જીવી લઈએ એ જ ‘જિંદગી’… વીતે એને ‘વખત’ કહેવાય!

અરવિંદ વેકરિયા
મા.મા.લ.પા. (માણસ માત્ર લફરાને પાત્ર) તો સફળતાની સીડી સડસડાટ ચઢવા માંડ્યું, જેની કલ્પના જ નહોતી કરી.
વાત મધરાત..ની ટિકિટ, જે સૌથી વધુ 40 રૂપિયાની હતી એ 100 રૂ.માં બ્લેક થતી હતી. મા.મા.લ.પા.ની ટિકિટ પણ ખૂબ બ્લેક થતી. જોવાની ખૂબી એ વાતની હતી કે નાટકના વિષયને કારણે કોઈ સામાજીક સંસ્થા આ નાટકનાં પ્રાયોજિત શો ગોઠવતી નહીં, પણ સંસ્થા સાથે સંબંધોના કારણે એ સંસ્થાનાં કર્તા-હર્તા નાટક જોવા ગોઠવાઈ જરૂર જતાં.
પછી તો આ નાટકને રવિવારની તારીખો પણ મળતી. (રમઝાન ઈદ, બકરી ઈદ, મોહરમ, શિવરાત્રી વગેરે.. બેંક હોલીડેની તારીખો પણ મળતી) નાટક એટલું પ્રેક્ષણીય બન્યું કે કોઈ પણ થિયેટરમાં રજૂ કરો, હા.ફૂ. નું બોર્ડ લટકી જતું. મને એક દિગ્દર્શક તરીકે ખબર નહોતી પડતી કે આ નાટકમાં એવી કઈ વસ્તુ પ્રેક્ષકોને અપીલ કરી ગઈ હશે.!
મારી નિષ્ઠા માટે મને જાત પર વિશ્વાસ હતો તો ડોલર પટેલ અને નવોદિત સુભાષ ખન્ના પણ એકદમ પારદર્શક્તા ધરાવતા નિર્માતા હતાં. મને લાગે છે જેની મતિ અને ગતિ સત્યની છે એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવતાં હશે.
ડોલરનો તો સ્વભાવ જ બિનધાસ્ત. હોય તો ઈદ નહીં તો રોઝા. ઘણાની ફરિયાદો પણ રહેતી કે લીધેલા પૈસા એ સમયસર પાછા આપતા નથી. એક વાત હતી, પૈસા આપતા ભલે સમય લે, પણ પૈસા ડૂબે નહીં. એનું વ્યક્તિત્વ જ એવું, ચાલો તો એવી રીતે ચાલો કે તમે એક ‘રાજા’ હો, નહીં તો એવી રીતે ચાલો કે શું ફરક પડે, કોઈ પણ ‘રાજા’ હોય.
આ ફિલોસોફીમા ડોલરનું આખું વ્યક્તિત્વ આવી ગયું, છતા એનાથી હેરાન થનાર અને એને ગાળો દેનાર પણ ઘણાં.
પણ ‘રાજા’ ને કોઈ ફરક ક્યારેય પડ્યો નહીં, સિરિયલની લમણાઝીકમાં કે નાટકની માથાકૂટમાં.
નાટક ધોધમાર વરસતું રહ્યું. ક્યારેક પાછું ‘ગુજરાત’નું ભૂત ધુણવા લાગતું, પણ 35 રૂપિયાની સિલિન્ગનું ‘સરવૈયું’ સમજાવી ઉઠતા આવેગને શાંત પાડી દેતા.
દરમિયાન, મારા અભિનયનાં દરવાજા થોડો વખત બંધ રહ્યાં હતા. આકાશવાણી-ઓલ ઇન્ડિયા રેડિયોનાં એક રેકોર્ડિંગમાં અમારા ‘બહુરૂપી’ સંસ્થાનાં સિનિયર અને સૌના લાડકા ‘મામા’ દીનું ત્રિવેદી મળ્યાં. જતીન કાણકિયા એટલે અદ્ભુત કલાકાર.. ખબર નહીં, મારા માટે એને પહેલેથી લાગણી. એની સાથે પછી તો સિરિયલો પણ કરી, એ વાત ફરી ક્યારેક. એણે જાણ્યું કે રેકાર્ડિંગમાં દાદુ પણ છે, તો આઈ.એન.ટી.નાં નાટકમાં, જેમાં દીનું ત્રિવેદી હતા એ નાટકના એક પાત્ર માટે જતીને ખાસ સુરેશ રાજડાને મળવા મામા દ્વારા જણાવ્યું.
