યાંના રસ્તા બનાવવામાં ખર્ચી નાખેલા.

આમ તો યુ.પી.સરકારે સુલતાનપુરથી ફુલપુર માર્ગને ‘કૈફી આઝમી માર્ગ’ તરીકે જાહેર કર્યો છે, પણ આવા વિદ્રોહી શાયરના નામે માર્ગ બનાવવો આસાન છે પણ એમના રસ્તે ચાલવું કઠિન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button