રેકોર્ડિંગ પતાવી હું દીનુમામા સાથે જ ગર્ટન-ગ્રાન્ટ રોડ પહોંચી ગયો. જતીનને કારણે આઈ. એન.ટી. જેવી માતબર સંસ્થા સાથે મારો રોલ ફાઈનલ થઇ ગયો. મારું આ સંસ્થા સાથે પહેલું અને છેલ્લું નાટક. અનુભવે કહું છું કે સરવાળા બધે સારા નથી હોતા અમુક વખતે આગળ વધવા બાદબાકી પણ કરવી પડે…
ખેર, દીપક ઘીવાલા, રાગીણી, દીનું ત્રિવેદી, ઈલા દોશી, સુરેશ રાજડા, કિરણ ભટ્ટ વગેરે..એ કલાકારોનાં કાફલામાં મારો ઉમેરો. નાટક હતું ‘બે દુની પાંચ’.
દિગ્દર્શક સુરેશ રાજડા. આવી માતબર અને નામી સંસ્થા માટે હું સાવ નવો હતો. સંસ્થા વિષે સાંભળેલું એ વિષે કલ્પનાનાં ઘોડા દોડાવતો રહ્યો. અનુમાન આપણા મનની કલ્પના છે, અનુભવ આપણા જીવનનો પાઠ…એ વિશે આગળ ઉપર..
મા.મા.લ.પા. નાં શોઝમાં હવે જવાનું ઓછું થઈ ગયું. હા, સમય મળે ચોક્કસ પહોંચી જતો. મારું અભિનિત નાટક પણ રિલીઝ થઈ ગયું. ખૂબ સફળ રહ્યું. રહે જ, માતબર સંસ્થાનું પીઠબળ અને સારું ટીમવર્ક. મને હવે કલાકાર અને દિગ્દર્શક, એમ બેવડા ‘કવર’ મળવા લાગ્યા. બહુ સારું લાગતું અને આ ખુશી ચાલુ રહે, બસ! જીવી લઈએ એ જ જિંદગી. વીતે એને ‘વખત’ કહેવાય. હું ‘વખત’ ‘જીવી’ રહ્યો હતો પણ સાથે નાના-મોટા શૂટિંગ પણ ચાલતા રહેતા.
માણસ ‘બિઝી’ રહે એટલે શું? એ વાત મને આ સમયગાળામાં સમજાતી હતી. જેમ નામ મોટું હોય એમ બધું જ મોટું હોય. હું સુરેશ સાથે ‘બે દુની..’ કરતો પણ કોને ખબર, કંઈક ખૂટતું લાગતું. ‘બે દુની..’માં હોઉં ત્યારે ‘મા.મા.લ.પા.’ના વિચારે ચડી જતો અને વાઈસે-વરસા. આ સ્થિતિમાં મારે જ મારી જાતને ‘બેલેન્સ’ કરવી પડે. પોતાનાં પડછાયાનું નિર્માણ કરવું હોય તો પોતે જ તડકામાં ઊભા રહેવું પડે.
આ પણ વાંચો શો-શરાબા : ફિલ્મ્સ નહીં… ફેમિનિઝમની બોલબાલા!
ખેર, ગાડી બંને નાટકોની ચાલતી રહેતી. હું જયારે ‘બે દુની..’ માં અટવાયો હોઉં ત્યારે ઉમેશ પારેખ મા.મા.લ.પા. સંભાળી લેતો એ મારે માટે મોટો ‘હાશકારો’ હતો.
મા.મા.લ.પા.નું ગુજરાતનું લાઈસન્સ અમુક કટ્સ સાથે આવી ગયું. એ કામ અમદાવાદમાં ધનજી સોલંકી સંભાળતા.
ગુજરાતના ઉભા થતા આનલને માંડ ઠાર્યો.
દરમિયાન અહીંયા તો મા.મા.લ.પા. હા.ફૂ.નાં બોર્ડ ઝુલાવતું રહેતું. તો ‘બે દુની..’ પણ હા.ફૂ. નાં પાટીયા ઝુલાવતું.
એમાં સારી સ્ટાર-કાસ્ટ અને જાણીતી સંસ્થા કારણભૂત હતી, જયારે ડોલરના નાટકમાં ‘વિષય’ જે લોકોને ગમી ગયેલો.
મારું મન આ મોટી સંસ્થા સાથે મુંજાતું હતું. વાંક કોઈનો નહોતો, વાંક કદાચ મારો જ હશે કે હું ‘કનેક્ટ’ નહોતો થઈ શકતો. આખું વાતાવરણ મને ‘પોલિટિકલ’ લાગ્યા કરતું. મારી ભૂલ મારે જ સુધારવાની હતી. પોતાના માઈનસ પોઈન્ટ જાણી લેવા એ જિંદગીનો સૌથી મોટો પ્લસ-પોઈન્ટ હશે.
પત્ની બોલતી હોય ત્યારે શાંત રહેવું…
પત્ની શાંત હોય ત્યારે બોલવું નહીં…